ઉત્તર પ્રદેશ પોલીસની (UP Police) એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ પ્રયાગરાજ મહાકુંભમાં (Paraygraj Mahakumbh) નકલી નોટો (Fake Currency) ફરતી કરવાના ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો છે. મોહમ્મદ સુલેમાન અંસારી અને ઇદરીશની ધરપકડ બાદ આ ખુલાસો થયો છે. 19 નવેમ્બર, 2024ના રોજ વારાણસીના સારનાથથી, ₹1.97 લાખની નકલી નોટો સાથે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
હાલ બંને આરોપીઓના સહયોગી ઝાકિરની શોધ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. તે આ રેકેટનો કિંગપિન હોવાનું કહેવાય છે. સુલેમાન અને ઇદરીશને ઝાકિર જ નકલી નોટો આપી રહ્યો હતો. ત્યારબાદ બંને તે નોટોને ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લામાં સપ્લાય કરતા હતા. ઝાકિર પશ્ચિમ બંગાળના માલદાનો રહેવાસી છે. પૂછપરછ દરમિયાન તે બાંગ્લાદેશમાંથી નકલી ભારતીય ચલણની સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું હતું.
સુલેમાન અને ઇદરીશ બિહારના વૈશાલી જિલ્લાના રહેવાસી છે. સુલેમાન માલદામાં પંચર બનાવતો હતો. આ દરમિયાન તે ઝાકિરના સંપર્કમાં આવ્યો હતો. આ પહેલાં સુલેમાન પણ એક વખત બિહાર પોલીસના હાથે ₹2 લાખની નકલી નોટો સાથે ઝડપાયો હતો. આ પછી, તે લગભગ 6 મહિના સુધી હાજીપુર જેલમાં બંધ રહ્યો હતો.
સુલેમાન અને ઇદરીશની ધરપકડ બાદ ATS ઈન્સ્પેક્ટર ભારત ભૂષણ તિવારીએ સારનાથ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો. તેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. FIR અનુસાર, ATSને ઘણા સમયથી ઉત્તર પ્રદેશમાં નકલી નોટોની તસ્કરી વિશેની માહિતી મળી રહી હતી. તેમાં માલદાના ઝાકિર અને વૈશાલીના મોહમ્મદ સુલેમાનની સંડોવણી હોવાની પણ માહિતી મળી હતી.
પશ્ચિમ બંગાળથી કન્સાઈનમેન્ટ લઈને આવ્યા વારાણસી
19 નવેમ્બરના રોજ ATSને માહિતી મળી હતી કે, પશ્ચિમ બંગાળથી નકલી નોટોના કન્સાઈનમેન્ટ લઈને કેટલાક લોકો ટ્રેનમાંથી વારાણસીમાં ઉતર્યા હતા. દરમિયાન પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ કરતી વખતે ફરીદપુર બાયપાસ પર બે લોકો બેગ લઈને ઉભેલા જોવા મળ્યા હતા. પોલીસને જોતા જ બંને ભાગવા લાગ્યા હતા. પરંતુ પોલીસે તેમને ઝડપી લીધા હતા.
પકડાયા બાદ પૂછપરછ દરમિયાન એક વ્યક્તિએ તેનું નામ મોહમ્મદ સુલેમાન અંસારી (67) હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી મોબાઈલ ફોન, પાન કાર્ડ, રોકડ અને રેલવે ટિકિટ મળી આવી હતી. બીજાએ પોતાનું નામ ઇદરીશ જણાવ્યું હતું. તેની પાસેથી રેલવે ટિકિટ અને મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો.
પ્રયાગરાજ મહાકુંભમાં વટાવવાના હતા નકલી નોટો
તપાસ દરમિયાન તેમની પાસેથી ₹500ની નકલી નોટોના બંડલ મળી આવ્યા હતા. બંનેએ જણાવ્યું હતું કે, તેઓ 2 દિવસ પહેલાં વૈશાલીથી માલદા ગયા હતા. અહીં જ ઝાકિરે તેમને લગભગ બે લાખની નકલી નોટો આપી હતી. જણાવ્યા અનુસાર, ₹30 હજારની અસલી નોટોને બદલે તેમને ₹1 લાખની નકલી નોટો મળતી હતી.
પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું કે, નકલી નોટો મળ્યા બાદ તેઓ પશ્ચિમ બંગાળથી અલગ-અલગ વાહનોમાં પરત ફર્યા હતા. આરોપીઓ આ નોટો વારાણસીમાં વટાવવાના હતા. આ પછી જે પણ નોટો બચત તે બંને આવતા વર્ષે જાન્યુઆરીમાં પ્રયાગરાજ મહાકુંભમાં વટાવવાના હતા. તેમની ધરપકડ પહેલાં બંનેએ રસ્તામાં ચા અને અન્ય નાની ખરીદી માટે નકલી નોટોનો ઉપયોગ કર્યો હતો.