1 એપ્રિલ 2026થી નવા ઇન્કમ ટેક્સ નિયમો લાગુ થાય તે પહેલાં ફરી એક વખત સોશિયલ મીડિયા પર મિસઈન્ફોર્મેશનનું ભૂત ધૂણ્યું છે. દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે હવે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ કોઈ પણના ઇમેઇલ, ચેટ અને અન્ય ઑનલાઇન કોમ્યુનિકેશન જોઈ-વાંચી શકશે અને નવા કાયદામાં તેમને અનિયંત્રિત શક્તિઓ આપી દેવામાં આવી છે. ઘણા પ્રાઇવસીની સમસ્યા જણાવી રહ્યા છે.
આવો દાવો કરનારાઓની દલીલ છે કે આ નવા નિયમોથી લોકોની પ્રાઇવસી જોખમમાં મૂકાશે અને મૂળભૂત અધિકારોનું પણ આ હનન છે. સરકાર આપણાં ઇમેઇલથી માંડીને મેસેજો અને ચેટ સુધી પહોંચી જશે એવી દલીલો કરવામાં આવી છે.
જોકે આ પહેલી વખત થયું નથી. અગાઉ માર્ચમાં જ્યારે નવા નિયમો પસાર કરવામાં આવ્યા ત્યારે અને ત્યારપછી પણ અનેક વખત આવા દાવાઓ સોશિયલ મીડિયા પર થતા રહે છે અને પોસ્ટો આવતી રહે છે.
હવે એ જોઈએ કે આમાં હકીકત શું છે? તેના માટે થોડી પૂર્વભૂમિકા બાંધવી પડશે.
ટેકનોલોજી હવે સમયની સાથે તેની જ ગતિએ આગળ વધતી જાય છે. પહેલાં ટેક્સ ચોરી જે રીતે થતી હતી એ રીતે હમણાં થાય જ છે પણ હવે તેમાં ડિજિટલ બાબતો પણ ઉમેરાઈ છે. ક્લાઉડ સ્ટોરેજ ઈન્ક્રિપ્ટેડ ફોન, ઇમેઇલ, ટ્રેડિંગ એપ્સ, ઈ-વૉલેટ, બેનામી ડિજિટલ આઈડેન્ટિટી અને મેસેજિંગ બેસ્ડ ડિલમેકિંગ વગેરે પણ ઉમેરાયું છે. હવે સેલફોન વગેરે તો એજન્સીઓ સર્ચ ઑપરેશન કરીને શોધી શકે, પણ ડિજિટલ ચીજો, જેનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી તેનું શું? પોલીસ કદાચ ડિવાઇસ શોધી નાખે, પણ તેમાં પાસવર્ડ, ઇન્ક્રિપ્શન, ક્લાઉડ લૉગિન વગેરે હોય તેને કઈ રીતે તોડી શકાય?
આ સમસ્યાના સમાધાન માટે 2025ના ઇન્કમ ટેક્સની કલમ 247માં જોગવાઈ કરવામાં આવી છે. 1961ના ઇન્કમ ટેક્સમાં જે કલમ 132 હતી, તે હવે નવા એકટમાં 247 હશે. કલમ મૂળ સર્ચ ઑપરેશન અને જપ્તી સંદર્ભે નિયમો જણાવે છે.
કેમ આ કલમ જરૂરી છે?
નવા ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 247 ટેક્સ ઓફિસર્સને એ પરવાનગી આપે છે કે તેઓ એવી વ્યક્તિઓ વિરુદ્ધ સર્ચ અને સીઝર (જપ્તી) ઑપરેશન હાથ ધરી શકે છે, જેમની સામે (ટેક્સચોરી સંદર્ભે) કાયદાકીય કાર્યવાહી ચાલી રહી હોય અને જે-તે વ્યક્તિએ સંપત્તિ, આવક, દસ્તાવેજો અને ટેક્સચોરીની તપાસ માટે જરૂરી એવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ છુપાવ્યા હોવાની આશંકા હોય.
કાયદામાં સ્પષ્ટ લખ્યું છે કે ‘જે વ્યક્તિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી હોય’. અર્થાત્, ઇન્કમ ટેક્સ અધિકારીઓ કોઈ પણ રેન્ડમ માણસના ફોન, ઇમેઇલ, સોશિયલ મીડિયા અને બેંક ખાતાં ચેક કરવા આવવાના નથી. અધિકારીઓ તેમની સામે જ તપાસ કરી શકે જેમને લીગલ સમન્સ પાઠવવામાં આવ્યાં હોય અથવા તો કાર્યવાહી દરમિયાન તેમને અમુક દસ્તાવેજો રજૂ કરવાનું કહેવામાં આવ્યું હોય અને તે રજૂ ન કરવામાં આવ્યા હોય, અથવા એવા પર્યાપત પુરાવાઓ હોય કે ટેક્સચોરી માટે અમુક પ્રકારની ગતિવિધિઓ થઈ છે. પરંતુ આ બધા માટે જરૂરી છે કોર્ટનાં સમન્સ અથવા નોટિસ.
સમય પ્રમાણે આ જ કલમમાં ડિજિટલ સ્પેસનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં ઓનલાઇન અકાઉન્ટ, ક્લાઉડ સ્ટોરેજ, ઇમેઇલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઓનલાઇન બેંકિંગ, ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પોર્ટલ અને ફાયનાન્સિયલ અને કોમ્યુનિકેશન ડેટા સંગ્રહતું હોય તેવું કોઈ પણ ડિજિટલ એન્વાયર્નમેન્ટ– આ બધું આવે છે. હવે મોટાભાગના નાણાકીય વ્યવહારો અને અગત્યના પુરાવાઓ ભૌતિક સ્વરૂપ કરતાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જ સંગ્રહાય છે, આ સ્થિતિમાં અધિકારીઓ ડિજિટલ પુરાવાઓ સુધી પણ પહોંચી શકે એ જરૂરી છે.
આ જોગવાઈ સામે વાંધો ઉઠાવનારાઓ કહે છે કે પૂરતું રક્ષણ ન મળે તો ટેક્સ ઓથોરિટી કોઈનાં પ્રાઇવેટ ડિજિટલ અકાઉન્ટ્સ કે સોશિયલ મીડિયામાં ઘૂસી શકે છે. વૉરન્ટ વગર ડિજિટલ અકાઉન્ટ્સ સુધી પહોંચવાની શક્યતા પણ છે. જેથી કોઈ વ્યક્તિ જો ઍક્સેસ આપવાની ના પાડે તો અધિકારીઓ કોમ્પ્યુટર, સેલફોન, સોશિયલ મીડિયા હૅક પણ કરી શકે છે.
અહીં હકીકત એ છે કે કાયદામાં સ્પષ્ટપણે મર્યાદાઓ આપવામાં આવી છે. ઓથિરિટી કોઈ પણનાં ડિજિટલ અકાઉન્ટ એક્સેસ ન કરી શકે અને કાયદાકીય પ્રક્રિયાનો ભાગ હોય તેવાં સર્ચ ઑપરેશન દરમિયાન જ તેની મંજૂરી મળે, તેમાં પણ પૂરતી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ આગળ પ્રોસેસ થઈ શકે.
નવા એકટમાં નવી કોઈ સત્તા નહીં, માત્ર ડિજિટલ સ્પેસનો ઉમેરો કરાયો
ઘણાં વર્ષો સુધી જૂના ઇન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 132 હેઠળ અધિકારીઓને કોઈ પણ પરિસરમાં જઈને ડોક્યુમેન્ટ અને ડિવાઈસ જપ્ત કરવાની પરવાનગી હતી જ. નવા એક્ટની 247મી કલમમાં કોઈ નવી સત્તા આપવામાં આવી નથી, માત્ર હાલની સત્તામાં ડિજિટલ સ્પેસનો ઉમેરો કરવામાં આવ્યો છે. મર્યાદાઓ અને નિયમો એ જ રાખવામાં આવ્યાં છે.
કાયદામાં એ પણ કહ્યું છે કે સર્ચ દરમિયાન અમુક મર્યાદાઓ પાળવાની જ હોય અને જેની સામે કાર્યવાહી થતી હોય તેને પણ અમુક અધિકારો મળે જ છે. ભૂતકાળમાં પણ ટેક્સના કાયદામાં લખ્યું જ હતું કે કાર્યવાહી પહેલાં જેની સામે કાર્યવાહી થતી હોય તેને પૂરતાં કારણો રજૂ કરવામાં આવે છે, પંચનામું થાય છે, તેની નકલ આપવામાં આવે છે. આ બધું નવા એકટમાં પણ યથાવત જ રહેશે. છતાં ટેક્સપેયરને લાગે કે તેને ત્યાં ખોટી રીતે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું કે ખોટી રીતે સાધનો જપ્ત કરવામાં આવ્યાં છે તો તે કોર્ટના દરવાજા ખખડાવી જ શકે છે.
ડિજિટલ ઈકોનોમીની રીતે જોઈએ તો કલમ 247 અત્યંત જરૂરી છે. અગાઉનાં સર્ચ ઑપરેશનોમાં ભૌતિક ફાઈલો અને સાધનો ચેક કરવામાં આવતાં હતાં. આજે બેંક ટ્રાન્ઝેક્શન, ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ સ્ટેટમેન્ટ, ઇમેઇલ અને પોર્ટફોલિયો રેકોર્ડ અને કોમન્યુનિકેશન ચેનલ મેટાડેટામાં આ અગત્યના પુરાવાઓ હોય છે. જો આ પુરાવાઓ હાથ ન લાગે તો તપાસનો કોઈ અર્થ ન રહે. એટલે સર્ચ એન્ડ સીઝર પ્રોસેસમાં ડિજિટલ સ્પેસ ઉમેરવું એ સમયની માંગ છે.
પણ તેનો અર્થ એ નથી કે કોઈ પણ વ્યક્તિનાં સોશિયલ મીડિયા અને ડિજિટલ ડેટા ઈન્કમ ટેક્સ અધિકારીઓ જોઈ-વાંચી શકશે. જેમ ઇન્કમ ટેક્સ અધિકારીઓને સર્ચ હાથ ધરવાની પરવાનગી છે, પણ મારા-તમારા જેવા સામાન્ય માણસોના ઘરે જઈને કે રેન્ડમલી કોઈનું પણ ઘર પકડીને સર્ચ નથી કરતા, કારણ કે તેની પણ એક પ્રક્રિયા હોય છે, કાયદાકીય પ્રોસીજર હોય છે. એટલે સામાન્ય માણસોએ ડરવાની, ભ્રમિત થવાની કોઈ જરૂર નથી. ટેક્સચોરી કરી હોય તો જુદી વાત છે!


