(વિસાવદર પેટાચૂંટણીમાં AAPની જીતને ગ્લોરિફાય કરીને ‘ગુજરાતમાં ભાજપની જમીન ખસી રહી છે’ તેવો નરેટિવ કેમ ઘડવામાં આવી રહ્યો છે તે સમજાવતા લેખોની શ્રેણીનો આ બીજો ભાગ છે. પ્રસ્તાવના પ્રથમ ભાગમાં છે, જે અહીંથી વાંચી શકાશે.)
2017ની વિધાનસભા ચૂંટણીમાં કપરી કસોટીમાંથી પસાર થયા બાદ ભાજપનો ગ્રાફ સતત ઉપર જતો જોઈને ફ્રસ્ટેટ થઈ ગયેલી ગેંગને ‘પાર્ટી ગુજરાતમાં નબળી પડી રહી છે’ અને ‘હવે તેનાં વળતાં પાણી છે’ તેવું ચિત્ર ઉપસાવવા માટે એક તકની જરૂર હતી અને એ તક વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીતમાં શોધી કાઢવામાં આવી. રાજકીય પાર્ટીઓ તો આવા પર્સેપ્શન ઘડે એ સ્વાભાવિક છે અને એ જ એમનું કામ છે, પણ આમાં એક મોટું યોગદાન કાયમ કેમેરા વિપક્ષી પાર્ટીઓના નેતાઓની ફરતે ફેરવીને કે સરકારને ટાર્ગેટ કરવા માટે ફેક ન્યૂઝ ચલાવીને પોતાની દુકાન ચલાવતી યુટ્યુબ ચેનલો અને તેના સ્વઘોષિત પત્રકારોનું પણ છે.
વિસાવદર-કડીની પેટાચૂંટણી અને ત્યારબાદ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી ગુજરાત અને રાષ્ટ્રીય મીડિયામાં એક નરેટિવ સેટ થઈ રહ્યો છે. દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપની સ્થિતિ ગુજરાતમાં અત્યંત ખરાબ છે. પાર્ટી નબળી પડી રહી છે. જમીન ખસી રહી છે. આ બધી ચર્ચાઓ વચ્ચે એક વિડીયો આવ્યો. ગુજરાતનાં ‘પત્રકાર’ દેવાંશી જોશીનો. પોતે ગુજરાતમાં જે પોર્ટલની નકલ કરવા ગયાં અને સદંતર નિષ્ફળ ગયાં એ ‘ધ લલ્લનટોપ’ સાથેની વાતચીતમાં તેમણે આવી બધી જ વાતો કહી છે. તેમની વાતોનો આધાર શું છે? એ કે વિસાવદરમાં ભાજપની હાર થઈ અને સરપંચની ચૂંટણીમાં મંત્રીનો પુત્ર હાર્યો!
આમ તો સરપંચની ચૂંટણીઓ પરથી રાજ્યના અને દેશના રાજકારણની ચર્ચા કરતા હોય તેમને ગંભીરતાથી લીધા વગર હસી કાઢવાના હોય. પણ એવું કરવામાં જોખમ છે. કારણ કે આવાઓની વાતો સાચી માનનારાઓની સંખ્યા પણ દુર્ભાગ્યે ઠીકઠાક પ્રમાણમાં છે.
BJP का गुजरात में बुरा हाल है"
— लेखराज गुर्जर हिंडोली बूंदी (@LekharajaB76180) June 29, 2025
ग्राम पंचायत के चुनाव में मंत्री के बेटे सरपंच तक नहीं बन पाए!
करंट मिनिस्टर का बेटा सरपंच का चुनाव हार गया!
गुजरात की जनता 27 में जीताने के लिए नहीं हाराने के लिए रिजल्ट देगी!
~दिव्यांशी जोशी
Note~
राहुल गांधी BJP को हराएंगे गुजरात में इस बार! pic.twitter.com/5r13lpeh31
‘ધ લલ્લનટોપ’ના શો ‘નેતાનગરી’માં સંપાદક સૌરભ દ્વિવેદી સાથે વાત કરતાં દેવાંશી જોશી ગુજરાતનું જે ચિત્ર રજૂ કરે છે તેનાથી આ પહેલાના લેખમાં જે ચર્ચા કરી તેનો તાળો મળી જશે. તેઓ કહે છે કે ગુજરાતમાં ભાજપની હાલત બહુ ખરાબ છે. દેવાંશીએ આ શોમાં ગોપાલ ઈટાલિયાની પ્રશંસામાં જે ગુણગાન ગાયાં છે એ ગોપાલ સાંભળશે તો એમને પણ પોતાનામાં આટલી બધી ‘વિશેષતાઓ’ છે તેવો પ્રશ્ન ઘડીક થશે. પણ જોકે એ સ્વાભાવિક છે. ગુજરાતના યુટ્યુબ પત્રકારો આમ આદમી પાર્ટીના નેતાઓનાં ગુણગાન ગાય એમાં આશ્ચર્ય જેવું કશું નથી.
દેવાંશી ગોપાલ વિશે કહે છે કે તેઓ ‘તીખાં તેવર’ માટે જાણીતા છે અને અત્યંત ‘ક્લેરિટી’ અને ‘આક્રમકતા’ સાથે ચૂંટણી લડે છે. આવા બધા શબ્દો વાપરીને ગોપાલની છબી ચમકાવવી હોય તો અલગ વાત છે, બાકી હકીકત એ છે કે આ ભાઈના રાજકારણમાં નક્કર કામો ઓછાં અને ફાંકાફોજદારી વધારે જોવા મળે છે. મોટેમોટેથી બોલીને કક્કો ખરો કરાવવો, ભાજપના મોટા નેતાઓને ટાર્ગેટ કરવા, આરોપો લગાવવા અને યુટ્યુબ ચેનલોના સ્ટુડિયોમાં જઈને એ જ વાતો ફરીથી રિપીટ કરવી– અત્યાર સુધી આવું બધું જ કર્યું છે.
આગળ દેવાંશી જોશી ભાજપ પર ટિપ્પણીઓ કરતાં કહે છે કે, “તેમને હમણાં એવું છે કે પાર્ટી આટલી મોટી છે તો એક પેટાચૂંટણીનો શું ફેર પડી શકે, પણ 2027 આવતાં સુધીમાં તેમને ખબર પડશે કે શું ફેર પડી શકે.” આગળ તેઓ કોંગ્રેસની વાત કરે છે કે તેમની સ્થિતિ ખરાબ છે. પરંતુ ત્યારબાદ એવું હાસ્યાસ્પદ નિવેદન આપી દે છે કે ભાજપની સ્થિતિ હમણાં કોંગ્રેસ કરતાં પણ ખરાબ છે.
ભાજપની હાલત ખરાબ, કારણ કે મંત્રીનો પુત્ર સરપંચની ચૂંટણી હાર્યો!
સૌરભ દ્વિવેદી પ્રશ્ન કરે છે કે જેઓ સત્તામાં બેઠા છે, તેઓ તો પોતાનો પ્રદેશ અધ્યક્ષ નથી બનાવી શક્યા. ત્યારબાદ દેવાંશી હાસ્યાસ્પદ રીતે કહે છે કે, ભાજપની સૌથી ખરાબ હાલત છે. તેનું કારણ આપતાં કહે છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંત્રીનો પુત્ર સરપંચ ન બની શક્યો!
કાં આ બેનને એ ખબર જ નથી કે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ કઈ રીતે થાય છે, અથવા તો આંખ આડા કાન કરી રહ્યાં છે, કારણ કે એજન્ડા સર્વોપરિ છે. ગ્રામ પંચાયતની ચૂંટણી સદંતર સ્થાનિક સ્તરે લડાય છે અને તેમાં મંત્રીનો પુત્ર લડે છે કે સ્વયં મુખ્યમંત્રી લડે છે, એ મતદારો જોતા હોતા નથી. ગ્રામ પંચાયતની ચૂંટણી જુદા મુદ્દે, જુદા બેનર હેઠળ લડવામાં આવે છે. તેમાં કોઈ મંત્રીનો પુત્ર હારી ગયો તો તેનું કારણ એ નથી કે તેના બાપની પાર્ટી પરથી મતદારોનો વિશ્વાસ ઉઠી ગયો છે. તેનો અર્થ એ થાય કે જે-તે ઉમેદવાર પર લોકોને વિશ્વાસ નથી. તેમાં પાર્ટી ક્યાંય વચ્ચે આવતી નથી. આ ભાજપ માટે જ નહીં, AAP અને કોંગ્રેસ માટે પણ લાગુ પડે છે.
આગળ દેવાંશી કહે છે કે ભાજપ પોતાના ભારથી જ નીચે આવી રહ્યો છે. તેમની ઉપર એટલો બોજ છે, એટલી વધુ સત્તા છે કે તેમને સમજાય રહ્યું નથી કે જમીન નીચેથી ખસી રહી છે. એવું પણ કહે છે કે વિસાવદરની ચૂંટણીમાં ભાજપની હારથી સૌથી વધુ ખુશ પાર્ટીના કાર્યકર્તાઓ જ છે. સાથે જનતા પણ ખુશ ન હોવાનું કહે છે અને આગળ કહે છે કે જનતાના મુદ્દા ઉઠાવનારા નેતાઓ આમ આદમી પાર્ટીમાં છે અથવા કોંગ્રેસમાં છે, જેમાં જીગ્નેશ મેવાણીનું નામ કહે છે.
વિસાવદર આસપાસ ચર્ચા, કડીનો ઉલ્લેખ નહીં. કારણ કે એજન્ડા સર્વોપરિ
વાતચીતમાં દેવાંશી જોશી વારંવાર એ બાબત રિપીટ કરતાં રહે છે કે ભાજપ માટે આગળ કપરો સમય આવી રહ્યો છે. પરંતુ વાતચીતમાં એક પણ વખત એ કહેતાં નથી કે વિસાવદર સાથે જ કડીમાં પણ પેટાચૂંટણી યોજાઈ હતી અને ત્યાં ભાજપે જંગી લીડથી જીત મેળવી છે. જો પાર્ટી ગુજરાતમાં જમીન ગુમાવી રહી હોય તો કડી શું રાજ્યની બહાર છે? થોડા મહિના પહેલાં પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણી ગઈ તેમાં ભાજપે એકતરફી જીત મેળવી એ શું હતું? પણ ફરી એકવાર, એજન્ડા જ વિસાવદરની આસપાસ સેટ કરવાનો હોય ત્યાં કડીનો ઉલ્લેખ કરી શકાય એમ ન હતો અને આ બેને એ જ કર્યું.
અહીં હકીકત એ છે કે વિસાવદર વિધાનસભા બેઠક એ સીટ છે જે ભાજપ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ જીતી શક્યો ન હતો. આ એ ચૂંટણી હતી જેમાં પક્ષે 182માંથી 156 બેઠકો જીતી હતી. તે પહેલાં 2017ની ચૂંટણીમાં પણ આ બેઠક કોંગ્રેસ પાસે ગઈ હતી. એટલે એક લાંબા ગાળાથી આ બેઠક ભાજપ પાસે રહી નથી. એટલે ભાજપનો ગઢ હશે અને ત્યાં પક્ષ હારી ગયો એવું પણ નથી. પાર્ટીએ જે રીતે પ્રચાર કર્યો તેમાં પણ નીરસતા જોવા મળતી હતી. એટલે આ કોઈ આશ્ચર્યજનક પરિણામ હશે એવું પણ નથી.
જો પાર્ટી જમીન ગુમાવી રહી હોય તો અસર બધે પડવી જોઇએ. એક બેઠક જીતીને એક હારવાનો અર્થ એ છે કે પરિણામો બેઠક પ્રમાણે આવ્યાં છે, રાજ્યમાં જનતાનો મિજાજ કેવો છે એ આધારે નહીં. એટલે આને AAPની જીત કહેવામાં આવે ત્યાં સુધી પણ બરાબર છે, પણ સીધું કહી દેવું કે ભાજપની જમીન ખસી રહી છે, એ અતિશયોક્તિ છે. સ્પષ્ટપણે એજન્ડા છે.
2015નો ઉલ્લેખ અને 2027 સાથે જોડવાના પ્રયાસ
આ ચર્ચામાં એક બાબત બીજી ચર્ચાઈ છે. દેવાંશી જોશી વારંવાર 2015નો ઉલ્લેખ કરે છે. આગળ એમ પણ કહે છે કે આમ આદમી પાર્ટી હવે પાટીદાર સમુદાય પર ફોકસ કરશે. તેઓ કહે છે કે સ્થિતિ ફરી 2015 જેવી બની રહી છે અને 2027 આવતાં સુધીમાં ગુજરાતનું રાજકારણ 180 ડિગ્રીનો વળાંક લેશે. બહુ આત્મવિશ્વાસ સાથે કહે છે કે ભાજપની જમીન ખસી રહી છે.
આનો તાળો અગાઉના લેખ સાથે મેળવશો તો મળી જશે. વાસ્તવમાં ઇકોસિસ્ટમ ઇચ્છે છે કે ફરી એક વખત ગુજરાતમાં 2015 જેવી સ્થિતિ સર્જાય. આ સ્થિતિ સર્જવા માટે ફરી એક વખત એક મોટા સમુદાયની જરૂર પડશે. એવું નથી કે અન્ય સમુદાયો સાથે પ્રયોગો નથી થયા. યાદ કરો 2024ની લોકસભા ચૂંટણી, તે પહેલાં અમુક નાના-મોટા મુદ્દાઓ. પણ રાજકારણમાં ફેરફાર લાવવો હોય, સત્તા પરિવર્તન સુધી પહોંચવું હોય તો એવા સમુદાય પર પ્રયોગ કરવા પડે જેની વસ્તી ઠીકઠાક પ્રમાણમાં હોય, જે ચૂંટણીઓમાં કિંગમેકરની ભૂમિકા ભજવતો હોય.
2015 જેવું ગુજરાતમાં ફરી કરવું હોય તો તેનો પ્રાથમિક તબક્કો છે સરકાર અને સત્તાધારી પક્ષને નબળાં સાબિત કરવાં. એવો નરેટિવ ઘડવો કે તેઓ જમીન ગુમાવી રહ્યાં છે. કારણ કે તો જ આગળ વધી શકાય એમ છે. આ નરેટિવ ઘડવા માટે ગુજરાતમાં યુટ્યુબરો, પત્રકારો, નેતાઓની ઈકોસિસ્ટમ છેલ્લા ઘણા સમયથી પ્રયાસ કરી રહી હતી, પણ ફાવટ આવતી ન હતી. આખરે ફ્રસ્ટ્રેટ થઈ ગયેલી ટોળકીએ વિસાવદરની ભાજપની હારને તકમાં ફેરવી નાખી છે.
2027ની ચૂંટણી આવતાં સુધીમાં આવું ઘણું બધું થશે. આંખ-કાન ખુલ્લાં રાખશો તો આવા એજન્ડા પકડી પાડવામાં સરળતા રહેશે.