Sunday, October 6, 2024
More
    હોમપેજરાજકારણ'ઈરાન મિડલ-ઈસ્ટ માટે જોખમ… સ્વરક્ષા ઇઝરાયેલનો અધિકાર, અમે તેની સાથે છીએ': વિશ્વભરના...

    ‘ઈરાન મિડલ-ઈસ્ટ માટે જોખમ… સ્વરક્ષા ઇઝરાયેલનો અધિકાર, અમે તેની સાથે છીએ’: વિશ્વભરના દિગ્ગજ નેતાઓનું યહૂદી રાષ્ટ્રને સમર્થન, ઇસ્લામી દેશના હુમલાને સખત શબ્દોમાં વખોડ્યો

    અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે મીડિયાને સંબોધીને ઈરાન-ઇઝરાયેલ વિવાદ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ઈરાન મિડલ-ઈસ્ટ માટે જોખમ છે. આ ઉપરાંત બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે પણ ઇઝરાયેલને સમર્થન જાહેર કર્યું હતું.

    - Advertisement -

    હિઝબુલ્લાહને ખતમ કરવા માટે મેદાનમાં ઉતરેલા ઇઝરાયેલ (Israel) પર સતત જોખમ મંડરાતું જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા મહિનાઓથી સતત આતંકવાદનો સામનો કરી રહેલા ઇઝેરાયેલ પર ઇસ્લામી દેશ ઈરાને (Iran) મિસાઇલ હુમલો (Missile Attack) કરી દીધા બાદ હવે સ્થિતિ તણાવપૂર્ણ બની રહી છે. 1 ઑક્ટોબરની રાત્રે ઈરાને લગભગ 200 મિસાઇલ ઇઝરાયેલ તરફ છોડી મૂકી અને ઇઝરાયેલના સૌથી જૂના શહેર અને રાજધાની જેરૂસલમમાં (Jerusalem) તે તમામ મિસાઇલો પડી હતી હતી. જોકે, હવે ઇઝરાયેલ પણ લાલઘૂમ થયું છે અને ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ વિશ્વભરના દિગ્ગજ નેતાઓએ ઇઝરાયેલને સમર્થન જાહેર કર્યું છે અને ઇસ્લામી દેશ ઈરાનના આ હુમલાની આકરી ટીકા કરી છે.

    ઘટનાની જાણ થયા બાદ તરત જ અમેરિકાના (USA) રાષ્ટ્રપતિ જો બાયડને (Joe Biden) ઇમરજન્સી બેઠક બોલાવી હતી અને અમેરિકી સેનાને (American Army) ઈરાનની તમામ મિસાઇલો નાબૂદ કરવાના આદેશો આપી દીધા હતા. વ્હાઇટ હાઉસના (White House) પ્રેસ સચિવ કૈરિન જીન-પિયરે માહિતી આપતા કહ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે (Kamala Harris) વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં પોતાની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ (National Security Team) સાથે બેઠક બોલાવી હતી અને નિયમિત રીતે ઘટનાની જાણકારી પ્રાપ્ત કરવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ જો બાયડને અમેરિકી સેનાને ઈરાની હુમલા સામે ઇઝરાયેલની સુરક્ષામાં મદદ કરવા અને ઇઝરાયેલને ટાર્ગેટ કરતી તમામ મિસાઇલોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.

    ઈરાન મિડલ-ઈસ્ટ માટે જોખમ

    ઘટના બાદ બીજા દિવસે, એટલે કે 2 ઑક્ટોબર, 2024 ને બુધવારના રોજ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે મીડિયાને સંબોધીને ઈરાન-ઇઝરાયેલ વિવાદ પર નિવેદન આપ્યું હતું. તેમણે સંબોધનમાં કહ્યું હતું કે, ઈરાને એક ગંભીર હુમલામાં ઇઝરાયેલ પર લગભગ 200 બેલેસ્ટિક મિસાઇલો છોડી છે. તેમણે વધુમાં કહ્યું કે, “હું આ હુમલાની સખત શબ્દોમાં ટીકા કરું છું. ઈરાન મધ્ય-પૂર્વમાં એક અસ્થિર અને જોખમકારક તાકાત છે અને ઇઝરાયેલ પર થયેલો હુમલો આ બાબતને વધુ સ્પષ્ટતાથી સમજાવી શકે છે. આજે હું રાષ્ટ્રપતિ બાયડન અને આપણી રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે સિચ્યુએશન રૂમમાં હતી. કારણ કે, અમે સંવેદનશીલ સમયમાં હુમલાની સમીક્ષા કરી અને તે સુનિશ્ચિત કર્યું કે, તે વિસ્તારમાં અમેરિકી કર્મચારીઓની સુરક્ષા સર્વોપરી છે.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “અમેરિકી સેનાને ઈરાની મિસાઇલો તોડી પાડવાના રાષ્ટ્રપતિ જો બાયડને આપેલા આદેશનું હું સંપૂર્ણ સમર્થન જાહેર કરું છું. શરૂઆતી સંકેત મળ્યા હતા કે, ઇઝરાયેલ આપણી મદદથી આ હુમલાનો સામનો કરવા માટે સક્ષમ હતું. અમારી સંયુક્ત સુરક્ષા અસરકારક રહી છે અને આ ઓપરેશન તથા સફળ સહયોગના કારણે ઘણા નિર્દોષ લોકોના જીવ પણ બચ્યા છે. હું હંમેશાથી તે સુનિશ્ચિત કરવા માંગુ છું કે, ઇઝરાયેલ પાસે ઈરાન અને ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠનો વિરુદ્ધ પોતાની રક્ષા કરવાની ક્ષમતા હોય.”

    તેમણે વધુમાં કહ્યું કે, “ઈરાન ન માત્ર ઇઝરાયેલ માટે, પરંતુ તે આખા વિસ્તારમાં અમેરિકી કર્મચારીઓ, અમેરિકાના હિતો અને તે વિસ્તારના તમામ નિર્દોષ નાગરિકો માટે જોખમ છે. અમે ઈરાન અને ઈરાન સમર્થિત આતંકવાદીઓ વિરુદ્ધ અમેરિકી સેના અને હિતોની રક્ષા માટે જે જરૂરી કાર્યવાહી કરવી પડશે, તે કરવામાં સહેજ પણ સંકોચ કે શરમ રાખીશું નહીં. અમે ઈરાનના આક્રમક વ્યવહારને પડકારવા માટે અને તેમને જવાબદાર ઠેરવવા માટે અમારા સહયોગીઓ સાથે કામ કરવાનું શરૂ રાખીશું.”

    ‘સ્વરક્ષાના ઇઝરાયેલના અધિકારની સાથે છીએ’- ટ્રમ્પ

    બીજી તરફ આ ઘટનાની જાણ થયા બાદ તરત જ અમેરિકા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donal Trump) પણ નિવેદન જારી કર્યું હતું અને ઇઝરાયેલની સાથે હોવાનું કહ્યું હતું. તેમણે અમેરિકાની તાજેતરની સરકારને આ માટે જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું હતું કે, જો બાયડન અને કમલા હેરિસ પાસે યોગ્ય નેતૃત્વની ઉણપ દેખાઈ આવે છે. તે બંનેમાંથી કોઈને કશું જ ખબર નથી અને તેમને એ પણ ખ્યાલ નથી કે, દુનિયામાં શું થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે તેઓ રાષ્ટ્રપતિ હતા, ત્યારે ઈરાન સંપૂર્ણપણે નિયંત્રણમાં હતું. તેઓ નાણાં માટે ભીખ માંગતા હતા અને સંપૂર્ણપણે નિયંત્રણમાં હતા તથા અમેરિકા સાથે કરાર કરવા માટે ઘણા વલખાં પણ મારતા હતા.”

    તેમણે આરોપ લગાવ્યો કે, કમલા હેરિસે ઈરાનને નાણાંથી ભરી દીધું હતું અને ત્યારથી તેણે આખા વિશ્વમાં આતંકવાદનો ફેલાવો શરૂ કરી દીધો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ સત્તા પર હતા, ત્યારે મધ્ય-પૂર્વમાં કોઈ યુદ્ધ નહોતું, યુરોપમાં પણ કોઈ યુદ્ધ નહોતું અને એશિયામાં પણ સદભાવના હતી. તે સમયે અફઘાનિસ્તાનનું સંકટ પણ નહોતું. આ બધા વિવાદો સિવાય વિશ્વભરમાં માત્ર શાંતિ હતી. તેમણે કહ્યું કે, અત્યારે દરેક જગ્યા પર યુદ્ધ છે અથવા તો યુદ્ધનું જોખમ છે. તેમણે બાયડન અને કમલા તરફ ઈશારો કરતાં કહ્યું હતું કે, આ બંને અક્ષમ લોકો દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધની અણી પર લઈ જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ઈરાન તો ઈચ્છે જ છે કે, કમલા રાષ્ટ્રપતિ બને. તેનાથી તેને ફાયદો જ છે.

    બ્રિટનના પૂર્વ PM પણ ઇઝરાયેલની પડખે

    આ ઉપરાંત બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકનું (Rishi Sunak) પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે ઇઝરાયેલ પર હુમલાને ગંભીર બાબત ગણાવી હતી. આ સાથે જ તેમણે ઇઝરાયેલનું સમર્થન પણ કર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે પોસ્ટ કરીને આ અંગેનું નિવેદન આપ્યું હતું. તેમણે લખ્યું કે, “આજે ઈરાન દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવેલો હુમલો, તે બાબતની યાદ અપાવે છે કે, ઇઝરાયેલ પર અસ્તિત્વનું જોખમ મંડરાઈ રહ્યું છે. અમે લેબનાનમાં હિઝબુલ્લાહની વિરુદ્ધ છીએ અને પોતાની રક્ષા કરવાના ઇઝરાયેલના અધિકારની સાથે ઊભા છીએ.”

    આ સિવાય પણ વિશ્વના અનેક નેતાઓએ ઈરાનની આ કાર્યવાહીને અયોગ્ય ગણાવીને તેને વખોડી છે તથા પોતે દરેક રીતે ઇઝરાયલ સાથે છે તેવી બાંહેધરી આપી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં