ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં બદલીની ભલામણ સામે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન (GHCAA) દ્વારા તીવ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આ બદલીના વિરોધમાં એસોસિએશને 26 ઑગસ્ટના રોજ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી હતી.
સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા 14 હાઇકોર્ટના ન્યાયાધીશોની બદલીની ભલામણ કરવામાં આવી હોવાના અહેવાલો બાદ આ વિવાદ શરૂ થયો હતો. જેમાં જસ્ટિસ સંદીપ એન. ભટ્ટને મધ્યપ્રદેશ હાઇકોર્ટ અને જસ્ટિસ રોયની ટ્રાન્સફર આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં કરવાની ભલામણ કરવામાં આવી છે.
GHCAAનું કહેવું છે કે આ બદલીનો નિર્ણય ન્યાયતંત્રની સ્વતંત્રતા અને ન્યાયના વહીવટ પર અસર કરી શકે છે. એસોસિએશનના અધ્યક્ષ બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું કે જસ્ટિસ ભટ્ટ ગુજરાત હાઇકોર્ટમાં મહત્વના કેસોની સુનાવણી કરી રહ્યા છે અને તેમની બદલીથી કોર્ટના કામકાજ પર નકારાત્મક અસર પડી શકે છે.
26 ઑગસ્ટના રોજ GHCAAએ મિટિંગ બોલાવી હતી જેમાં હડતાળનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત, એસોસિએશને સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ સમક્ષ આ બદલી રદ કરવાની માંગ કરવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલવાનું નક્કી કર્યું હતું.
આ પ્રતિનિધિમંડળમાં GHCAAના અધ્યક્ષ બ્રિજેશ ત્રિવેદી, વરિષ્ઠ વકીલો મિહિર જોશી અને આસિમ પંડ્યા, તેમજ વકીલો હાર્દિક બ્રહ્મભટ્ટ અને દિપેન દવેનો સમાવેશ થાય છે. CJIએ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનની કમિટીને મળવા માટે 28 ઑગસ્ટે બપોરે 1.50નો સમય ફાળવ્યો છે. આ મુલાકાત પર આગામી કાર્યવાહીનો આધાર છે.

