Thursday, May 9, 2024
More
    હોમપેજરાજકારણ‘કેજરીવાલે પાસવર્ડ ન આપ્યા, જાણીજોઈને પૂછપરછમાં સહકાર નથી આપી રહ્યા’: EDએ માંગી...

    ‘કેજરીવાલે પાસવર્ડ ન આપ્યા, જાણીજોઈને પૂછપરછમાં સહકાર નથી આપી રહ્યા’: EDએ માંગી વધુ 7 દિવસની કસ્ટડી, પોતાને ફસાવાયા હોવાનો રાગ આલાપતા રહ્યા AAP સુપ્રીમો

    એજન્સીએ કોર્ટને જણાવ્યું કે, કેજરીવાલનાં નિવેદનો નોંધવામાં આવ્યાં છે, પરંતુ ઘણાખરા જવાબ ઉડાઉ આપવામાં આવ્યા. આગળ કહ્યું કે, અમારે તેમને અન્ય અમુક લોકોની સામે બેસાડીને પૂછપરછ કરવી જરૂરી છે.

    - Advertisement -

    EDની કસ્ટડી પૂર્ણ થતાં એજન્સીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુરુવારે (28 માર્ચ) કોર્ટમાં રજૂ કર્યા હતા. અહીં એજન્સીએ ફરી 7 દિવસની કસ્ટડી માંગી છે. EDએ કહ્યું કે, કેજરીવાલને અમુક લોકો સાથે બેસાડીને પૂછપરછ કરવાની છે તેમજ હજુ તેમણે ડિજિટલ ડેટા માટે પાસવર્ડ આપ્યા નથી. કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે અને ટૂંક સમયમાં આદેશ પસાર કરવામાં આવશે. બીજી તરફ, કોર્ટમાં કેજરીવાલે પણ વ્યક્તિગત રીતે અમુક નિવેદનો આપ્યાં હતાં. 

    એજન્સીએ કોર્ટને જણાવ્યું કે, કેજરીવાલનાં નિવેદનો નોંધવામાં આવ્યાં છે, પરંતુ ઘણાખરા જવાબ ઉડાઉ આપવામાં આવ્યા. આગળ કહ્યું કે, અમારે તેમને અન્ય અમુક લોકોની સામે બેસાડીને પૂછપરછ કરવી જરૂરી છે. ગોવાના આમ આદમી પાર્ટીના વધુ ચાર સભ્યોનાં નિવેદનો નોંધવામાં આવી રહ્યાં છે. તેમની સાથે કેજરીવાલની પૂછપરછ કરવામાં આવશે. 

    આગળ ED તરફથી ASG એસવી રાજુએ જણાવ્યું કે, કેજરીવાલે હજુ પાસવર્ડ આપ્યા નથી, જેથી ડિજિટલ ડેટા મળી શક્યો નથી. તેઓ જણાવી રહ્યા છે કે હું મારા વકીલો સાથે વાત કરીને જણાવીશ કે પાસવર્ડ આપવા કે નહીં. જો તેમણે ન આપ્યા તો અમારે પાસવર્ડ તોડી નાખવા પડશે. ASGએ એમ પણ કહ્યું કે, કેજરીવાલ જાણીજોઇને તપાસમાં સહકાર આપી રહ્યા નથી. 

    - Advertisement -

    બીજી તરફ, કોર્ટમાં કેજરીવાલે પોતાની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, “મારું નામ 4 જગ્યાએ આવ્યું છે. એક છે સી અરવિંદ, તેણે કહ્યું કે તેણે મારી હાજરીમાં અમુક દસ્તાવેજો સિસોદિયાને આપ્યા હતા. મારા ઘરે રોજ ધારાસભ્યો આવે છે, શું એક નિવેદન કાપી છે મુખ્યમંત્રીની ધરપકડ માટે? તેમણે એવો પણ દાવો કર્યો કે આ કેસમાં લોકો સરકારી ગવાહ બની રહ્યા છે અને તેમને નિવેદનો બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. 

    કેજરીવાલની આ વાતોનો EDએ વિરોધ કર્યો હતો, પરંતુ છતાં તેઓ બોલતા રહ્યા. કોર્ટે પણ તેમને કહ્યું કે, તેઓ આ બધું લેખિતમાં આપી શકે છે. જોકે, કેજરીવાલે પછી પણ બોલવાનું ચાલુ જ રાખ્યું અને ED પર તેમને ફસાવવાના આરોપો લગાવ્યા, જે તેઓ અને તેમની પાર્ટી છેલ્લા 6 મહિનાથી લગાવી રહ્યાં છે. એમ પણ કહ્યું કે એજન્સી AAPને ખતમ કરવા માંગે છે. 

    કેજરીવાલની આવી વાતો સાંભળીને ED તરફથી ASGએ સવાલ ઉઠાવ્યા હતા કે આ સુનાવણી તેમને કોર્ટમાં રજૂ કરવા મામલે થઈ રહી છે, અત્યારે આ વાતોનું કશું ઔચિત્ય જ નથી. તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે ED પાસે કેટલા અને કયા દસ્તાવેજો છે તેની તેમને ખબર કઈ રીતે હોય? તેઓ કલ્પનામાં રાચે છે. એમ પણ કહ્યું કે, મુખ્યમંત્રી હોય તેથી કેજરીવાલ કાયદાથી પર થઈ જતા નથી. 

    EDએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ લાંચ મેળવી હતી અને તે પૈસાનો ઉપયોગ ગોવા ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. જેની એક સ્પષ્ટ ચેઇન પણ સામે આવી છે. અમારી પાસે નિવેદનો અને દસ્તાવેજો છે, જે દર્શાવે છે કે પૈસા હવાલા થકી આવ્યા હતા અને ગોવા ચૂંટણીમાં પ્રચાર માટે વપરાયા હતા. અમારી પાસે પૂરતા પુરાવા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ વ્યક્તિએ (કેજરીવાલ) 100 કરોડની લાંચ માંગી હતી. 

    બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો. EDએ 7 દિવસની કસ્ટડી માંગી છે, જેને લઈને કોર્ટ હવે નિર્ણય કરશે. 

    અપડેટ: કોર્ટે કેજરીવાલની 1 એપ્રિલ સુધીની કસ્ટડી મંજૂર કરી હતી. 1 એપ્રિલે એજન્સી ફરી તેમને કોર્ટમાં રજૂ કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં