ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના (Local Body Elections) પરિણામો સ્પષ્ટ થઈ ચૂક્યા છે. આ ચૂંટણીમાં ભાજપને જંગી બહુમત મળ્યો છે. જે પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે ગુજરાત ભાજપના કાર્યાલય ‘કમલમ્’ ખાતે પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન આપવાની સાથે સાથે જનતાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
આ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન સી.આર પાટીલે જણાવ્યું હતું કે, “PM મોદી પરનો લોકોનો વિશ્વાસ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે…આ ચૂંટણીમાં પણ PM મોદી, CM ભૂપેન્દ્ર પટેલના કાર્યો તથા પાર્ટીના કાર્યકર્તાઓના કારણે જીત મળી છે, તેથી પાયાના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું.”
તેમણે આગળ કહ્યું હતું કે, “અમારી કલ્પનામાં થોડી કચાશ રહી ગઈ. અમે 68માંથી 68 નગરપાલિકા જીતવા માંગતા હતા, પરંતુ 2 NCPને મળી, 1 પાલિકા કોંગ્રેસને મળી, જેના પાસે ગયા વર્ષે 13 હતી. જેમાં પણ આ વખતે AAP સાથેની સ્પર્ધામાંથી 1 જ નગરપાલિકા જીતી શક્યા.”
તેમણે કહ્યું કે, “જે રીતે ગઈ વખતે નગરપાલિકાની ચૂંટણી બાદ 51 નગરપાલિકા ભાજપ પાસે હતી, ત્યારે આ વખતે ભાજપ પાસે 14નો વધારો થયો છે.” પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું છે કે, ભાજપે 68 નગરપાલિકાઓમાંથી 60 જંગી બહુમતીથી જીતી છે અને 5 નગરપાલિકા પર અપક્ષો ટેકો આપશે. તેમણે કહ્યું છે કે, આ રીતે 65 નગરપાલિકા પર ભાજપની જીત ગણાઈ છે.
આગળ તેમણે કહ્યું કે, “રિઝલ્ટનું વિશ્લેષણ કરીએ તો જોવા મળે છે કે, લગભગ 7 જેટલી નગરપાલિકાઓમાં કોંગ્રેસનું ખાતું પણ નથી ખૂલ્યું. એ જોતા લાગે છે ભારતીય જનતા પાર્ટી પર જનતાનો વિશ્વાસ વધ્યો છે. ચાણસ્મામાં પણ ભાજપની જીત થઈ છે. આવા પાયા નેતાઓના કારણે તેમણે (કોંગ્રેસે) હિંમત ગુમાવી દીધી છે. જે અપક્ષો જીત્યા છે એમાંના પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે.”
96% સ્ટ્રાઈક રેટ સાથે જીત્યું ભાજપ- પાટીલ
આ સિવાય પાટીલે કહ્યું કે, “68માંથી 65 નગરપાલિકા, 1 મહાનગર પાલિકા અને 3 તાલુકા પંચાયત પ્રમાણે 96%નો સ્ટ્રાઈક રેટ આવ્યો છે, જે એક રેફરલ છે. માત્ર નગરપાલિકાનું ગણીએ તો 95.58%નો સ્ટ્રાઈક રેટ છે. જે લોકોનો વિશ્વાસ દર્શાવે છે. લોકોએ મૂકેલા વિશ્વાસને હેઠે નહીં જવા દઈએ આ વિશ્વાસ વધુ વધે એવી કામગીરી કરીશું.”
આગામી ચૂંટણીની વાત કરતા તેમણે કહ્યું હતું કે, “10 મહિના પછી મહાનગરપાલિકાની જે ચૂંટણી છે, તેનું પ્રતિબિંબ આજે જોવા મળી રહ્યું છે. સૌ કાર્યકર્તાને આ વિજયના વધામણા પણ જવાબદારી અને વિશ્વાસ વધ્યો છે એને પણ જાળવી રાખવાનો છે. લોકોએ મૂકેલા વિશ્વાસને વધારવા સરકાર અને સંગઠન સાથે મળીને કામ કરશે. લોકોએ મૂકેલા વિશ્વાસને અમે સાર્થક કરીશું.” CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, “આજે વડાપ્રધાનના નેતૃત્વમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્ર સાથે ભારતીય જનતા પાર્ટીએ એક થઈને કામ કર્યું છે, જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વિજય મેળવ્યો છે. આ વિશ્વાસ જાળવવા હું અને મારી ટીમ નિષ્ઠા સાથે વધુ મજબૂતાઈથી કામ કરતા રહીશું.”
રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાની કરી હતી વાત
લોકસભામાં 99 બેઠકો મેળવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આત્મવિશ્વાસ સાતમા આસમાને હતો. લોકસભાના પરિણામો બાદ 6 જુલાઈ, 2024ના રોજ અમદાવાદના કોંગ્રેસે કાર્યાલયમાં અને લોકસભામાં પણ ભાષણ આપતા વખતે તેમણે ભાજપ સામે પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “હું તમને કહું છું લખી લો, કોંગ્રેસ પાર્ટીની આત્મા ગુજરાતમાં લડશે અને જે રીતે ભાજપને અયોધ્યામાં હરાવી છે, એ જ રીતે ગુજરાતમાં પણ હરાવવાના છીએ. અમારા બબ્બર શેર કાર્યકર્તાઓ હરાવશે. કોંગ્રેસ ગુજરાતમાં જીતશે અને ગુજરાતમાંથી જ નવી કોંગ્રેસ પાર્ટી બનશે.” આ સાથે જ તેમણે લોકસભામાં પણ કહ્યું હતું કે, “અમે ભાજપને અને મોદીજીને ગુજરાતમાં હરાવવા જઈ રહ્યા છીએ.”
જોકે, હમણાં તો માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા છે. પરંતુ તેમ છતાં પણ લોકોએ રાહુલ ગાંધીના તે ભાષણને યાદ કર્યું છે અને કટાક્ષ પણ કર્યો છે. આજે ગુજરાતની સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં 68માંથી માત્ર 1 જ નગરપાલિકા કોંગ્રેસને મળી શકે છે. જ્યારે બીજી તરફ ભાજપ પોતાના જ તમામ રેકોર્ડ તોડીને આગળ નીકળી ગઈ છે.