આદત મુજબના ખોટા સમાચાર પ્રકાશિત કરનાર વામપંથી પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયરે’ (The Wire) ફરી એકવાર મોદી સરકારને નિશાન બનાવવા માટે ખોટા સમાચાર પ્રકાશિત કર્યા છે. આ વખતે તેનો દાવો છે કે કેન્દ્ર સરકાર મોબાઈલનું લોકેશન હંમેશા ‘ચાલુ’ રાખવાનું ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
5 ડિસેમ્બરે પ્રકાશિત થયેલા એક અહેવાલમાં, જેનું શીર્ષક છે: ‘Is the Modi Govt Working on a Proposal to Insist All Cellphones Have Location ‘on’ at All Times?’ (શું મોદી સરકાર બધા સેલફોનમાં લોકેશન હંમેશા ‘ચાલુ’ રાખવાનો આગ્રહ રાખવા માટેના પ્રસ્તાવ પર કામ કરી રહી છે?), આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોદી સરકાર તમામ સ્માર્ટફોન ધારકો માટે ‘લોકેશન’ ફીચર કાયમી ધોરણે ‘ઓન’ (ચાલુ) રાખવાનું ફરજિયાત બનાવવાની દિશામાં વિચાર કરી રહી છે.
‘ધ વાયરે’ રોયટર્સના એક અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે ગૂગલ, એપલ અને સેમસંગ જેવી મોટી કંપનીઓએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. જોકે, રોયટર્સનો અહેવાલ વાંચીએ તો સ્પષ્ટ થાય છે કે ‘ધ વાયરે’ સરકારને નિશાન બનાવવા માટે અહેવાલને તોડી-મરોડીને રજૂ કર્યો છે.
રોયટર્સના અહેવાલ મુજબ લોકેશન ચાલુ રાખવાનું ફરજિયાત કરવાનો પ્રસ્તાવ ટેલિકોમ ઑપરેટરો દ્વારા કરવામાં આવ્યો હતો, સરકાર દ્વારા નહીં. રોયટર્સે જણાવ્યું હતું કે ભારત સરકાર ટેલિકોમ ઑપરેટરો દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવની સમીક્ષા કરી રહી છે. ટેલિકોમ ઑપરેટરો આ ફીચરને હંમેશા એનેબલ રાખવા માટે સરકારી આદેશ ઇચ્છતા હતા, કારણ કે જ્યારે તેમને પોલીસ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓને તપાસમાં મદદ કરવા માટે વપરાશકર્તાઓના લોકેશન ડેટા પ્રદાન કરવાની જરૂર પડે છે, ત્યારે તેઓ ચોક્કસ લોકેશન આપી શકતા નથી.

ટેલિકોમ ઑપરેટરો મોબાઇલ ટાવર ડેટાના ટ્રાઇંગ્યુલેશનનો ઉપયોગ કરીને કનેક્ટેડ મોબાઇલ ડિવાઇસના લોકેશનનો અંદાજ લગાવી શકે છે, પરંતુ તે દરવખતે સચોટ હોતું નથી. ચોક્કસ લોકેશન ડેટા ફક્ત ત્યારે જ મેળવી શકાય છે જ્યારે ડિવાઇસ પર GPS ફીચર એક્ટિવેટ (સક્રિય) હોય અને આ ડેટા ઉપલબ્ધ થાય. આથી જિયો, એરટેલ જેવી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા સેલ્યુલર ઑપરેટર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયાએ (COAI) પ્રસ્તાવ મૂક્યો કે જો સરકાર ફોન બનાવતી કંપનીઓને આદેશ આપે કે A-GPS ટેકનોલોજી ડિફોલ્ટમાં એનેબલ જ રહે અને તેને ડિસેબલ કરવાનો વિકલ્પ જ ન રહ તો તેઓ પોલીસને સચોટ લોકેશન આપી શકશે. A-GPS ટેકનોલોજી જીપીએસ સિગ્નલ અને સેલ્યુલર ડેટાનો ઉપયોગ કરીને મોબાઈલનું ચોક્કસ સ્થાન નક્કી કરે છે.
રોયટર્સે સરકારી સૂત્રો અને આંતરિક IT મંત્રાલયના ઇમેઇલ્સ સહિતના દસ્તાવેજોને ટાંકીને ટેલિકોમ કંપનીઓના આ પ્રસ્તાવ વિશે અહેવાલ આપ્યો હતો. અહેવાલમાં એ પણ ઉમેર્યું હતું કે એપલ, સેમસંગ અને ગૂગલ જેવી કંપનીઓએ સરકારને આવો કોઈ આદેશ ન આપવા વિનંતી કરી હતી. એપલ, સેમસંગ અને ગૂગલ જેના સભ્યો છે એવી ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિયેશને (ICEA) સરકારને વિનંતી કરી હતી કે વિશ્વમાં કોઈ જગ્યાએ આવું થતું નથી અને A-GPS નેટવર્ક લોકેશન સર્વેલન્સ (location surveillance) માટે નથી.
આ અહેવાલમાં વધુમાં ઉમેર્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે આ મામલે ચર્ચા કરવા માટે ટોચના સ્માર્ટફોન ઉદ્યોગના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું, પરંતુ તે મોકૂફ રાખવામાં આવી હતી.
‘ધ વાયરે’ ફોન નિર્માતાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ વિશે યોગ્ય રીતે અહેવાલ આપ્યો હોવા છતાં મૂળ પ્રસ્તાવ વિશે સંપૂર્ણપણે અને ઇરાદાપૂર્વક માહિતીને ખોટી રીતે રજૂ કરી હતી. તેણે એવો પણ દાવો કર્યો કે “આ પગલું સેલ્યુલર ઑપરેટર્સ એસોસિયેશન ઑફ ઇન્ડિયાના (COAI) કથિત પ્રસ્તાવમાં તેના મૂળ ધરાવે છે,” જેનો અર્થ એવો થાય છે કે પ્રસ્તાવ ટેલિકોમ કંપનીઓ તરફથી આવ્યો હોવા છતાં સરકાર તેના પર સક્રિયપણે વિચાર કરી રહી હતી.
જોકે, ‘ધ વાયર‘ના તે લેખનો એકમાત્ર સ્ત્રોત એવો રોયટર્સનો રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે સરકાર ફક્ત પ્રસ્તાવની સમીક્ષા કરી રહી છે, તેના પર વિચાર કરી રહી નથી. સૌથી અગત્યનું કે આ પ્રસ્તાવ ટેલિકોમ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, ન કે મોદી સરકાર દ્વારા.


