હોમપેજદુનિયાચીનને કેમ ખટકે છે ભારતનો ‘ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’: સોનિયા ગાંધી અને રાહુલ...

ચીનને કેમ ખટકે છે ભારતનો ‘ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’: સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કેમ કરી રહ્યાં છે આટલો વિરોધ?

ભારત સરકારના જે પ્રોજેક્ટથી ચીનને પણ જોખમ, તેનો વિરોધ કરી રહ્યાં છે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ.

- Advertisement -

2003ની વાત છે. ચીનના તત્કાલીન રાષ્ટ્રપતિ હુ જિન્તાઓએ ચીની નેતૃત્વ સમક્ષ કરેલા એક ભાષણમાં ‘મલાક્કા ડાઇલેમા’નો ઉલ્લેખ કર્યો હતો. ગુજરાતી કરીએ તો ‘મલાક્કાની દ્વિધા’ એવું કશુંક કરી શકાય. રાષ્ટ્રપતિએ કોઇન કરેલા આ શબ્દસમૂહનો અર્થ એ થાય કે ચીન એક એવા સમુદ્રીમાર્ગ પર નિર્ભર છે જેની ઉપર તેનું સીધું કોઈ નિયંત્રણ નથી અને સરળતાથી તેને અવગણી શકે એમ પણ નથી.

‘મલાક્કા સ્ટ્રેટ’ એ વૈશ્વિક વ્યાપાર માટેનો એક અતિઅગત્યનો સમુદ્રીમાર્ગ છે, જે હિન્દ મહાસાગરને દક્ષિણ ચીન સાગર સાથે જોડે છે. તે મલેશિયા, સિંગાપોર અને ઇન્ડોનેશિયા વચ્ચેથી પસાર થાય છે. નકશામાં જોશો એટલે વધુ સ્પષ્ટતા સાથે સમજાશે. આ એશિયા, યુરોપ અને મધ્ય-પૂર્વ વચ્ચે વ્યાપારનો મુખ્ય માર્ગ છે અને ખાસ કરીને તેલ અને ગેસની સપ્લાય અહીંથી થાય છે. ચીનનું મોટાભાગનું ઓઇલ અને મોટાભાગનો વ્યાપાર આ માર્ગે થાય છે.

2025ની સ્થિતિએ ચીનના ઓઇલ ઈમ્પોર્ટનો 80% કરતાં વધારે હિસ્સો, જે લગભગ 312 બિલિયન ડોલર પ્રતિ વર્ષ છે, સ્ટ્રેટ ઑફ માલક્કા મારફતે આવે છે. લગભગ 3.5 ટ્રિલિયન ડોલરનો વૈશ્વિક વ્યાપાર કે ચીનની બે તૃત્યાંશ સમુદ્રી યાતાયાત દર વર્ષે આ જળમાર્ગે થાય છે. ચીન દરરોજ લગભગ 15 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરે છે અને તેમાંથી પાઇપલાઇન મારફતે માત્ર 3.7 મિલિયન બેરલ પહોંચાડવામાં આવે છે. ટૂંકમાં ચીનનું આર્થિક મશીન એક એવા બોટલનેક પર આધારિત છે, જ્યાં તેનું નિયંત્રણ નથી.

- Advertisement -

હવે ભારતની સ્થિતિ પર આવીએ. ભારતના અંદામાન-નિકોબાર ટાપુઓ આ મલાક્કા સ્ટ્રેટની એકદમ નજીક છે. લગભગ 700 કિલોમીટરમાં ફેલાયેલા આ દ્વીપસમૂહો મલાક્કાના પ્રવેશદ્વાર પર એક પ્રાકૃતિક એરક્રાફ્ટ કેરિયરનું કામ કરે છે, જે ભારતને ભૂગોળ દ્વારા ભેટમાં મળ્યા છે.

આ દ્વીપસમૂહના દક્ષિણ છેડે છે ગ્રેટ નિકોબાર દ્વીપ, જે સિંગાપોર, પોર્ટ ક્લાંગ અને કોલંબોથી લગભગ સમાન અંતરે સ્થિત છે. આ દ્વીપના આસપાસના સમુદ્રીમાર્ગેથી ચીનનો લગભગ 60% વ્યાપાર થાય છે. એટલે ભવિષ્યમાં ક્યારેક ટકરાવની સ્થિતિમાં આ રસ્તા પર નિયંત્રણ ભારત માટે માત્ર વાતચીતનો મુદ્દો ન રહેતાં એક મોટું રણનીતિક હથિયાર સાબિત થઈ શકે.

મોદી સરકાર આ વાત બહુ સારી પેઠે સમજે છે અને એટલે આ દ્વીનો ભૌગોલિક લાભ માટે ઉપયોગ કરવાની દિશામાં આગળ વધી રહી છે. પણ દેશમાંથી જ એક રાજકીય વર્ગ તેનો વિરોધ કરી રહ્યો છે. તેની ચર્ચા કરીએ એ પહેલાં ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ વિશે થોડું.

શું છે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ?

NITI આયોગે તૈયાર કરેલા આ લગભગ ₹81,000 કરોડના પ્રોજેક્ટને 2021માં મોદી સરકારે મંજૂરી આપી હતી. તાજેતરમાં જ NGT– નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ મંજૂરી આપી દીધી. પ્રોજેક્ટનો હેતુ સ્પષ્ટ છે– ગ્રેટ નિકોબાર દ્વીપ, જે હાલ આમ જ પડી રહ્યો છે, તેને ભારતનું એક મોટું આર્થિક અને રણનીતિક હબ બનાવવું.

પ્રોજેક્ટના મુખ્ય ચાર હિસ્સા છે.

–ગેલેથા બેમાં એક મોટું ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ બનાવાશે. 2028 સુધીમાં 4 મિલિયન TEU અને 2058 સુધુમાં 16 મિલિયન TEU ક્ષમતાનું લક્ષ્યાંક છે.

–એક ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવશે, જે યાતાયાત સરળ કરી આપે.

–450 મેગાવૉટના એક પાવરપ્લાન્ટની સુવિધા હશે, જે ટાપુ પર વસાવવામાં આવનાર નગરને વીજળી પૂરી પાડશે.

–અંદામાન-નિકોબારમાં સૈન્યની સ્થિતિ મજબૂત કરવામાં આવશે.

આ પ્રોજેક્ટનો આર્થિક લાભ પણ મોટો છે.

હાલ ભારતની એક સમસ્યા એ છે કે તેની ટ્રાન્સશિપમેન્ટ બીજા દેશો દ્વારા થાય છે. સામાન્ય રીતે વૈશ્વિક વ્યાપારમાં સિસ્ટમ એ છે કે મોટાં જહાજો એક બંદરે ઉતરે છે અને તેમાંથી નાનાં જહાજો મારફતે આસપાસના દેશોને સામાન પહોંચાડાય છે. ભારતનું લગભગ 40% કામ કોલંબો કરે છે. 25% કાર્ગો વિદેશી બંદરોએથી આવે છે. ભારતને બદલે કોલંબો જતા દરેક કન્ટેનર પર ભારતને આર્થિક નુકસાન થાય, રણનીતિક તો ખરું જ.

આ પ્રોજેક્ટ અંતર્ગત જો પોર્ટ બને તો આ નિર્ભરતાનો કાયમી અંત આવી જાય એમ છે અને ભારત દુનિયાના સૌથી વ્યસ્ત સમુદ્રીમાર્ગનો મજબૂત ખેલાડી બની શકે એમ છે.

ચીનની સ્ટ્રિંગ ઑફ પર્લ્સ સ્ટ્રેટેજી

સ્ટ્રેટેજી ચીન છેલ્લાં 20 વર્ષથી અમલમાં મૂકી રહ્યું છે, જેના ભાગરૂપે ચીને પાછલા બે દાયકામાં અનેક બંદરો અને સૈન્ય ઠેકાણાં ઊભાં કર્યાં છે. પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ, શ્રીલંકાનું હંબનટોટા, મ્યાનમાર અને માલદીવમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે તેનાં ઉદાહરણો છે. હેતુ એ છે કે ભારતને ફરતેથી ઘેરવું, તેની ગતિવિધિઓ પર નજર રાખવી અને પોતાના વ્યાપારિક રસ્તાઓ સુરક્ષિત કરવા.

જોકે ભારત પણ ચૂપ બેઠું નથી અને ‘નેકલેસ ઑફ ડાયમંડ્સ’ રણનીતિ અમલમાં મૂકી છે. જેમાં ઓમાન અને ઈન્ડોનેશિયામાં પોર્ટ ઍક્સેસ, ક્વાડ દેશો સાથે સહયોગમાં વધારો, આંદામાનમાં સૈન્ય શક્તિમાં વધારો વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ ભારતની આ રણનીતિનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે ગ્રેટ નિકોબાર.

નિકોબારમાં જો એક મજબૂત મિલિટરી અને કમર્શિયલ બેઝ તૈયાર થાય તો સ્ટ્રેટ ઑફ મલાક્કાના પ્રવેશદ્વાર પર જ ભારત કાયમી સ્થાન જમાવી લે અને દુનિયાના સૌથી અગત્યના સમુદ્રીમાર્ગ પર સીધું નિયંત્રણ રાખી શકે. આ આજના સમયમાં કેટલું જરૂરી છે એ હમણાં ઈરાનના તાજા ઉદાહરણ પરથી વધુ સમજાવવાની જરૂર ન રહે.

સ્ટ્રેટ ઑફ હોર્મુઝનું ઉદાહરણ આંખ સામે છે

ઇઝરાયેલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કરી દીધો તો ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝનો હથિયારની જેમ ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું. ત્યાંથી પસાર થતાં જહાજો પર હુમલા કર્યા અને તેના કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલનું માર્કેટ ખોરવાયું. તેલની કિંમતો ઉપર-નીચે થઈ. શિપિંગ કંપનીઓ પીછેહઠ કરવા માંડી. અનેક દેશો પ્રભાવિત થયા. ઈરાને પસાર થતાં દરેક જહાજ પર હુમલા પણ ન કર્યા, માત્ર ડરનો માહોલ પેદા કર્યો અને દુનિયા ઉપર-નીચે થઈ ગઈ.

પરંતુ ભારતના વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને તેમનાં માતા સોનિયા ગાંધી અને તેમની સાથે આખી કોંગ્રેસ પાર્ટી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યાં છે. રાહુલ ગાંધી હમણાં ગ્રેટ નિકોબાર પહોંચ્યા અને ત્યાંથી વિડીયો બનાવીને સંદેશ આપ્યો કે આ પ્રોજેક્ટ તો એક ‘સ્કેમ’ છે અને પ્રાકૃતિક અને જનજાતિય વારસાનું નિકંદન કાઢી નાખશે. તે પહેલાં સોનિયા ગાંધીએ એક લેખ લખીને પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો અને તેને પર્યાવરણ માટે જોખમ ગણાવ્યો હતો.

અહીં સમજવાની વાત એ છે કે વિરોધ કરનારા આ નેતાઓ સીધા પ્રોજેક્ટ રોકવાની જ વાત કરી રહ્યા છે. કોઈ વિકલ્પ આપવાની વાત કરતું નથી. સૈન્ય અને રણનીતિક મહત્ત્વ સદંતર અવગણવામાં આવી રહ્યું છે. સરકાર કહી રહી છે કે આ પ્રોજેક્ટથી માત્ર 10% ક્ષેત્ર પ્રભાવિત થશે અને જે જનજાતીય સમુદાયો ત્યાં વસવાટ કરી રહ્યા છે તેમના પુનઃસ્થાપન માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે. NGT પણ મંજૂરી આપતી વખતે આ તથ્યની નોંધ કરી ચૂક્યું છે.

આખી એક ગ્લોબલ ઇકોસિસ્ટમ પ્રોજેક્ટના વિરોધમાં

આ વિરોધ માત્ર કોંગ્રેસ કરી રહી નથી. એક આખી ઇકોસિસ્ટમ તેની પાછળ છે. જેમાં સામેલ છે અમુક આંતરરાષ્ટ્રીય NGO. આ વૈશ્વિક એક્ટિવિઝમની ચર્ચા એટલા માટે જરૂરી છે કારણ કે તમામ વારંવાર એક જેવી જ વાતો કહી રહ્યા છે અને અમુક વાતો જાણીજોઈને અવગણી રહ્યા છે.  આમાં આગળ પડતું છે લંડનનું સર્વાઇવલ ઇન્ટરનેશનલ. આ સંગઠને 2025ના પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું કે ભારત એક જનજાતિની બલિ આપીને નવું હોંગકોંગ તૈયાર કરવા માગે છે.

આ રિપોર્ટને ફોરેન મીડિયામાં સારું એવું કવરેજ મળ્યું. ભારતના નિર્ણયને ‘નરસંહાર’ ગણાવી દેવાયો અને તરત પડતો મૂકવો જોઈએ એવી માંગ થવા માંડી. ત્યારબાદ 39 આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ફૂટી નીકળ્યા, જેમણે એક ખુલ્લો પત્ર લખ્યો અને પ્રોજેક્ટને જનજાતીય સમુદાય માટે મૃત્યુદંડ સમાન ગણાવ્યો. તેની શબ્દપસંદગી પર પણ ધ્યાન આપવા જેવું છે.

પણ અહીં બીજો એક પ્રશ્ન એ ઉઠે છે કે આવાં કેમ્પેઈન ચીનના તિબેટ કે શિનજિયાંગ કે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટીવ વિરુદ્ધ કેમ ચાલ્યાં નથી? આ પરિયોજનાઓમાં આના કરતાં મોટા પ્રમાણમાં અનેક જનજાતીય સમુદાયોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. પણ ત્યાં કોઈ ઘોંઘાટ સાંભળવા મળતો નથી.

ભારત અને ચીનમાં એક મુખ્ય ભેદ એ છે કે ભારત લોકતાંત્રિક દેશ છે. અહીં કોર્ટ, નિયામક સંસ્થાઓ પર નાગરિક સમાજના દબાણની વધતા-ઓછા અંશે અસર પડે છે, પ્રતિક્રિયાઓ પણ આવે છે. ભારતમાં આવા દબાણ લાવતાં વૈશ્વિક અભિયાનો ચલાવવામાં આવે તો તેની અસર જમીન પર પડી શકે.

કહેવાની વાત એટલી છે કે આ પ્રોજેક્ટનો વિરોધ થાય, તેને સદંતર બંધ કરી દેવાની વાતો કરવામાં આવે એ ચીનના હિતમાં છે. આ એકમાત્ર સંયોગ પણ હોય શકે. પરંતુ ભારત માટે આટલા રણનીતિક મહત્ત્વ ધરાવતા પ્રોજેક્ટ પર વાત કરવામાં આવે ત્યારે ભારતના નેતાઓની, ખાસ કરીને વિપક્ષ નેતા જેવા પદ પર બેઠેલા માણસોની જવાબદારી બને છે કે આ બધાં પાસાં પણ તેઓ ધ્યાને લે. તેની ગંભીરતા સમજે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં