Wednesday, December 4, 2024
More
    હોમપેજગુજરાત‘પત્રકાર’ મહેશ લાંગાની વધુ એક જામીન અરજી ફગાવાઈ: રાજકારણથી પ્રેરિત કેસમાં ફસાવાયો...

    ‘પત્રકાર’ મહેશ લાંગાની વધુ એક જામીન અરજી ફગાવાઈ: રાજકારણથી પ્રેરિત કેસમાં ફસાવાયો હોવાની દલીલ પણ ન આવી કામ, કોર્ટે કહ્યું- ગુનો ગંભીર

    લાંગાએ પોતાની દલીલોને સમર્થન આપવા માટે કુલ 11 કેસ ટાંક્યા હતા, જેમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના કેસો પણ સામેલ છે. 

    - Advertisement -

    GST ફ્રોડ કેસમાં ધરપકડ બાદ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’ના ‘પત્રકાર’ મહેશ લાંગાની (Mahesh Langa) વધુ એક જામીન અરજી (Bail) કોર્ટે નામંજૂર કરી દીધી છે. તેણે અમદાવાદની સેશન્સ કોર્ટમાં અરજી કરીને જામીન માગ્યા હતા, પરંતુ કોર્ટે ગુનાની ગંભીરતા જોતાં અરજી ફગાવી દીધી છે. 

    શનિવારે (16 નવેમ્બર) આ આદેશ આપવામાં આવ્યો. જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

    કોર્ટ સમક્ષ અરજી કરીને લાંગાએ દાવો કર્યો હતો કે, FIRમાં લગાવવામાં આવેલા આરોપો પ્રથમ દ્રષ્ટ્યા કોઈ ગુનો સાબિત કરી શકતા નથી કે તેનાથી તેની સામે કોઈ કેસ પણ બનતો નથી. સાથે એવી પણ દલીલ કરવામાં આવી કે તપાસ બાદ FIR કરવામાં 17 મહિના જેટલો સમય લાગી ગયો હતો. અરજીમાં કહેવામાં આવ્યું કે, તે DA એન્ટરપ્રાઇઝ નામની ફર્જી કંપની સાથે ક્યાંય સંલગ્ન નથી. 

    - Advertisement -

    મહેશ લાંગાએ અરજીમાં દલીલ કરી હતી કે, FIR દસ્તાવેજી પુરાવાઓના આધારે દાખલ કરવામાં આવી છે અને જે તમામ પહેલેથી જ તપાસ કરતી પોલીસ પાસે ઉપલબ્ધ છે. જેથી હવે તેની કસ્ટડીની કોઈ જરૂર જણાતી નથી. 

    પોલીસને તપાસ દરમિયાન મહેશ લાંગાના ઘરેથી ₹20 લાખ રોકડા મળી આવ્યા હતા. જેનો ઉલ્લેખ કરતાં તેણે અરજીમાં દલીલ આપી હતી કે અમુક રકમ મળી આવે તેટલા માત્રથી વ્યક્તિને આરોપો સાથે જોડી શકાય નહીં.

    તેણે અરજીમાં આ કેસ ‘પોલિટિકલી મોટિવેટેડ’ હોવાના પણ આરોપ લગાવ્યા અને કહ્યું કે, આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે, જેથી તે સળિયા પાછળ રહે અને ‘પત્રકારત્વ’ ન કરી શકે. કોર્ટ સમક્ષ એવી પણ દલીલ કરવામાં આવી કે ધરપકડ માત્ર અટકળો અને અનુમાનોના આધારે કરવામાં આવી છે અને પ્રથમ દ્રષ્ટિએ તેની સામે કોઈ કેસ બનતો નથી. 

    મહેશ લાંગાની અરજીમાં FIR પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે, ગુનો કથિત રીતે ફેબ્રુઆરી, 2023થી મે, 2023 દરમ્યાન બન્યો હોવાનું કહેવામાં આવે છે, પણ હવે ભારતીય ન્યાય સંહિતા અને નાગરિક સુરક્ષા સંહિતા લાગુ છે. જેથી રદ કરી દેવામાં આવેલા કાયદા હેઠળ FIR નોંધી શકાય નહીં. અરજીમાં FIRને ગેરકાયદેસર પણ ગણાવી દેવામાં આવી છે. સાથે પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો કે તેમણે પૂરતી પ્રાથમિક તપાસ વગર FIR દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી હતી. 

    લાંગાએ વકીલ મારફતે કોર્ટને જણાવ્યું હતું કે, જેટલી રકમના ઇનપુટ ટેક્સ ક્રેડિટનું ફ્રોડ થયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તેટલી રકમ પણ તે જમા કરવા માટે તૈયાર છે. તેમજ પોતે અમદાવાદનો જ કાયમી રહેવાસી હોઈ મુક્ત કરવામાં આવે તોપણ ક્યાંય બહાર ભાગી જાય તેમ નથી તેવી પણ દલીલ કરવામાં આવી હતી. 

    લાંગાએ પોતાની દલીલોને સમર્થન આપવા માટે કુલ 11 કેસ ટાંક્યા હતા, જેમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના કેસો પણ સામેલ છે. 

    બીજી તરફ, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે કોર્ટને જણાવ્યું હતું કે, DA એન્ટરપ્રાઇઝ ફર્મ મનોજ લાંગા અને કવિતા મહેશ લાંગાના નામે હતી અને તેનું સંચાલન મહેશ જ કરતો હતો. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે, આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને ગુનાહિત કાવતરું રચીને ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને GST નંબર મેળવીને ધ્રુવી એન્ટરપ્રાઇઝ સાથે મળીને ₹43,35,949ના નાણાકીય વ્યવહારો કર્યા હતા અને GST ક્રેડિટ મેળવ્યું હતું. આમ આરોપીઓએ મળીને બોગસ ફર્મ બનાવીને, ખોટાં બિલો રજૂ કરીને જે કૌભાંડ કર્યું તેના કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન થયું હતું. 

    સરકારી વકીલે એમ પણ દલીલ આપી હતી કે, હાલ તપાસ ચાલી રહી છે અને અરજદારને જામીન પર મુક્ત કરવામાં આવે તો શક્યતા છે કે તે પુરાવાઓ સાથે ચેડાં કરશે. તેમજ અન્ય અમુક આરોપીઓ પકડાવાના બાકી છે, તેમને પણ તે ભાગવામાં મદદ કરી શકે છે. 

    કોર્ટે શું કહ્યું?

    બંને પક્ષોએ દલીલ સાંભળ્યા બાદ કોર્ટે ઠેરવ્યું કે, “અમે કેસ પેપર્સ તપાસ્યાં છે અને એ બાબત સામે આવી છે કે અરજદાર DA એન્ટરપ્રાઇઝનું સંચાલન કરતા હતા. આજના સમયમાં વ્હાઈટ કોલર ક્રાઈમનું પ્રમાણ વધી રહ્યું છે. સુપ્રીમ કોર્ટનો એક આદેશ ટાંકતાં કોર્ટે કહ્યું કે, પાકાપાયે ષડ્યંત્ર રચીને કરવામાં આવતા આ પ્રકારના આર્થિક ગુનાઓ જાહેર ભંડોળને મોટું નુકસાન પહોંચાડે છે અને તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. તે દેશની અર્થવ્યવસ્થાને તો નુકસાન પહોંચાડે જ છે, પણ દેશના આર્થિક સ્વાસ્થ્ય માટે પણ એટલું જ જોખમી છે. 

    આદેશમાં કહેવામાં આવ્યું કે, “કોર્ટ માને છે કે અરજદાર સામે જે આરોપ છે તે ગંભીર છે. GST ફ્રોડ એ સીધી રીતે દેશની અર્થવ્યવસ્થાને અસર કરે છે. જેથી તેમને જામીન આપી શકાય નહીં. જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે.”

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટ પણ મહેશ લાંગાની જામીન અરજી ફગાવી ચૂકી છે. આ સિવાય તેની સામે અન્ય 2 FIR દાખલ કરવામાં આવી છે. જેમાંથી એક ગાંધીનગરમાં નોંધાઈ છે, જેમાં આરોપ છે કે તેણે ગુજરાત મેરીટાઇમ બોર્ડના અમુક સંવેદનશીલ દસ્તાવેજો અધિકારીઓ મારફતે અન્યો સુધી પહોંચાડ્યા હતા અને બીજી એક FIRમાં તેની સામે એક વેપારી સાથે ₹28 લાખની છેતરપિંડી કરવાનો આરોપ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં