ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સ (CCoE) અને CID ક્રાઈમની ટીમે સંયુક્ત ઑપરેશન હાથ ધરીને ₹226 કરોડના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી અને ટેરર ફન્ડિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ માત્ર આર્થિક ગુનાઓ આચરતી નહોતી, પરંતુ ભારત સહિત વૈશ્વિક સ્તરે ડ્રગ્સ નેટવર્ક, માનવ તસ્કરી, સોનાની સ્મગલિંગ અને આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનોને આર્થિક ફન્ડિંગ પૂરું પાડવાનું મોટું નેટવર્ક ચલાવતી હતી.
આ કરોડો રૂપિયાના વૈશ્વિક કાળા કારોબારના પર્દાફાશની શરૂઆત ડાર્ક વેબની મોનિટરિંગથી થઈ હતી. સાયબર સેન્ટરની હાઈ-ટેક ટેકનિકલ ટીમ ડાર્ક વેબ પર સતત મોનિટરિંગ કરી રહી હતી. બ્લોકચેન એનાલિસિસ દરમિયાન એક ભારતીય IP એડ્રેસ રડારમાં આવ્યું, જે ડાર્ક વેબની સૌથી બદનામ અને ગેરકાયદેસર ડ્રગ્સ બજાર ગણાતી ‘artemislabs.cc’ (આર્ટેમિસ લેબ) વેબસાઈટ પરથી સીધા જ ડિજિટલ ફંડ્સ મેળવી રહ્યું હતું.
આ ડિજિટલ કડીઓ અને ટ્રાન્ઝેક્શનના હિસાબોની તપાસ કરતા સાયબર સ્લૂથ્સ (Cyber Sleuths) સીધા અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પહોંચ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ શંકાસ્પદ ક્રિપ્ટો વોલેટ અમદાવાદના સ્થાનિક રહેવાસી મોહસીન સાદિક મુલાનીનું (મોલાની) હતું. મોહસીનના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને તેના ટ્રાન્ઝેક્શનના કનેક્શનની ઊંડી તપાસ કરતાં દેશના જુદા-જુદા ખૂણે ફેલાયેલા અન્ય 9 શંકાસ્પદ લિંક્ડ વોલેટ્સ મળી આવ્યા હતા.
આ હાઈ-ઓક્ટેન ઑપરેશન ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ અને ડીઆઈજી (DIG) બિપિન અહીરેના સીધા માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સાયબર સેન્ટરના એસ.પી. ડૉ. રાજદીપસિંહ ઝાલા, સંજય કેશવાલા અને વિવેક ભેડાની કુલ 10 ફિલ્ડ ટીમો અને 3 ટેકનિકલ ઈન્ટેલિજન્સ યુનિટ્સે મેદાનમાં ઉતરીને સાડા ચાર મહિનાના લાંબા ઑપરેશન બાદ આ ગેંગને દબોચી લીધી હતી.
તપાસમાં ખૂલ્યું હમાસ કનેક્શન
આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી કે પકડાયેલા ક્રિપ્ટો ખાતાઓનો સીધો સંબંધ ગાઝાના આતંકી સંગઠન ‘હમાસ’ સાથે જોડાયેલી સંસ્થા ‘અલ-કાહિરા’ સાથે હતો. વર્ષ 2025માં ઇઝરાયેલની સરકારે કોર્ટના ઓર્ડરથી એવાં ક્રિપ્ટો ખાતાઓ બંધ (બ્લેકલિસ્ટ) કર્યાં હતાં, જે તૂર્કીના રસ્તે હમાસને પૈસા મોકલતા હતા. તપાસમાં બહાર આવ્યું કે ઇઝરાયેલે પ્રતિબંધ મૂક્યો હતો તે જ આતંકી ખાતાઓમાંથી સીધેસીધા પૈસા આ કેસના મુખ્ય ભાગેડુ આરોપી મોહમ્મદ ઝુબૈર પોપટીયાના ખાતામાં જમા થતા હતા.
તપાસ આગળ વધતાં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અને ઓફિસ ઑફ ફોરેન એસેટ્સ કંટ્રોલે (OFAC) બ્લેકલિસ્ટ કરેલા વૈશ્વિક આતંકી નેટવર્ક સાથે પણ ઝુબૈર પોપટીયાના વોલેટ્સના સીધા આર્થિક વ્યવહારો મળી આવ્યા હતા. આ મની ટ્રેલ યમનના હૂથી આતંકીઓ (અંસાર અલ્લાહ), ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC-QF) અને રશિયાના પ્રતિબંધિત ક્રિપ્ટો એક્સચેન્જ ‘ગેરેન્ટેક્સ’ (Garantex) સુધી લંબાયેલી હતી. ઝુબૈર આ આતંકી ફંડને ભારતીય વોલેટ્સમાં ટ્રાન્સફર કરી, તેનું મલ્ટી-લેયરિંગ કરતો અને લોકલ હવાલા ઑપરેટરોના માધ્યમથી તેને રોકડા નાણાંમાં ફેરવી નાખતો હતો.
કાયદા અમલીકરણ એજન્સીઓ અને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સની નજરોથી બચવા માટે આ સિન્ડિકેટ સામાન્ય ક્રિપ્ટોકરન્સીને બદલે ‘મોનેરો’ (Monero) જેવા અત્યંત ગુપ્ત અને પ્રાઈવસી કોઈન્સનો ઉપયોગ કરતી હતી. નોંધનીય છે કે મોનેરો બ્લોકચેન પર મોકલનાર, મેળવનાર અને રકમની વિગતો સંપૂર્ણપણે હાઈડ થઈ જાય છે. પોલીસે આવા બે ખાસ મોનેરો પ્રાઈવસી વોલેટ પકડ્યા છે, તેમાંથી જ ₹193 કરોડથી વધુની શંકાસ્પદ હેરાફેરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
40 ટકા રકમ ‘ડર્ટી ક્રિપ્ટો’માંથી જનરેટ થયેલી
સાયબર ક્રાઈમના વરિષ્ઠ અધિકારીઓના મતે સમગ્ર ₹226 કરોડના ટર્નઓવરમાંથી અંદાજે 30થી 40 ટકા રકમ ‘ડર્ટી ક્રિપ્ટો’ એટલે કે ડ્રગ્સ, સ્મગલિંગ અને આતંકી પ્રવૃત્તિઓમાંથી જનરેટ થયેલી હતી. જ્યારે બાકીનો હિસ્સો પીઅર-ટુ-પીઅર (P2P) ટ્રેડિંગ, ફ્યુચર્સ ટ્રેડિંગ અને સ્થાનિક કક્ષાએ ચાલતા આંગડિયા કે હવાલા ઑપરેશન્સથી આખા સિસ્ટમમાં ગોઠવવામાં (ઇન્ટિગ્રેટ) આવતો હતો.
આ ગેંગ દેશના સામાન્ય નાગરિકો સાથે ઓનલાઈન છેતરપિંડી અને ડિજિટલ ફ્રોડ કરીને પણ પૈસા પડાવતી હતી. આરોપીઓ ક્રિપ્ટોને રોકડામાં ફેરવવા માટે જે બેંક ખાતાઓનો ઉપયોગ કરતા હતા, તે ખાતાઓ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર નોંધાયેલી 935 જુદી-જુદી સાયબર ફ્રોડની FIR સાથે સીધા લિંક થયેલાં મળ્યાં છે. આનો અર્થ એ થયો કે ભારતીય નાગરિકો પાસેથી લૂંટાયેલા પૈસા પણ આ ગેંગે વૈશ્વિક આતંકવાદ અને ડ્રગ્સની ભઠ્ઠીમાં હોમી દીધા હતા.
ક્યારે થઈ હતી આખા નેટવર્કની શરૂઆત
આ ગુનાહિત સામ્રાજ્યનો પાયો કોરોના મહામારી (Covid-19) પછીના સમયગાળામાં નખાયો હતો. ભારતમાં સાથે વિતાવેલા સમય દરમિયાન મોહમ્મદ ઝુબૈર પોપટીયા, સલમાન અંસારી અને મોહસીન મુલાનીએ સાથે મળીને ક્રિપ્ટોકરન્સી અને USDT સ્ટેબલકોઈનના માધ્યમથી યુનાઈટેડ કિંગડમના ડ્રગ્સ માર્કેટને કેપ્ચર કરવાનો એક મોટો અને ગેરકાયદે પ્લાન તૈયાર કર્યો હતો. સમય જતાં આ ત્રિપુટીએ અમદાવાદ અને મુંબઈથી લઈને દુબઈ અને લંડન સુધી પોતાનું મોટું નેટવર્ક ઊભું કરી દીધું હતું.
આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત પ્રોફેશનલ હતી. અમદાવાદમાં બેઠેલો મોહસીન મુલાની એન્ક્રિપ્ટેડ ટેલિગ્રામ ચેનલો અને ડાર્ક વેબ ફોરમ્સ પરથી બ્રિટનના ગ્રાહકો પાસેથી નશીલા પદાર્થોના ઓર્ડર બુક કરતો હતો. તે આ વિગતો દુબઈમાં બેઠેલા કિંગપિન ઝુબૈર પોપટીયા અને યુકેમાં લોજિસ્ટિક્સ સંભાળતા સલમાન અંસારીને પાસ કરતો હતો. ત્યારબાદ, યુકેમાં કુરિયર નેટવર્ક અને ‘રોયલ પાર્સલ સર્વિસીસ’ના માધ્યમથી ડ્રગ્સ સીધા ગ્રાહકોને ડિલીવર થતું અને તેનું પેમેન્ટ ક્રિપ્ટો વોલેટ્સમાં વસૂલવામાં આવતું હતું.
સલમાન અંસારીને બ્રિટિશ કોર્ટે ફટકારી હતી સજા
આ કેસનો સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે બ્રિટિશ કોર્ટે ઑકટોબર 2024માં સલમાન અંસારીને ડ્રગ સ્મગલિંગ અને મની લોન્ડરિંગના ગુનામાં 6 વર્ષની સખત જેલની સજા ફટકારી હતી. તેમ છતાં, ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ અને ડિજિટલ પુરાવાઓ દર્શાવે છે કે સલમાન માર્ચ 2026 સુધી યુકેની હાઈ-સિક્યોરિટી જેલની અંદર બેસીને જ ટેલિગ્રામ અને અન્ય માધ્યમોથી આ આખું ઇન્ટરનેશનલ ડ્રગ નેટવર્ક સક્રિયપણે ચલાવી રહ્યો હતો.
યુકેના ડ્રગ માર્કેટમાંથી જે કરોડો રૂપિયાની કમાણી રોકડા (Hard Cash) સ્વરૂપે થતી હતી, તેને ઇન્ટરનેશનલ હવાલા અને ગુજરાતના પરંપરાગત આંગડિયા નેટવર્કથી ભારત (અમદાવાદ) મોકલવામાં આવતી હતી. મોહસીન મુલાની આ રોકડી રકમ મેળવીને જેલમાં બંધ સલમાનના અબ્બા ગુલામ સાદિક અંસારીને પહોંચાડતો હતો. ગુલામ સાદિક આ સિન્ડિકેટ માટે સ્થાનિક સ્તરે ‘કેશ એન્કર’ તરીકે કામ કરતો હતો અને પૈસાને પ્રોપર્ટીઝ તથા અન્ય કાયદેસરના બિઝનેસમાં રોકતો હતો.
સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સે વધુમાં ખુલાસો કર્યો છે કે આ આરોપીઓ ડિજિટલ યુગ અને ક્રિપ્ટોકરન્સી પહેલાં એટલે કે વર્ષ 2016થી 2021 દરમિયાન ‘વેસ્ટર્ન યુનિયન’ (Western Union) જેવી મની ટ્રાન્સફર સર્વિસ સ્કીમ (MTSS) પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને પણ વિદેશથી ફન્ડિંગ મેળવતા હતા. આ સમયગાળા દરમિયાન લગભગ 9 જેટલા અલગ-અલગ દેશોમાંથી અંદાજે ₹80 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન્સ થયા હોવાની વિગતો પણ હાલ પોલીસની તપાસ હેઠળ છે.
અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓની ધરપકડ
ગુજરાત પોલીસે આ ઑપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 9 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં અમદાવાદના મોહમ્મદ સાદિક મુલાની, એજાઝ અસલમ ખાન પઠાણ, મોહમ્મદ ઝૈદ સિદ્દીકી, નાવેદ અયુબ ખાન પઠાણ, ફૈઝ અહેમદ ચિશ્તી, સલમાન હબીબ ખાન પઠાણ અને ગુલામ સાદિક અંસારી સામેલ છે. આ સિવાય મુંબઈના જીશાન સિરાજ મોતીવાલા અને કરનાલના (હરિયાણા) લવપ્રીત સિંઘની પણ ધરપકડ થઈ છે.
તમામ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 111 (ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ – સંગઠિત ગુનો), 153, 61 અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટ, 2008ની ગંભીર કલમો હેઠળ દેશની આંતરિક સુરક્ષાને જોખમમાં મૂકવા અને આતંકી કાવતરામાં ભાગીદાર બનવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં દુબઈમાં હોવાનું મનાતા મુખ્ય કિંગપિન મોહમ્મદ ઝુબૈર પોપટીયાને ભારત લાવવા માટે પ્રત્યાર્પણની પ્રક્રિયા તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે. પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ આ નેટવર્કથી વસાવેલી કરોડોની બેનામી લક્ઝરી પ્રોપર્ટીઝ અને બેંક એકાઉન્ટ્સ સીઝ કરવાની કાયદાકીય કાર્યવાહી કરી રહી છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.


