(તંત્રીલેખ, 8 સપ્ટેમ્બર, 2025)
જ્યારે કોઈ રાજ્યમાં કોઈ કુદરતી કે માનવસર્જિત આફત આવી પડે ત્યારે ત્યાંની સરકાર સામાન્ય રીતે તે આફત સામે લડવામાં, રાજ્યને ફરી પાટે લાવવામાં લાગી જાય છે. કારણ કે સરકારનું એ જ કામ છે. આગળ ભલે કંઈ ન કર્યું હોય, પણ પછી બનતા પ્રયાસો કરે છે. રાજકારણ બદલવા આવેલી આમ આદમી પાર્ટી આમાં થોડી નોખી પડે છે. તેઓ આવું કશુંક થાય એટલે હોબાળો કરવા માંડે છે. જેનાથી આ ઘોંઘાટમાં તેમની નિષ્ફળતાઓ ઢંકાઈ જાય, તેની ચર્ચા ન થાય. દિલ્હીમાં સરકાર હતી ત્યાં સુધી આ જ કર્યું હતું. હવે (કમનસીબે) પંજાબનો વારો આવ્યો છે.
પંજાબમાં ભયંકર પૂર આવ્યું છે. ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાની સરકાર ત્યાં શું કરી રહી છે, શું પગલાં લેશે એ જણાવવા કરતાં એમ કહી રહ્યા છે કે કેન્દ્ર સરકાર રાજ્યના પૈસા રોકીને બેઠી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની મુલાકાતે આવે તો એ પૈસા સાથે લઈને આવે. દિલ્હીમાંથી હારી ચૂકેલા મનીષ સિસોદિયા મોદીને જવાબદારી શીખવી રહ્યા છે! બાકીના નેતાઓનો પણ એક જ સૂર છે. તેમનું કહેવું છે કે કેન્દ્ર પંજાબના 60 હજાર કરોડ રોકીને બેઠું છે, એ આપી દે એટલે અમે અહીં પૂર સામે લડી શકીએ.
હવે કાલે ઉઠીને કેન્દ્ર સરકાર કોઈ રાહત પેકેજ જાહેર કરશે ત્યારે આ લોકો કહેશે કે આટલા પૂરતા નથી અને અમે 60 હજાર કરોડ માગ્યા હતા. કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઈ છે અને આ પૂર માટે જવાબદાર તેઓ જ છે.
બીજી તરફ, કેજરીવાલ પોતે ગુજરાતમાં આંટાફેરા કરી રહ્યા છે. પણ આમ આદમી પાર્ટીના સમર્થકો સોશિયલ મીડિયા પર ગાળો મોદીને અને રાહુલ ગાંધીને આપી રહ્યા છે, એવું કહીને કે વડા પ્રધાન અને વિપક્ષ નેતા પંજાબ પર ધ્યાન આપી રહ્યા નથી! આ હદ સુધીની શરમ છોડવા માટે સ્પેશિયલ કોર્સ આવે છે કે કેમ એ હવે AAPના સમર્થકો જાણે.
હમણાં થોડા દિવસ પહેલાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નો એક રિપોર્ટ આવ્યો. આ રિપોર્ટ કહે છે કે પંજાબની ‘આપ’ સરકારે પ્રિ-મોન્સૂન કામગીરી માટે માત્ર 17 (સત્તર) દિવસ ફાળવ્યા હતા. 5 જૂને તૈયારીઓની સમીક્ષા માટે બેઠક થઈ અને 22 જૂને ચોમાસું આવી ગયું. સરકારે એક બંધ અને અન્ય ડ્રેનની સફાઈ માટે પૈસા પણ ફાળવ્યા, પણ આટલા દિવસમાં એ કામ કરવું શક્ય જ ન હતું.
નિવૃત્ત અધિકારીએ અખબારને કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન (એટલે અગાઉની સરકારો વખતે) આ ‘ફ્લડ કન્ટ્રોલ મીટિંગ’ ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં થતી એટલે કામગીરી માટે પૂરતો સમય મળી રહેતો. પણ ફેબ્રુઆરીમાં AAPના નેતાઓ દિલ્હીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત હતા એટલે મીટિંગ ન થઈ. જ્યારે જૂનમાં મીટિંગ થઈ તો બહુ મોડું થઈ ચૂક્યું હતું.
આ બધી વિગતો બહાર ચર્ચાતી નથી. જો ભાજપશાસિત રાજ્ય હોત તો અત્યારે યુટ્યુબરિયાઓની જમાત દિવસના પાંચ-પાંચ વિડીયો આપણા માથે મારતી હોત!
આવું જ દિલ્હીમાં થયું. દિલ્હીમાં જ્યાં સુધી AAPની સરકાર રહી ત્યાં સુધી દર વર્ષે ચોમાસામાં તેઓ પાડોશી રાજ્યો અને કેન્દ્ર સરકાર પર દોષ નાખીને દિવસો કાઢી નાખતા હતા. ગયા વર્ષે તો શરમ બાજુ પર મૂકીને રાજ્યનાં જળ મંત્રી (આતિશી) જ ધરણાં પર બેઠાં! કોઈ રાજ્યનો મંત્રી કામ મૂકીને ધરણાં કરે એ પણ રાજકારણ બદલવા આવેલી પાર્ટીનું જ કારનામું છે.
પ્રદૂષણ માટે કાયમ તેઓ કેન્દ્રને દોષ આપતા હતા. પંજાબમાં જ્યાં સુધી કોંગ્રેસ સરકાર હતી ત્યાં સુધી તેને પણ ઘસડ્યું. જેવી 2022માં AAP સરકાર બની એટલે પંજાબને દોષ આપવાનો બંધ કરી દેવામાં આવ્યો અને ફોકસ હરિયાણા અને ઉત્તર પ્રદેશ પર કરાયું. નવી સરકાર આવી અને જૂની ફાઈલો ખોલી ત્યારે ખબર પડી કે કેજરીવાલ જે પરાળની દવા શોધવાની વાત કરતા હતા એ દવા તો ન શોધાઈ પણ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા હતા. એ પૈસા ક્યાં ગયા? કેજરીવાલ અને સેના જાણે.
દર વર્ષે સમસ્યાઓ આવે ત્યારે પહેલાં મોટા-મોટા વાયદાઓ કરીને લોકોને ઠાલાં આશ્વાસન આપવાં અને મેળ ન પડે ત્યારે હાથ ઊંચા કરીને કેન્દ્રને દોષ આપવાનો શરૂ કરી દેવાનો. આ રાજકારણ પર કેજરીવાલ આણિ મંડળી દિવસો કાઢી રહી છે. દિલ્હીમાંથી તો તગેડી મૂકવામાં આવ્યા. હરકતો જોઈને પંજાબ પણ હવે બહુ વખત સંઘરશે નહીં એવું લાગે છે.


