Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયા'ઈરાને બહુ મોટી ભૂલ કરી નાખી… હવે સમય અને જગ્યા અમે નક્કી...

    ‘ઈરાને બહુ મોટી ભૂલ કરી નાખી… હવે સમય અને જગ્યા અમે નક્કી કરીશું’: ઇસ્લામિક રાષ્ટ્રના મિસાઈલ હુમલા બાદ લાલઘૂમ થયું ઇઝરાયેલ, પીએમ નેતન્યાહુએ કહ્યું- પરિણામ ભોગવવા રહો તૈયાર

    ઈરાને ઇઝરાયેલ પર ભીષણ એટેક કર્યો. તેણે ઇઝરાયેલ પર 200 જેટલી બેલેસ્ટિક મિસાઈલો છોડી હોવાનું સામે આવ્યું છે. આ હુમલાથી ઇઝરાયેલ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુએ ઈરાનને તેનું પરિણામ ભોગવવાની રીતસરની ધમકી આપી દીધી છે.

    - Advertisement -

    મંગળવારે રાત્રે ઈરાને ઇઝરાયેલ પર ભીષણ રોકેટ હુમલો (Iran fired missiles at Israel) કર્યો. તેણે ઇઝરાયેલ પર 200 જેટલી બેલેસ્ટિક મિસાઈલો છોડી હોવાનું સામે આવ્યું છે. આ હુમલાથી ઇઝરાયેલ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુએ (Prime Minister Benjamin Netanyahu) ઈરાનને તેનું પરિણામ ભોગવવાની રીતસરની ધમકી આપી દીધી છે. હાલ આખા વિશ્વની નજર આ બંને દેશો પર છે. કારણકે ઇઝરાયેલના પીએમએ કહ્યું છે કે ઈરાને બહુ મોટી ભૂલ કરી છે અને તેને તેની કિંમત ચૂકવવી જ પડશે. IDF પણ આ હુમલા બાદ રાતું ચોળ જોવા મળી રહ્યું છે અને કહ્યું છે કે સમય અને જગ્યા અને નક્કી કરીશું, ઈરાન તૈયાર રહે.

    IDFએ જાહેર કર્યો વિડીયો

    ઇઝરાયેલની સેનાએ (Israel) ઈરાન દ્વારા કરવામાં આવેલા રોકેટ હુમલાનો એક વિડીયો પણ શેર કર્યો છે. IDFના સત્તાવાર X હેન્ડલ પરથી 1 ઓકટોબર 2024ના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 10:54 વાગ્યે એક વિડીયો મુકવામાં આવ્યો હતો. તેમાં લખવામાં આવ્યું હતું કે, “જુઓ કેવી રીતે ઈરાન જૂના જેરુસલેમ (Jerusalem) શહેર પર રોકેટ વરસાવી રહ્યું છે, જે મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને યહુદીઓ માટે પવિત્ર સ્થળ છે. આજ ઈરાનનો ટાર્ગેટ છે.”

    આ વિડીયોમાં જોઈ શકાય છે કે, કાળા ડિબાંગ આકાશમાં અગનગોળાની જેમ ધધકતી મિસાઈલો ઇઝરાયેલની ધરતી તરફ આગળ વધી રહી છે. જે વ્યક્તિ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો છે, ત્યાં આસપાસના લોકના અવાજમાં ચિંતા અને ડર સ્પષ્ટ સમજાઈ રહ્યા છે.

    - Advertisement -

    વડાપ્રધાન નેત્ન્યાહુએ આપી આકરી પ્રતિક્રિયા

    ઈરાને કરેલા હુમલા બાદ વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ ખૂબ જ ક્રોધમાં જોવા મળ્યા. તેમણે હુમલા બાદ આપેલા એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ઈરાને રોકેટમારો કરીને બહુ મોટી ભૂલ કરી દીધી છે. હુમલા બાદ ઇઝરાયેલ દ્વારા જેરુસલેમમાં જ સુરક્ષા કેબીનેટની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું કે ઈરાને આની કિંમત ચૂકવવી જ પડશે. સાથે જ તેમણે ઈરાનના આ હુમલાની નિષ્ફળ ગણાવ્યો હતો. બીજી તરફ તેમણે અમેરિકાનો (America) પણ આભાર માન્યો કે તેમની વાયુ સુરક્ષા પ્રણાલીથી ઈરાની હુમલાને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી.

    આ પરિષદમાં તેમણે કહ્યું કે, “ઈરાને એક બહુ જ મોટી ભૂલ કરી દીધી છે અને તેને તેની કિંમત ચૂકવવી જ પડશે. તેઓ અમારા પોતાની સુરક્ષા અને દુશ્મનો પાસેથી નુકસાનનો બદલો લેવાના સંકલ્પને કદાચ નથી સમજી રહ્યા. સિનવાર અને ડેફ તેને સમજવામાં નિષ્ફળ ગયા, નસરલ્લાહ અને મોહસેન પણ તેને ન સમજી શક્યા. તેહરાન પણ તેને નથી સમજી રહ્યું. તેમને સમજવું જ પડશે, અમે અમારા નિયત કરેલા દૃઢ સંકલ્પ પર અડગ રહીશું. જે પણ અમારા પર હુમલો કરશે… અમે પણ તેમના પર હુમલો કરીશું.”

    IDFએ આપ્યું ચેતવણી ભર્યું નિવેદન

    આ હુમલા બાદ IDFનું લોહી પણ ઉકલી ઉઠ્યું છે. હુમલા બાદ તેમણે એક સત્તાવર નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં IDFએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ઈરાનને કોઈ કાળે નહીં બક્ષે. આ હુમલાનો ભીષણ બદલો આપવા IDF તૈયાર છે. સેનાએ ત્યાં સુધી કહી દીધું કે જવાબ તો મળશે જ, પરંતુ તેના માટે સમય અને જગ્યા અમે નક્કી કરીશું. આ મામલે IDFના પ્રવક્તા ડેનીયેલ હેગરીએ એક વિડીયો જાહેર કર્યો છે.

    વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે, “ઈરાનનો હુમલો જેટલો ગંભીર અને ખતરનાક હતો, તેનું પરિણામ પણ તેવું જ રહેવાનું છે. ઇઝરાયેલ સરકારના નિર્દેશ અનુસાર અમે જ્યાં પણ, જયારે પણ નક્કી કરીશું ત્યારે આનો જવાબ આપીશું.” મહત્વનું છે કે આ નિવેદન બાદ એક વાત સ્પષ્ટ છે કે ઇઝરાયેલ આ હુમલાથી શાંત નથી બેસવાનું અને તે જવાબી કાર્યવાહી ચોક્કસ કરશે. ભૂતકાળમાં તેના દ્વારા કરવામાં આવેલા હુમલાઓ અને ઓપરેશનો બાદ આ બદલો કેટલો ભીષણ હશે તેનો અંદાજો લગાવવો અઘરો છે.

    શું રહી ઇઝરાયેલના વિપક્ષની પ્રતિક્રિયા?

    આ હુમલા બાદ ત્યાના વિપક્ષના નેતા અને પૂર્વ વડાપ્રધાન નફ્તાલી બેનેટે (Naftali Bennett) પણ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ હુમલાની નિંદા કરીને તેને કાર્યવાહીનો મોકો ગણાવ્યો છે. તેમણે પોતાના સત્તાવાર X હેન્ડલ પરથી પોસ્ટ કરીને કહ્યું કે, “ઇઝરાયેલ પાસે હવે મધ્ય-પૂર્વની સુરત બદલવાનો 50 વર્ષોમાં મળેલો આ પહેલો મોટો મોકી છે. ઈરાનના નેતૃત્વએ આજે એક ભયંકર મોટી ભૂલ કરી નાખી છે. આપણે ઈરાનના પરમાણું પ્રોગ્રામ, તેની સેન્ટ્રલ એનર્જી ફેસેલીટી, અને આતંકવાદી શાસનને ખતમ કરવા માટે અત્યારે જ કાર્યવાહી કરવી જોઈએ.”

    તેમણે આજ પોસ્ટમાં આગળ જણાવ્યું કે, “આપણે ઈરાની લોકોને આગળ આવીને તેમની મહિલાઓ અને બેટીઓ પર અત્યાચાર કરતા શાસનને ખતમ કરવાનો અવસર આપી શકીએ તેમ છીએ. આપણે જયારે હિઝબુલ્લાહ અને હમાસને લકવાગ્રસ્ત કરી દીધું છે તેવામાં ઈરાન છતું થઈ ગયું છે. ગત કેટલાક વર્ષોમાં ઈરાની ખેમાંમાંથી આપણા પરિવારોની હત્યાઓ કરવામાં આવી છે. આપણી દીકરીઓના બળાત્કાર કર્યા, બાળકોના અપહરણ કર્યા, આપણી ખેતીઓ નષ્ટ કરી, શહેરોમાં લૂંટ ચલાવી, ગોળીઓ વરસાવી…અપમાનિત કર્યા. હવે સમય આવી ગયો છે, જે મોકાએ દરવાજે દસ્તક દીધી છે, તેને ઝડપી લેવો જોઈએ. આ અવસર ન ખોવો જોઈએ.”

    ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ઇઝરાયેલ ગાઝામાં હમાસ સાથે અને લેબનાનમાં હિઝબુલ્લાહ સાથે ભીષણ યુદ્ધ કરી રહ્યું છે. બીજી તરફ ઈરાન આ બંને આતંકવાદી સંગઠનોને સમર્થન આપી રહ્યું હતું. ત્યારે હવે આ બધા વચ્ચે ઈરાન અને ઇઝરાયેલ સામસામે આવી ગયા છે. આખું વિશ્વ અત્યારે આ બંને ઉપર નજર રાખીને બેઠું છે. મધ્ય-પૂર્વમાં હાલ અજંપાભરી શાંતિ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં