સોલર એનર્જી (સૌર ઉર્જા) જ્યારે દેશની મુખ્ય પ્રાથમિકતા પણ નહોતી બની, તેના ઘણા સમય પહેલાં જ ગુજરાતે ભારતમાં રિન્યુએબલ એનર્જીના (પુનઃપ્રાપ્ય ઉર્જા) વિકાસનો પાયો નાખવાનું શરૂ કરી દીધું હતું. 1970ના દાયકાના અંતમાં, જ્યારે ભારત હજુ પરંપરાગત વીજળી પર નિર્ભર હતું અને વીજળીની અછત સામે ઝઝૂમી રહ્યું હતું, ત્યારે ગુજરાતે ‘ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી’ (GEDA) દ્વારા રિન્યુએબલ એનર્જી ટેકનોલોજીના પ્રયોગો શરૂ કર્યા હતા.
પરંતુ ખરો વળાંક વર્ષ 2009માં આવ્યો, જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સૌપ્રથમ સમર્પિત સોલર પોલિસી (સૌર ઉર્જા નીતિ) જાહેર કરી. એ સમયે સોલર ટેકનોલોજી ખૂબ મોંઘી અને મર્યાદિત હતી અને ભારતમાં સોલર પાવરની ક્ષમતા નહિવત જેવી હતી. મોટાભાગના રાજ્યો દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે કોલસા અને થર્મલ પાવર પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા. પરંતુ ગુજરાતે સોલર એનર્જીને માત્ર ઉર્જાની સમસ્યાના ઉકેલ તરીકે જ નહીં, પણ આર્થિક તક તરીકે પણ જોઈ.
આ નીતિ હેઠળ રાજ્ય સરકારે રોકાણકારોને વીજ ખરીદીની ગેરંટી (પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ), ઉદ્યોગ-સાહસિકોને અનુકૂળ નીતિઓ, જમીનની સુવિધા અને ઝડપી મંજૂરીઓ આપી. આનાથી ખાનગી રોકાણકારોમાં મોટો વિશ્વાસ ઊભો થયો અને બાકીનો દેશ જ્યારે વિચારતો હતો, ત્યારે ગુજરાતે આ ક્ષેત્રમાં સફળ પ્રયોગો શરૂ કરી દીધા.
આ માત્ર એક સરકારી નીતિની સફળતા નહોતી, પરંતુ એક એવો પ્રયોગ હતો જેણે ઉર્જા ક્ષેત્રે ભારતની વિચારવાની આખી દિશા જ બદલી નાખી. ફિક્સ ટેરિફ (નક્કી કરેલા વીજ ભાવ), ખાનગી રોકાણ અને મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ પર બનેલું ગુજરાતનું આ મોડેલ, આગળ જતાં ભારતના મહત્વાકાંક્ષી 100 ગીગાવોટ (GW) સોલર લક્ષ્યાંકની અદ્રશ્ય બ્લુપ્રિન્ટ બન્યું. આમ એક રાજ્યે રમેલો આ મોટો દાવ ન માત્ર સફળ રહ્યો, પરંતુ તેણે સમગ્ર દેશના વિકાસની દિશા બદલી નાખી. આ લેખમાં આપણે વિગતવાર જોઈશું કે કઈ રીતે ગુજરાતના સોલર મોડેલે આખા ભારતને પ્રેરણા આપી.
ગુજરાતે શા માટે સૌથી પહેલાં આ પગલું ભર્યું?
ગુજરાતે સોલર એનર્જી ક્ષેત્રે શા માટે સૌથી પહેલા પહેલ કરી તે સમજવા માટે તેના થોડા વર્ષો પહેલાંની રાજ્યની કથળેલી વીજ વ્યવસ્થાને સમજવી જરૂરી છે. ઑકટોબર 2001માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યારે રાજ્યમાં વીજળીની સ્થિતિ અત્યંત દયનીય હતી. વર્ષ 2000-01 દરમિયાન ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડને (GSEB) ₹6,280 કરોડની આવક સામે ₹2,246 કરોડનું મોટું નુકસાન થયું હતું. વીજળીના વહન અને વિતરણ દરમિયાન થતો બગાડ (ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન લોસ) 35.27% જેટલો હતો અને વારંવાર પાવર કટ (લોડ શેડિંગ) થતો હતો, જે દર્શાવે છે કે નરેન્દ્ર મોદી સીએમ બન્યા તે પહેલાં રાજ્યની સ્થિતિ કેવી હતી.
2000ના દાયકાના મધ્યભાગમાં (2005ની આસપાસ) ગુજરાતમાં વીજળીની અછત વધુ ગંભીર બની ગઈ હતી. એકતરફ ઝડપી આર્થિક વિકાસને કારણે વીજળીની માંગ સતત વધી રહી હતી તો બીજી તરફ કોલસાની ભારે અછત અને પાવર પ્લાન્ટ્સ વારંવાર બંધ પડી જવાને કારણે પુરવઠો ખોરવાઈ રહ્યો હતો. ગુજરાત એ ભારતનું સૌથી વધુ ઔદ્યોગિકીકરણ ધરાવતું રાજ્ય હતું, જે ટેક્સટાઇલ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને સિરામિક્સ જેવા મોટા ઉદ્યોગોનું હબ હતું. આવા રાજ્ય માટે વીજળીની આ અસમર્થતા માત્ર એક નાની અગવડતા નહોતી, પરંતુ તેના આર્થિક વિકાસ માટે સીધો ખતરો હતી.

ભારતના અન્ય રાજ્યોની જેમ ગુજરાત પણ પોતાના ઉદ્યોગો અને ઝડપથી વિસ્તરી રહેલા શહેરોને વીજળી પૂરી પાડવા માટે દાયકાઓથી સસ્તા કોલસા પર નિર્ભર હતું. પરંતુ, આ નિર્ભરતા ધીમે-ધીમે એક ટ્રેપ બની રહી હતી. દેશમાં કોલસાના ઉત્પાદનના લક્ષ્યાંકો વર્ષોવર્ષ અધૂરા રહી જતા હતા, જેના કારણે ગુજરાત માટે ઉર્જાના નવા અને કાયમી વિકલ્પો શોધવા અનિવાર્ય બની ગયા હતા.
બીજી તરફ બહારથી આયાત કરવામાં આવતો કોલસો ખૂબ મોંઘો હતો અને ઈંધણના અભાવે પાવર પ્લાન્ટ્સ નકામા પડી રહ્યા હતા. કોલસાની અછતને કારણે વારંવાર ગુલ થતી વીજળી ઉદ્યોગો માટે ચિંતાનો મોટો વિષય બની ગઈ હતી, કારણ કે તેમને ઉત્પાદન ખોરવાઈ જવાનો ડર હતો. આ સ્થિતિને સુધારવા માટે શરૂઆતમાં મોદી સરકારે વીજળીના આખા નેટવર્કને (ગ્રીડ) સરખું કરવાનો પ્રયાસ કર્યો. મે 2003માં ગુજરાત સરકારે એક મહત્ત્વનો કાયદો પસાર કર્યો, જે અંતર્ગત જૂના GSEBના ભાગલા પાડીને તેને એક હોલ્ડિંગ કંપની, એક વીજ ઉત્પાદન કંપની (GIPCL/GSECL), એક વહન કંપની (GETCO) અને ચાર અલગ-અલગ વીજ વિતરણ કંપનીઓ UGVCL, MGVCL, PGVCL, DGVCLમાં વહેંચી દીધું.
આ વહીવટી સુધારાની સાથે જ ગુજરાત સરકાર ગ્રામીણ વિસ્તારોમાં વીજળીનો પુરવઠો સુધારવા માટે એક ઐતિહાસિક યોજના લાવી, જેનું નામ હતું ‘જ્યોતિગ્રામ યોજના’. આ યોજના શરૂ થઈ તે પહેલાં ગામડાઓમાં ખેતરો, ઘરો, દુકાનો અને નાના ઉદ્યોગો—બધાને એક જ સપ્લાય લાઇનમાંથી (વીજ વાયર) વીજળી મળતી હતી. એક જ લાઇન હોવાને કારણે ગામડાઓમાં વીજળીની ગુણવત્તા ખૂબ ખરાબ રહેતી, વારંવાર પાવર કટ થતો અને મોટાપાયે વીજ ચોરી થતી હતી.
જ્યોતિગ્રામ યોજના હેઠળ ગુજરાત સરકારે વીજળીની ફીડર લાઇનોના બે ભાગ પાડી દીધા: એક લાઇન માત્ર ખેતીવાડીના (સિંચાઈ) ઉપયોગ માટે અને બીજી લાઇન ઘરો, શાળાઓ, દુકાનો અને ગામના અન્ય વપરાશ માટે. આ ફેરફારને કારણે સરકારે એ સુનિશ્ચિત કર્યું કે ગામના ઘરો અને દુકાનોને ચોવીસે કલાક નિયમિત અને ભરોસાપાત્ર વીજળી મળે, જ્યારે ખેડૂતોને પણ ખેતી માટે નક્કી કરેલા અને ચોક્કસ સમયે વીજળી મળવા લાગી. આ મોટા સુધારાથી સરકારને વીજ ચોરી રોકવામાં, વીજળીના વપરાશ પર સચોટ નજર રાખવામાં અને રાજ્યના પાવર સેક્ટરની આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં મોટી સફળતા મળી.
2009ની સોલર પોલિસી, જે લાવી મોટો બદલાવ
વીજળીનીકથળેલી વ્યવસ્થાને સ્થિર કર્યા પછી ગુજરાતે પોતાની વધતી જતી જરૂરિયાતોને પૂરી કરવા માટે કાયમી ઉકેલની શોધ શરૂ કરી. રાજ્યને સમજાયું કે તે મોટાભાગે કોલસા અને પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પર નિર્ભર છે, જે ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતા નથી. ભવિષ્યની દ્રષ્ટિએ આર્થિક રીતે કે પર્યાવરણની સુરક્ષા બંને રીતે કોલસો હવે ભરોસાપાત્ર રહ્યો નહોતો. બીજી તરફ ગુજરાત પાસે કુદરતી ફાયદો પણ હતો, જેમ કે વિશાળ માત્રામાં ઉજ્જડ-બંજર જમીન, હાઈ સોલર રેડિયેશન અને વર્ષમાં 300થી વધુ દિવસો સુધી રહેતો કડક તડકો. આથી સોલર એનર્જીને માત્ર પર્યાવરણ બચાવવાના એક સામાન્ય અભિયાન તરીકે જોવાને બદલે સરકારે તેને આર્થિક પ્રગતિ, ઔદ્યોગિક વિકાસ અને ઉર્જા સુરક્ષા મેળવવાની એક સુવર્ણ તક તરીકે જોઈ.
વર્ષ 2009માં ગુજરાત એક સંપૂર્ણ અને વ્યાપક સોલર પાવર પોલિસી જાહેર કરનાર દેશનું સૌથી પહેલું રાજ્ય બન્યું. એ સમયે સોલર સેક્ટરમાં રોકાણ કરવું ખૂબ જ જોખમી અને મોંઘું માનવામાં આવતું હતું. આ નીતિનો મુખ્ય હેતુ રોકાણકારોને લાંબાગાળાના પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ, નક્કી કરેલા વીજ દર (ફિક્સ ટેરિફ), સરકારી જમીનની મદદ અને ઝડપી મંજૂરીઓ આપીને ખાનગી રોકાણને આકર્ષવાનો હતો. સરકારે કંપનીઓને ખાતરી આપી કે જો તેઓ સૌર ઉર્જા ઉત્પાદનમાં મૂડી રોકશે તો રાજ્ય સરકાર તેમની પાસેથી અગાઉથી નક્કી કરેલા ભાવો પર જ વીજળી ખરીદશે, જેથી રોકાણકારો માટે આર્થિક નુકસાનનું જોખમ સાવ ઘટી ગયું.
આ ક્રાંતિકારી નીતિએ ભારતના ઉર્જા ક્ષેત્રમાં ગુજરાતનું સ્થાન રાતોરાત બદલી નાખ્યું. ખાનગી કંપનીઓએ મોટાપાયે સોલર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાનું શરૂ કર્યું અને ગુજરાત ઝડપથી દેશનું અગ્રેસર ‘સોલર સ્ટેટ’ બનીને ઉભરી આવ્યું. આ પોલિસીએ દેશના અનેક નવીન સોલર પ્રોજેક્ટ્સનો પાયો નાખ્યો, જેમાં એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંનો એક એવો ‘ચરણકા સોલર પાર્ક’, ગાંધીનગરમાં શરૂ કરાયેલી ‘રૂફટોપ સોલર સ્કીમ’ (ઘરના ધાબા પર સોલર પેનલ) અને નર્મદાની નહેરો પર બનેલો વિશ્વવિખ્યાત ‘કેનાલ-ટોપ સોલર પ્રોજેક્ટ’ સામેલ છે. ગુજરાતના આ જ નવતર પ્રયોગો આગળ જતાં ભારતના મોટા સ્તરના ‘નેશનલ સોલર મિશન’ અને દેશભરમાં રિન્યુએબલ એનર્જીના વિસ્તાર માટે આદર્શ મોડેલ બન્યા.
ચરણકા સોલર પાર્ક: ભારતનો પ્રથમ મેગા સોલર પ્રયોગ
ગુજરાતની સોલર ઉર્જાની મહત્વાકાંક્ષાનું સૌથી મોટું પ્રતીક એટલે ‘ચરણકા સોલર પાર્ક’. તે ભારત-પાકિસ્તાન સરહદ નજીક પાટણ જિલ્લાના ચરણકા ગામમાં આવેલો છે. આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી અને તેનું ઉદ્ઘાટન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. એ સમયે ચરણકા સોલર પાર્ક એશિયાનો સૌથી મોટો સોલર પાર્ક બન્યો હતો અને તે વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંનો એક હતો. પરંતુ આજે આપણે તેના વિશે કેમ વાત કરી રહ્યા છીએ? તેનો જવાબ તેની ખાસિયતોમાં છુપાયેલો છે.
હજારો એકર જમીનમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ ‘મલ્ટી-ડેવલપર મોડેલ’ (Multi-developer model) પર આધારિત હતો, જેમાં અનેક ખાનગી કંપનીઓ એક જ સંકલિત જગ્યાએથી સૌર ઉર્જાનું ઉત્પાદન કરતી હતી. દરેક કંપનીએ રસ્તા, ટ્રાન્સમિશન લાઈન્સ અને અન્ય પાયાની સુવિધાઓ અલગથી બનાવવી ન પડે તે માટે ગુજરાત સરકારે જમીન, રસ્તા, પાવર ગ્રીડ કનેક્શન અને જરૂરી તમામ સરકારી મંજૂરીઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવીને સોલર ડેવલપર્સ માટે આખી એક અદ્યતન ઇકોસિસ્ટમ તૈયાર કરી આપી. આ વ્યવસ્થાના કારણે પ્રોજેક્ટ પાછળનો ખર્ચ ઘટ્યો, રોકાણકારો આકર્ષાયા અને કામ ખૂબ ઝડપથી પૂરું થયું. શરૂઆતમાં આ પાર્ક આશરે 214 મેગાવોટ (MW) સૌર ઉર્જા ઉત્પન્ન કરતો હતો, જે ક્ષમતા પાછળથી વધીને આશરે 730 મેગાવોટ સુધી પહોંચી ગઈ.
આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં જ સમગ્ર ભારતમાં ભવિષ્યના મોટા સોલર પાર્ક બનાવવા માટે રાષ્ટ્રીય મોડેલ બની ગયો. આ જ મોડેલના આધારે પાછળથી રાજસ્થાન, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં મોટા સોલર પ્રોજેક્ટ્સ શરૂ થયા. ગુજરાત માટે આ માત્ર એક વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ નહોતો, પરંતુ એ વાતની સાબિતી હતી કે ભારતમાં મોટાપાયે ઔદ્યોગિક સ્તરે પણ સોલર ઉર્જાનું ઉત્પાદન શક્ય છે. આ પ્રોજેક્ટની મદદથી ગુજરાત દેશના અન્ય રાજ્યો કરતાં ઘણું આગળ નીકળી ગયું, કારણ કે એ સમયે ભારતના મોટાભાગના રાજ્યો રિન્યુએબલ એનર્જીમાં આટલું મોટું રોકાણ કરતા અચકાતા હતા.
જોકે, આ પ્રોજેક્ટને તેની વિશાળતા અને નવીનતા માટે વૈશ્વિક સ્તરે ખૂબ પ્રશંસા મળી, પરંતુ તેની સાથે જ સ્થાનિક સ્તરે કેટલીક ટીકાઓ પણ સામે આવી. ગ્રામીણોએ પાછળથી આક્ષેપ કર્યો કે પ્રોજેક્ટના કારણે પશુઓ માટેની ગૌચર જમીન છીનવાઈ ગઈ, પાણીની ઉપલબ્ધતા મુશ્કેલ બની અને સ્થાનિક લોકોને નોકરીઓ તેમજ વિસ્તારના વિકાસ અંગે આપેલા ઘણા વચનો પૂરેપૂરા પાળવામાં આવ્યા નથી. સ્થાનિક લોકોની આ ચિંતાઓ આગળ જતાં ભારતમાં મોટાપાયે શરૂ થતા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સની ચર્ચાઓ અને નીતિઓનો એક મહત્વનો હિસ્સો બની ગઈ.
રૂફટોપ સોલર: ઘરોને બનાવ્યા વીજ ઉત્પાદકો
શરૂઆતના સમયમાં ભારતમાં સોલર એનર્જીનો અર્થ મોટાભાગે ખાલી જમીનો પર બનેલા વિશાળ સોલર પાર્ક અને વીજળી ઉત્પન્ન કરતી મોટી કંપનીઓ જ થતો હતો. પરંતુ ગુજરાતે વિચાર્યું કે, “માત્ર મોટી કંપનીઓ જ કેમ? સામાન્ય ઈમારતો કે ઘરો શા માટે વીજળી ઉત્પન્ન ન કરી શકે?” આ વિચાર સાથે જ ગુજરાતે ‘રૂફટોપ સોલર સ્કીમ’ (ધાબા પર સોલર પેનલ લગાવવાની યોજના) શરૂ કરી.
આ યોજનાનો વિચાર એકદમ સરળ હતો: ઘરો, સરકારી ઈમારતો, શાળાઓ અને ઑફિસોનાં ધાબા (છત) પર સોલર પેનલ લગાવવી, જેથી સૂર્યપ્રકાશ સીધો છત પર પડે અને ત્યાંથી જ વીજળી ઉત્પન્ન થાય. આ માટે ગુજરાતે ‘રેન્ટ-એ-રૂફ’ (Rent-a-Roof – છત ભાડે આપવાનું) મોડેલ રજૂ કર્યું. આ મોડેલ હેઠળ સામાન્ય લોકોએ પોતાના પૈસે સોલર પેનલ ખરીદવાની પણ જરૂર નહોતી, તેઓ એવી કંપનીઓ પાસેથી પેનલ ભાડે મેળવી શકતા હતા જેઓ ધાબા પર પેનલ ઇન્સ્ટોલ કરી આપતી હતી. આનાથી લોકો પર શરૂઆતનો મોટો ખર્ચ ન આવ્યો અને તેઓ સીધા જ વીજ ઉત્પાદન પ્રક્રિયા સાથે જોડાઈ શક્યા.

સરકારે શરૂઆતમાં આશરે 50 સરકારી ઇમારતો અને 500 ખાનગી મકાનો પર સોલર પેનલ લગાવીને લગભગ 5 મેગાવોટ (MW) વીજળી ઉત્પન્ન કરવાનું આયોજન કર્યું હતું. ગુજરાતમાં થયેલો આ પ્રયોગ ભારતના સૌથી શરૂઆતના મોટા રૂફટોપ સોલર પ્રયોગોમાંનો એક હતો. આ સફળતાને જોઈને સરકારે પાછળથી રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગરમાં પણ આવા જ મોડેલ લાગુ કરવાનું આયોજન કર્યું. આગળ જતાં આ રૂફટોપ સોલર સિસ્ટમ સમગ્ર ભારતમાં એક મોટી રાષ્ટ્રીય નીતિ બની ગઈ. આ યોજના ભારતના વ્યાપક રૂફટોપ સોલર વિસ્તરણ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ સાબિત થઈ અને તેણે ભવિષ્યના રાષ્ટ્રીય સોલર અભિયાનો પર ઊંડી અસર છોડી.
કેનાલ-ટોપ સોલર: વૈશ્વિક સ્તરે ગુજરાતની અનોખી શોધ
ગુજરાત જ્યારે મોટા સોલર પાર્કનો ઝડપથી વિસ્તાર કરી રહ્યું હતું, ત્યારે સરકારે વિશાળ જમીનનો ઉપયોગ કર્યા વિના સૌર ઉર્જા કેવી રીતે ઉત્પન્ન કરવી તેના વિકલ્પો શોધવાનું પણ શરૂ કર્યું. કારણ કે મોટા સોલર પાર્ક બનાવવા માટે ઘણી બધી જમીનની જરૂર પડે છે, જેના લીધે જમીન સંપાદન (જમીન ખરીદવાની) પ્રક્રિયામાં મુશ્કેલીઓ આવતી હતી અને તે ખૂબ ખર્ચાળ પણ સાબિત થતું હતું. આ પડકારમાંથી જ એક અદ્ભુત અને નવતર પ્રયોગનો જન્મ થયો – ‘કેનાલ-ટોપ સોલર પ્રોજેક્ટ’. માત્ર ખુલ્લી જમીન પર જ સોલર પેનલ લગાવવાને બદલે ગુજરાતે નર્મદા કેનાલના નેટવર્કની ઉપર પેનલો લગાવવાનો નિર્ણય કર્યો.
આ અનોખા પ્રોજેક્ટની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2012માં કરી હતી. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચન્દ્રાસન ગામ નજીક ભારતનો સૌપ્રથમ કેનાલ-ટોપ સોલર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. નહેરના 750 મીટર (આશરે 2,460 ફૂટ) લાંબા હિસ્સા પર બનેલા આ પ્રોજેક્ટથી 1 મેગાવોટ (MW) સૌર ઉર્જા ઉત્પન્ન થવા લાગી. આ પ્રોજેક્ટની સૌથી ખાસ વાત એ હતી કે તેણે એકસાથે અનેક સમસ્યાઓનો ઉકેલ લાવી આપ્યો.
નહેરની ઉપર લાગેલી આ પેનલો સૂર્યપ્રકાશથી સ્વચ્છ વીજળી તો ઉત્પન્ન કરતી જ હતી, સાથે જ નહેરના પાણી પર છાંયો કરીને પાણીનું બાષ્પીભવન (ઉડી જવું) પણ અટકાવતી હતી. સરકારના અંદાજ મુજબ આ પ્રોજેક્ટને કારણે દર વર્ષે આશરે 90 લાખ લીટર પાણીનો બચાવ શક્ય બન્યો. આ ઉપરાંત આ મોડેલે જમીનની ખરીદી પાછળ થતો મોટો ખર્ચ પણ બચાવી લીધો, કારણ કે સોલર પાર્ક માટે મોટી જમીનો મેળવવાનું કામ દિવસે-દિવસે મુશ્કેલ અને મોંઘું થઈ રહ્યું હતું. ગુજરાત પાસે પહેલેથી જ હજારો કિલોમીટર લાંબુ નહેરોનું નેટવર્ક હોવાથી રાજ્ય સરકારનો એવો વિશ્વાસ હતો કે આ નેટવર્કનો થોડો ભાગ પણ વાપરવામાં આવે તો જમીન અને પાણી બંને બચાવીને હજારો મેગાવોટ વીજળી પેદા કરી શકાય.
રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આ અદભુત શોધને કારણે આ પ્રોજેક્ટને ટૂંક સમયમાં જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે પ્રશંસા મળી. એ સમયે તત્કાલીન કેન્દ્રીય રિન્યુએબલ એનર્જી મંત્રી ફારૂક અબ્દુલ્લાએ આ નવીન પ્રોજેક્ટની શરૂઆત કરવા બદલ ગુજરાતના ખૂબ વખાણ કર્યા હતા. ગુજરાતની આ અદભુત સફળતા જોઈને પાછળથી પંજાબ અને દિલ્હી જેવા ભારતના અન્ય રાજ્યોએ પણ પોતાના વિસ્તારમાં આવા જ કેનાલ-ટોપ સોલર પ્રોજેક્ટ્સ શરૂ કરવાના વિકલ્પો પર કામ શરૂ કર્યું હતું.
મોઢેરા અને સોલર વિલેજ (સૌર ગામો) તરફ આયોજનબદ્ધ આગેકૂચ
મોટા સોલર પાર્ક અને રૂફટોપ સોલર સેક્ટરમાં દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યા પછી ગુજરાતે એક તદ્દન નવો જ વિચાર વહેતો મૂક્યો, જેને ‘સોલર વિલેજ’ નામ આપવામાં આવ્યું. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર શહેરો કે ઉદ્યોગો પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ આખાં ગામડાઓ સંપૂર્ણપણે સૌર ઊર્જા પર નિર્ભર બને તેવો હતો. આ વિચારનું સૌથી શ્રેષ્ઠ અને જીવંત ઉદાહરણ ગુજરાતનું મોઢેરા ગામ છે, જે તેના ઐતિહાસિક સૂર્ય મંદિર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પરંતુ, ગુજરાતે તેને ભારતનું સૌથી પહેલું સંપૂર્ણ સૌર ઊર્જા સંચાલિત ગામ બનાવવાનું બીડું ઝડપ્યું હતું. આ સિદ્ધિ મેળવવા માટે સરકારે ગામના ઘરો પર રૂફટોપ સોલર પેનલ લગાવવાની સાથે સાથે જમીન પર મોટો સોલર પાવર પ્લાન્ટ અને બેટરી સ્ટોરેજ સિસ્ટમ પણ ઊભી કરી.
આખા ગામને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ધરાવતા 6 મેગાવોટના ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલર પ્લાન્ટ સાથે જોડી દેવામાં આવ્યું. આ અદભુત પ્રયોગને કારણે ગામના મોટાભાગના ઘરો પોતાની વીજળી જાતે જ પેદા કરવા લાગ્યા. ગ્રામજનોને એકદમ સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત વીજળી મળવા લાગી. અહેવાલો અનુસાર કેટલાક પરિવારોના વીજળીના બિલ તો અમુક સમયગાળા દરમિયાન સાવ ‘ઝીરો’ આવવા લાગ્યા.
મોઢેરા પ્રોજેક્ટ પાછળનો મૂળ વિચાર ખૂબ મહત્વનો હતો. કારણ કે ગુજરાત દુનિયાને એ બતાવવા માંગતું હતું કે સોલર એનર્જી માત્ર મોટી કંપનીઓ કે કરોડો રૂપિયાના મેગા પ્રોજેક્ટ્સ પૂરતી જ સીમિત નથી, પરંતુ એક સામાન્ય ગામ પણ ઉર્જા ક્ષેત્રે સંપૂર્ણપણે આત્મનિર્ભર બની શકે છે. આ પ્રોજેક્ટ ભારતમાં વિકેન્દ્રિત રિન્યુએબલ એનર્જી (Decentralised renewable energy), ગ્રામીણ વીજળીકરણ અને પર્યાવરણને અનુકૂળ ટકાઉ ગામો બનાવવાના અભિયાનનું મોટું પ્રતીક બન્યો છે. મોઢેરાની આ અભૂતપૂર્વ સફળતા બાદ ‘સોલર વિલેજ’ ના આ મોડેલે દેશભરનું ધ્યાન ખેંચ્યું અને તે ભારતના રિન્યુએબલ એનર્જી તેમજ ટકાઉ વિકાસના વ્યાપક રાષ્ટ્રીય લક્ષ્યાંકો સાથે જોડાઈ ગયું.
ગુજરાત બન્યું ભારતનું સોલર લીડર
આ તમામ ક્રાંતિકારી પ્રોજેક્ટ્સને કારણે રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઉર્જા) તરફના ગુજરાતના આક્રમક અભિગમનું પરિણામ ખૂબ ઝડપથી દેખાવા લાગ્યું. જ્યારે દેશના મોટાભાગના રાજ્યો હજુ પણ કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સમાં જ રોકાણ કરી રહ્યા હતા અને સૌર ઉર્જા અપનાવતા અચકાતા હતા, ત્યારે ગુજરાતે મજબૂત સરકારી નીતિઓ અને મોટાપાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો સમન્વય કરીને અત્યંત ઝડપથી પ્રગતિ કરી. વર્ષ 2012-13 સુધીમાં તો એકલું ગુજરાત જ સમગ્ર ભારતના કુલ સૌર ઉર્જા ઉત્પાદનમાં આશરે બે-તૃતીયાંશ (આશરે 66%) જેટલો હિસ્સો આપતું હતું, જેણે ગુજરાતને દેશનું સૌથી મોખરાનું સોલર સ્ટેટ બનાવી દીધું.
ગુજરાતને અન્ય રાજ્યો કરતાં આટલી ઝડપથી આગળ વધારવામાં કેટલાક મુખ્ય પરિબળોએ મોટી ભૂમિકા ભજવી હતી. સરકારે ખાનગી કંપનીઓને આકર્ષવા માટે ઉદ્યોગ-સાહસિકોને અનુકૂળ નીતિઓ, લાંબાગાળાના નક્કી કરેલા વીજ દર (ટેરિફ), ખૂબ જ ઝડપી સરકારી મંજૂરીઓ અને તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું. ચરણકા સોલર પાર્ક, રૂફટોપ સોલર અને કેનાલ-ટોપ સોલર જેવા મોટા અને નવતર પ્રયોગોએ રોકાણકારોનો ભરોસો જીત્યો અને ગુજરાતને દેશના રિન્યુએબલ એનર્જીના મુખ્ય હબ તરીકે સ્થાપિત કર્યું. તાજેતરના આંકડા મુજબ, ડિસેમ્બર 2025 સુધીમાં એકલા ગુજરાતમાં 11 લાખથી વધુ ઘરો અને ઈમારતો પર રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવામાં આવી ચૂકી છે, જે 6,412 મેગાવોટ વીજળી પેદા કરે છે. આ આંકડો દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ છે.
આ ઉપરાંત ગુજરાતે સોલર એનર્જીને કોઈ એકલ-દોકલ સરકારી યોજના તરીકે જોવાને બદલે એક આખી નવી ઔદ્યોગિક ઇકોસિસ્ટમ ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. રાજ્ય સરકારે વીજળીના વહન માટે લાઈનો નાખવા (ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર), આ ક્ષેત્ર માટે કુશળ માણસો તૈયાર કરવા, સોલર પેનલ અને સાધનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તેમજ ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા માટે મોટું રોકાણ કર્યું. પરિણામે સોલર એનર્જી સીધી રીતે ગુજરાતના વ્યાપક ઔદ્યોગિક વિકાસ અને ઉર્જા સુરક્ષાની વ્યૂહરચના સાથે જોડાઈ ગઈ.
ટૂંકમાં કહીએ તો જે વિચારો અને મોડેલનો સૌથી પહેલો પ્રયોગ ગુજરાતની ધરતી પર કરવામાં આવ્યો હતો, તેણે જ આગળ જતાં ભારતના ‘નેશનલ સોલર મિશન’ (રાષ્ટ્રીય સૌર ઉર્જા અભિયાન) તેમજ દેશભરમાં સોલર પાર્ક અને રૂફટોપ યોજનાઓના વિસ્તાર પર ઊંડી અસર પાડી. ઘણી રીતે જોતાં ગુજરાત ભારતની આ સોલર ક્રાંતિની શરૂઆતની ‘પ્રયોગશાળા’ બન્યું, જેણે સમગ્ર દેશ સમક્ષ એ સાબિત કરી બતાવ્યું કે ભારતમાં રિન્યુએબલ એનર્જી માત્ર કાગળ પર નહીં, પણ ઔદ્યોગિક સ્તરે સફળતાપૂર્વક કામ કરી શકે છે અને મોટું ખાનગી રોકાણ પણ આકર્ષી શકે છે.
ગુજરાત મોડેલ બાકીના ભારતને શું શીખવે છે?
ગુજરાતની સોલર યાત્રાએ તે સાબિત કરી બતાવ્યું કે રિન્યુએબલ એનર્જીનો વિકાસ માત્ર ટેકનોલોજી પર જ નહીં, પરંતુ મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ, લાંબાગાળાની સ્થિરતા અને યોગ્ય વ્યુહરચના પર પણ આધાર રાખે છે. એવા સમયે જ્યારે ભારતના મોટાભાગના રાજ્યો સૌર ઉર્જાને વ્યવહારિક નહોતા ગણતા, ત્યારે ગુજરાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં ભારે રસ દાખવ્યો, ખાનગી કંપનીઓને આકર્ષી અને એક એવું વાતાવરણ તૈયાર કર્યું જેનાથી મોટાપાયે વ્યાપારી ધોરણે સોલર પ્રોજેક્ટ્સ ચલાવવાનું શક્ય બન્યું. તેણે દેશને એ પણ બતાવ્યું કે જો સરકાર ફિક્સ ટેરિફ, ઝડપી મંજૂરીઓ અને ભરોસાપાત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી રોકાણકારોમાં વિશ્વાસ પેદા કરે તો રિન્યુએબલ એનર્જીનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ શકે છે.
ગુજરાત મોડેલે સતત નવા પ્રયોગો અને સંશોધનો (ઇનોવેશન) કરવાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો છે. વિશાળ મેગા સોલર પાર્ક અને રૂફટોપ સોલર સ્કીમથી લઈને કેનાલ-ટોપ સોલર પ્રોજેક્ટ્સ અને મોઢેરા જેવા ‘સોલર વિલેજ’ સુધી ગુજરાતે રિન્યુએબલ એનર્જીના નવા-નવા મોડેલનું દેશભરમાં મુખ્ય પ્રવાહમાં આવતા પહેલાં સતત પરીક્ષણ કર્યું હતું. આમાંના મોટાભાગના વિચારોએ પાછળથી ભારતના ‘નેશનલ સોલર મિશન’ અને દેશની વ્યાપક રિન્યુએબલ એનર્જી નીતિઓ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
જોકે, ગુજરાતના આ અનુભવે મોટાપાયે થતા ગ્રીન ડેવલપમેન્ટની મર્યાદાઓ અને પડકારોને પણ ઉજાગર કર્યા છે. ચરણકા સોલર પાર્ક જેવા મોટા પ્રોજેક્ટ્સને કારણે જમીન સંપાદન, પશુઓ માટેના ગૌચરના અધિકારો, પાણીની ઉપલબ્ધતા અને સ્થાનિક સમુદાયોને આપેલા અધૂરા વચનો અંગે ચિંતાઓ ઊભી થઈ હતી. આ બાબત એ શીખવે છે કે જ્યાં સુધી સ્થાનિક વસ્તી અથવા ગ્રામજનો પોતાને આ વિકાસના લાભોથી વંચિત અનુભવે, ત્યાં સુધી કોઈપણ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટને સંપૂર્ણપણે ‘સસ્ટેનેબલ’ ગણી શકાય નહીં.
ઘણી રીતે જોતાં ગુજરાતે આખા ભારતને એકસાથે બે મહત્વના પાઠ ભણાવ્યા છે: પહેલો એ કે સોલર એનર્જી આર્થિક પ્રગતિ અને ઉર્જા સુરક્ષા મેળવવાનું એક શક્તિશાળી માધ્યમ બની શકે છે અને બીજો એ કે ભવિષ્યમાં રિન્યુએબલ એનર્જીના કોઈપણ મોટા વિસ્તાર કે પ્રોજેક્ટ્સમાં ઔદ્યોગિક મહત્વાકાંક્ષાની સાથે સાથે પર્યાવરણીય અને સામાજિક જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવું એટલું જ અનિવાર્ય છે.
ગુજરાતે ભારતનું સોલર મિશન બનાવવામાં આપ્યો સિંહફાળો
2000ના દાયકાની શરૂઆતમાં કથળેલા વીજ ક્ષેત્રમાં મોટા વહીવટી સુધારા કરવાથી લઈને વર્ષ 2009માં ભારતની સૌપ્રથમ વ્યાપક સોલર પોલિસી જાહેર કરવા સુધી—રાજ્યે પોતાની જાતને દેશની અસલી ‘સોલર પ્રયોગશાળા’માં બદલી નાખી હતી. ચરણકા સોલર પાર્ક, રૂફટોપ સોલર પ્રોજેક્ટ્સ, કેનાલ-ટોપ સોલર પ્લાન્ટ્સ અને મોઢેરા જેવા ‘સોલર વિલેજ’ જેવા પ્રોજકેટ્સે દુનિયા સમક્ષ સાબિત કરી બતાવ્યું કે ભારતમાં રિન્યુએબલ એનર્જી માત્ર કાગળ પરના પુસ્તકીય સિદ્ધાંતો પૂરતી સીમિત નથી, પરંતુ તેને જમીની સ્તરે મોટાપાયે સફળતાપૂર્વક ચલાવી શકાય છે.
સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતે સોલર એનર્જી પ્રત્યે આખા ભારતનો જોવાનો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો. હવે સૌર ઉર્જાને માત્ર એક મોંઘા અને પર્યાવરણ બચાવવાના પ્રયોગ તરીકે જોવામાં નથી આવતી, પરંતુ તેને દેશની ઉર્જા સુરક્ષા, ઔદ્યોગિક પ્રગતિ અને લાંબાગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના એક મજબૂત અને કાયમી ઉકેલ તરીકે જોવામાં આવે છે. જે વિચારોનું પરીક્ષણ સૌથી પહેલાં ગુજરાતમાં થયું હતું, તેણે જ પાછળથી ભારતના ‘નેશનલ સોલર મિશન’ અને દેશભરમાં રિન્યુએબલ એનર્જીના મોટા સ્તરના વિસ્તારને આખરી ઓપ આપ્યો હતો.
ઘણી રીતે જોતાં ગુજરાતની આ સોલર યાત્રા એક આદર્શ બ્લુપ્રિન્ટ બની ગઈ છે કે કેવી રીતે મજબૂત સરકારી નીતિઓ અને ઇનોવેશન ખૂબ જ ટૂંકા સમયમાં દેશના ઉર્જા ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે. ટૂંકમાં, ગુજરાતે ભારતમાં આવેલી આ સોલર ક્રાંતિમાં માત્ર એક ભાગીદાર તરીકે ભાગ નથી લીધો, પરંતુ વાસ્તવમાં આ ક્રાંતિને જન્મ આપવામાં અને તેને સફળ બનાવવામાં સિંહફાળો આપ્યો છે.
આ આર્ટીકલ અંગ્રેજીમાં લખાયેલો છે, મૂળ આર્ટીકલ વાંચવા અહીં ક્લિક કરો.


