હોમપેજગુજરાતઅંબાજી મંદિરમાં દાંતા રાજવી પરિવારને પ્રાપ્ત આઠમની પૂજાનો વિશેષાધિકાર હાઇકોર્ટે રદ કર્યો,...

અંબાજી મંદિરમાં દાંતા રાજવી પરિવારને પ્રાપ્ત આઠમની પૂજાનો વિશેષાધિકાર હાઇકોર્ટે રદ કર્યો, ટ્રસ્ટને બહાલી: વાંચો શું હતો સમગ્ર વિષય, કોર્ટે ચુકાદામાં શું કહ્યું

સમગ્ર વિષય શું છે, વિવાદ ક્યાંથી ઉભો થયો હતો અને કોર્ટનો ચુકાદો શું કહે છે એ સમજીએ અને તેના માટે ઇતિહાસમાં જવું પડશે, કારણ કે કોર્ટે પણ એમ જ કર્યું છે.

- Advertisement -

ગુજરાત હાઇકોર્ટે બુધવારે (24 ડિસેમ્બર) વર્ષોથી ચાલતા આવતા શક્તિપીઠ અંબાજી મંદિર સંબંધિત એક વિવાદ પર પૂર્ણવિરામ મૂકતો ચુકાદો આપ્યો. મામલો મંદિરના માલિકીહકનો હતો, જેમાં પછીથી અન્ય અમુક વિષયો પણ જોડાઈ ગયા. માલિકી મુદ્દે કોર્ટે હાલ જે ટ્રસ્ટ હેઠળ મંદિરનું સંચાલન થાય છે તે ટ્રસ્ટને બહાલી આપી છે અને બીજી તરફ દાંતાના રાજવી પરિવારને નવરાત્રિના આઠમા દિવસે અંબાજી મંદિરમાં પૂજા કરવાનો અને આ દરમિયાન શ્રદ્ધાળુઓને પ્રવેશ પર રોક લગાવવાનો વિશેષાધિકાર મળ્યો હતો તે સમાપ્ત કરી દીધો છે.

સમગ્ર વિષય શું છે, વિવાદ ક્યાંથી ઉભો થયો હતો અને કોર્ટનો ચુકાદો શું કહે છે એ સમજીએ અને તેના માટે ઇતિહાસમાં જવું પડશે, કારણ કે કોર્ટે પણ એમ જ કર્યું છે.

તે પહેલાં થોડી પ્રાથમિક માહિતી.

- Advertisement -

વર્તમાન કેસ દાંતાના રાજવી પરિવારે હાઇકોર્ટમાં દાખલ કરેલી એક ફર્સ્ટ અપીલ અરજીથી ઉદ્ભવ્યો છે. આ અરજીમાં 2008ના બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોર્ટના એક ચુકાદાને પડકારવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું કે અંબાજી મંદિર દાંતા સ્ટેટના રાજવી પરિવારને પૂર્વજો તરફથી વારસામાં મળ્યું હતું એટલે તે તેમની ખાનગી/અંગત સંપત્તિ કહેવાય. ખાનગી સંપત્તિ હોય તો મંદિરનું સંચાલન પબ્લિક ટ્રસ્ટ દ્વારા થઈ શકે નહીં એટલે ટ્રસ્ટને ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવે.

2011માં મંદિર ટ્રસ્ટે એક વાંધાઅરજી દાખલ કરીને દલીલ આપી કે મંદિરનું ટ્રસ્ટ સંપૂર્ણ કાયદેસર જ છે, પરંતુ નવરાત્રિના આઠમા દિવસે રાજ પરિવાર મંદિરમાં પૂજા કરે છે અને આ દરમિયાન ભક્તોને પ્રવેશ આપવામાં આવતો નથી, એ પરંપરા પણ બંધ થવી જોઈએ, કારણ કે હવે સૌ સમાન છે.

મામલો આખરે કોર્ટ સમક્ષ ગયો. કોર્ટે ઉપલબ્ધ દસ્તાવેજો, અન્ય કોર્ટની કાર્યવાહી અને રેકર્ડ્સ પરથી ચુકાદો આપ્યો.

આગળની તમામ માહિતીનો આધાર ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો છે.

હાઇકોર્ટે ચુકાદો આપતી વખતે મુદ્દાને બે ભાગમાં વહેંચ્યો છે. સ્વતંત્રતા પહેલાં સ્થિતિ શું હતી અને સ્વતંત્રતા પછી શું સ્થિતિ હતી.

હાઇકોર્ટ કહે છે કે જે વિસ્તારમાં મંદિર હતું ત્યાંની રાજકીય સત્તા 1948 પહેલાં દાંતાના મહારાજા પાસે હતી એમાં કોઈ શંકા નથી, પણ ઐતિહાસિક દસ્તાવેજો, જમીનના રેકર્ડ અને ગેઝેટ જણાવે છે કે મંદિરની માલિકી માતાજીની (મા અંબાજી) છે અને મહારાજા માત્ર તેમના સેવક તરીકે કે વહીવટદાર હતા.

અહીં ઉલ્લેખનીય છે કે ભારતના કાયદા અનુસાર મંદિરમાં રહેલાં દેવી-દેવતાને જે-તે દેવીસ્થાનનાં માલિક ગણવામાં આવે છે.

કોર્ટે સ્વતંત્રતા પહેલાં 1934 અને 1937માં સિવિલ કોર્ટે આપેલા ચુકાદા ટાંકીને ઠેરવ્યું કે તે સમયની કોર્ટે પણ એ પ્રસ્થાપિત કર્યું હતું કે મહારાજા મંદિરનું સંચાલન એટલા માટે કરતા હતા કારણ કે તેઓ ત્યાંના શાસક હતા, એટલા માટે નહીં કે ત્યાં તેમની માલિકી હતી.

1934 અને 1937માં તત્કાલીન સિવિલ કોર્ટે તેમના ચુકાદામાં લખ્યું હતું કે મહારાજા મંદિરના માલિક નથી, માત્ર વહીવટદાર છે અને સંપત્તિ દેવીની (આ કિસ્સામાં મા અંબાજીની) છે. હાઇકોર્ટ અનુસાર, આ નિર્ણયો પછીથી કોઈ કોર્ટમાં પડકારવામાં ન આવ્યા એટલે એનો અર્થ એ થાય કે સ્વતંત્રતા પહેલાં પણ એ સ્પષ્ટ થયું હતું કે રાજ પરિવાર પાસે મંદિરની માલિકી નથી.

સ્વતંત્રતા પછી

ત્યારબાદ સ્વતંત્રતા પછીનો વિષય આવે છે. 1947માં સ્વતંત્રતા મળી અને 1948માં તમામ રજવાડાંનું ભારતમાં વિલીનીકરણ થયું. 5 ઑક્ટોબર 1948ના રોજ દાંતાના મહારાજાએ સરકાર સાથે વિલીનીકરણ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરારમાં જોગવાઈ હતી કે રાજાની ખાનગી સંપત્તિ તેઓ પોતાની પાસે રાખી શકે અને જે રાજ્યની કે જાહેર સંપત્તિ હશે એ સરકાર હસ્તક જશે.

વિલીનીકરણ બાદ મહારાજાએ જે યાદી સુપરત કરી તેમાં ખાનગી સંપત્તિમાં અંબાજી મંદિર અને તેને લગતી અન્ય સંપત્તિઓનો ઉલ્લેખ હતો. સરકારે એ માન્ય ન રાખ્યું અને અનેક પત્રોમાં એ સ્પષ્ટતા કરી કે મહારાજા મંદિરના સેવક હતા અને મંદિર એક ધાર્મિક સંસ્થા છે, એટલે તેનું સંચાલન એક પબ્લિક ટ્રસ્ટ દ્વારા થશે. તત્કાલીન બૉમ્બે સરકારે મહારાજાને ટ્રસ્ટના ચેરમેન બનવાનું પણ નિમંત્રણ આપ્યું, પણ તેમણે એ નકારી દીધું અને એ વાત પર અડગ રહ્યા કે મંદિર તેમની સંપત્તિમાં આવે છે અને તેનું સંપૂર્ણ સંચાલન તેમને સોંપી દેવામાં આવે.

1954માં મહારાજા બૉમ્બે હાઇકોર્ટ ગયા અને મંદિર સરકાર હસ્તક લેવા પર રોક લગાવવાની માંગ કરી. હાઇકોર્ટે વચગાળાની રાહત આપીને સરકારને આગળ વધતી અટકાવી દીધી. દરમ્યાન મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને 1957માં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે બૉમ્બે હાઇકોર્ટનો ચુકાદો પલટાવી દીધો.

1957નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો એક અગત્યનો ટર્નિંગ પોઈન્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાજા તેમની માલિકી સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે અને સંપત્તિ એક ધાર્મિક સંસ્થા છે. કોર્ટે બંધારણનો આર્ટિકલ 363 ટાંકીને કહ્યું કે મર્જર એગ્રીમેન્ટ પર કોર્ટ ફરીથી સુનાવણી કરી શકે તેમ નથી. જેથી મંદિરની માલિકીનો મુદ્દો સમાપ્ત થાય છે.

બંધારણનો આર્ટિકલ 363 કહે છે કે વિલીનીકરણ સમયે જે કરાર થઈ ગયા તેની ઉપર હવે દેશની કોઈ કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીં કે ફરીથી આ કેસ ખોલીને તેની સુનાવણી કરી શકે નહીં. વિલીનીકરણ સમયે થયેલા કરારોને પછીથી કોર્ટમાં પડકારવામાં આવતા ન રહે અને અદાલતોનું કામ ન વધે એના માટે આ જોગવાઈ કરવામાં આવી હતી.  

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મંદિરનું સંચાલન સરકારે લીધું, પણ વિવાદ યથાવત્ રહ્યો

સુપ્રીમ કોર્ટના આદેશે સરકારને માર્ગ મોકળો કરી આપ્યો. સરકારે આખરે મંદિરનું સંચાલન પોતાના હાથમાં લઈ લીધું. 1960માં ગુજરાતની સ્થાપના થઈ અને આખરે 1961માં સરકારે એક વહીવટદારની નિમણૂક કરી. તેમણે બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ શ્રી અંબાજી માતા દેવસ્થાન નામથી પબ્લિક ટ્રસ્ટ સ્થાપવા માટે અરજી કરી. તેની સામે પણ રાજાએ વિરોધ દર્શાવ્યો.

મહારાજાના વિરોધ બાદ જોઇન્ટ ચેરિટી કમિશનરે તપાસ કરી, પુનઃ અરજીઓ થઈ, મામલો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પહોંચ્યો. પણ વર્ષોની આ કાયદાકીય કાર્યવાહી બાદ પણ તમામ સંસ્થાઓ-કોર્ટ એ વાત પર અડગ રહી કે માલિકી રાજપરિવાર પાસે નથી. પરંતુ ટર્નિંગ પોઈન્ટ 1979માં આવ્યો, જ્યારે જોઇન્ટ ચેરિટી કમિશનરે મહારાજાની માલિકીની અરજી તો ફગાવી દીધી, પણ રાહત આપતાં નવરાત્રિ પર અમુક પૂજા કરવા માટે લીલી ઝંડી આપી. પરંતુ અહીંથી એક નવો વિવાદ શરૂ થયો.

ચેરિટી કમિશનરે રાજ પરિવારને વિશેષાધિકાર આપ્યો, જેને પછીથી બનાસકાંઠા કોર્ટે બહાલ કર્યો

મહારાજા માલિકી મેળવવા માટે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગયા. બીજી તરફ 1981માં ટ્રસ્ટે એક અરજી દાખલ કરીને પૂજાના વિશેષાધિકાર પર વાંધો ઉઠાવ્યો. આખરે વર્ષ 2008માં બનાસકાંઠા કોર્ટે ચુકાદો આપીને ફરી એક વખત ટ્રસ્ટને બહાલી આપી, રાજાની માલિકીની દલીલો ફગાવી પણ સાથે જે જોઇન્ટ ચેરિટી કમિશનરે પૂજા માટે વિશેષાધિકાર આપ્યો હતો એ પણ યથાવત્ રાખ્યો.

જેના કારણે ફરી એક વખત મહારાજા ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા અને બનાસકાંઠા કોર્ટનો ચુકાદો પલટાવીને ટ્રસ્ટને ગેરકાયદેસર ઠેરવી પોતાને મંદિરની માલિકી સોંપવાની માંગ કરી. બીજી તરફ ટ્રસ્ટે એક વાંધા અરજી દાખલ કરીને વિશેષાધિકારને પડકાર્યો.

ગુજરાત હાઇકોર્ટે શું નિર્ણય આપ્યો?

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મૂળ પ્રશ્નો એ હતા કે શું બનાસકાંઠા કોર્ટનો 2008નો ચુકાદો કાયદાકીય રીતે સાચો હતો કે કેમ અને શું વિશેષાધિકારની મંજૂરી આપતો ચેરિટી કમિશનર કે અન્ય ઓથોરિટીનો નિર્ણય યોગ્ય હતો કે કેમ.

પહેલા મુદ્દા પર કોર્ટ પાસે વધુ સ્કોપ રહેતા નથી, કારણ કે 1957માં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ પહેલેથી જ મામલો ઉકેલી ચૂકી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આમ તો બીજી કોઈ કોર્ટ વધુ પુનર્વિચાર કરતી હોતી નથી પણ તે દિશામાં જવું પણ હોય તો હાઇકોર્ટ પાસે પુનર્વિચારનો વિકલ્પ રહેતો નથી કારણ કે અહીં આર્ટિકલ 363 આવે છે, જે કહે છે કે 1948ના મર્જર એગ્રીમેન્ટને પછીથી કોઈ કોર્ટમાં પડકારી શકાય નહીં.

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે રાજવી પરિવાર ક્યારેય મંદિર પર પોતાની માલિકી પુરવાર કરી શક્યો નથી. જ્યારે બીજી તરફ તમામ દસ્તાવેજોમાં તેઓ માલિક નહીં પણ કસ્ટોડિયન તરીકે દર્શાવાયા છે. સંપત્તિ દેવીની છે. જેથી અંબાજી મંદિર ક્યારેય ખાનગી સંપત્તિ રહ્યું નથી એ વાત હાઇકોર્ટે સ્વીકારી લીધી.

હાઇકોર્ટ કહે છે કે, માત્ર એટલા માટે કે ઐતિહાસિક દૃષ્ટિએ મંદિરનું સંચાલન મહારાજાઓના હાથમાં હતું, એમ ન કહી શકાય કે માલિકી હકો પણ તેમની પાસે જ રહેશે. સંચાલન એ મર્યાદિત ભૂમિકા છે, તેનાથી સંપત્તિનો હક પ્રસ્થાપિત થતો નથી.

હવે પ્રશ્ન આવે છે વિશેષાધિકાર કે નવરાત્રિ પર રાજ પરિવાર દ્વારા થતી પૂજાવિધિનો.

કોર્ટ અહીં કહે છે કે જો કોઈ વ્યક્તિ પાસે જે-તે સંપત્તિની માલિકી ન હોય તો ત્યાં તેને વિશેષાધિકાર કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? કોર્ટે ચેરિટી કમિશનર અને અન્ય ઓથોરિટીના નિર્ણયમાં વિસંગતતા શોધીને કહ્યું કે આ એક લીગલ એરર છે, જેને ઠીક કરવી જરૂરી છે.

હાઇકોર્ટ કહે છે કે, એવો એક પણ પુરાવો નથી, જેમાં એ જણાવવામાં આવ્યું હોય કે 1947 પછી રાજ પરિવાર માટે આવા વિશેષાધિકાર યથાવત્ રહેશે. ન બૉમ્બે સરકાર કે ન ગુજરાત સરકારે આવું કાગળ પર કશું કહ્યું નથી. કોર્ટનું કહેવું છે કે સ્વતંત્રતા પહેલાં ભલે અમુક પરંપરાઓ પાળવામાં આવતી હોય, પણ દેશ બન્યા પછી તેને કાયદાકીય રક્ષણ પણ મળવું જોઈએ. આ કિસ્સામાં એવું નથી.

કોર્ટનું કહેવું છે કે શ્રદ્ધાળુઓ પર મંદિરમાં કામચલાઉ ધોરણે પણ રોક લગાવવી એ બંધારણના આર્ટિકલ 25 અને 26નું ઉલ્લંઘન છે. બીજું, આ ધાર્મિક સંસ્થાન છે, ત્યાં સૌ સમાન છે. હાઇકોર્ટ કહે છે કે ચેરિટી કમિશનર પાસે કોઈ કાયદાકીય સત્તા ન હતી કે તેઓ આવા વિશેષાધિકાર આપી શકે, એ પણ એ સ્થિતિમાં જ્યારે માલિકી હકો રાજ પરિવાર પાસે નથી એ ચેરિટી કમિશનર અને અન્ય અદાલતો ઠેરવી ચૂક્યાં છે.

બીજી તરફ રાજ પરિવાર તરફથી બંધારણનો આર્ટિકલ 25 અને 26 ટાંકીને દલીલ આપવામાં આવી હતી કે જો પરંપરા બંધ થાય તો તેમની ધાર્મિક સ્વતંત્રતા જોખમાઈ શકે છે. હાઇકોર્ટે આ મામલે કહ્યું કે આર્ટિકલ 25 અને 26 ધાર્મિક સ્વતંત્રતા આપે છે, પણ પબ્લિક ઓર્ડર અને નૈતિકતાને આધીન રહીને. જાહેર સંપત્તિ હોય તેવા મંદિરમાં આ રીતે લોકોને પ્રવેશતા રોકી શકાય નહીં.

હાઇકોર્ટ કહે છે કે કોઈ પણ વ્યક્તિ, તે ભલે ભૂતકાળના શાસકો કેમ ન હોય, વિશેષ દરજ્જો ભોગવી શકે નહીં અને કાયદો તમામ માટે સમાન રીતે કામ કરે છે.

અંતે હાઇકોર્ટે રાજ પરિવારે 2008ના બનાસકાંઠા કોર્ટના ચુકાદા વિરુદ્ધ દાખલ કરેલી ફર્સ્ટ અપીલ ફગાવી દીધી હતી અને પબ્લિક ટ્રસ્ટને બહાલી આપી. બીજી તરફ ટ્રસ્ટે દાખલ કરેલી વાંધાઅરજી સ્વીકારીને તમામ વિશેષાધિકાર રદ કરી દીધા અને શ્રદ્ધાળુઓને મંદિરની બહાર રાખવાના નિર્ણયને આપવામાં આવેલી મંજૂરી પણ રદ કરી દીધી.

ચુકાદા પર મિશ્ર પ્રતિક્રિયા, મામલો સુપ્રીમ જશે એ નક્કી

આ ચુકાદા પર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક તરફ અમુક લોકો કહી રહ્યા છે કે રજવાડાં હવે રહ્યાં નથી એટલે વિશેષાધિકાર ન રહે એ સ્વાભાવિક છે. રાજ પરિવાર પૂજા કરે એનો વાંધો નથી, પણ હવે સૌને સમાન રીતે ગણીને તમામને પ્રવેશ આપવામાં આવશે.

બીજી તરફ, રાજ પરિવારનું અને અન્ય અમુક સ્થાનિકોનું કહેવું છે કે આ એકમાત્ર પરંપરા હતી જે રાજપરિવાર અને મંદિરને જોડી રાખતી હતી અને તે ચાલુ રહેવી જોઈતી હતી. મુદ્દો ભાવનાત્મક છે. રાજ પરિવાર સાથે, મંદિર સાથે લોકોની ભાવનાઓ જોડાયેલી છે. રજવાડાં રહ્યાં નથી, પણ રાજ પરિવારો પ્રત્યે લોકોની લાગણીઓ આજે પણ અકબંધ છે એવું એક નહીં અનેક રજવાડાંમાં જોવા મળશે. એટલે જ હવે માંગ ઉઠી રહી છે કે રાજ પરિવારે હવે સુપ્રીમ કોર્ટ જવું જોઈએ. મામલાના ઇતિહાસ અને મહત્ત્વને જોતાં મામલો ફરી એક વખત સુપ્રીમ કોર્ટના દ્વારે જઈને ઉભો રહેશે એ નક્કી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં