અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ (New Orleans) શહેરમાં બુધવારે (1 જાન્યુઆરી) કેલેન્ડર વર્ષના પહેલા જ દિવસે એક ભયાનક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 15 વ્યક્તિઓનાં મોત થયાં અને 30થી વધુને ઈજા પહોંચી હતી. અહીં એક બજારમાં એકઠી થયેલી લોકોની ભીડ પર એક શખ્સે ટ્રક ચડાવી દીધી હતી અને બહાર આવીને ગોળીબાર કર્યો હતો. આ શખ્સની ઓળખ શમ્સુદ્દીન જબ્બાર (Shams ud din Jabbar) તરીકે થઈ છે.
42 વર્ષીય શમ્સુદ્દીને ટ્રક લઈ જઈને અથડાવી દીધી હતી, જેમાં 15 લોકો કચડાઈ મર્યા હતા. ત્યારબાદ ટ્રકની બહાર આવીને તે અંધાધૂંધ ગોળીબાર કરવા માંડ્યો હતો. ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરતાં તે માર્યો ગયો હતો. હવે તેના વિશે અન્ય વિગતો સામે આવી છે.
સેનામાં IT સ્પેશિયાલિસ્ટ હતો
શમ્સુદ્દીન અમેરિકાના ટેક્સાસનો વતની હતો અને અમેરિકાની સેનામાં ફરજ પણ બજાવી ચૂક્યો હતો. અમેરિકન આર્મીમાં તેણે હ્યુમન રિસોર્સથી માંડીને IT સ્પેશિયાલિસ્ટ તરીકે ફરજ બજાવી હતી. ફેબ્રુઆરી 2009થી જાન્યુઆરી, 2010 સુધી તે અફઘાનિસ્તાનમાં પણ તહેનાત હતો. 2020માં તેણે એક વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જેમાં તે જણાવે છે કે સેનામાં કામ કરતી વખતે તેને સેવા અને જવાબદારી વિશે જાણવા મળ્યું.
BREAKING: New Orleans truck driver was identified a U.S.- born Shamsu Din Jabbar and had an ISIS flag on his truck killing 15 innocent people — FBI
— حسن سجواني 🇦🇪 Hassan Sajwani (@HSajwanization) January 1, 2025
pic.twitter.com/RtxiHRIMQI
સેનામાંથી નિવૃત્ત થયા બાદ હ્યુસ્ટનમાં રિયલ એસ્ટેટ એજન્ટનું કામ કરતો હતો. જોકે આ માટેનું તેનું લાયસન્સ પણ 2021માં એક્સ્પાયર થઈ ગયું હતું.
તેની સામે ભૂતકાળમાં બે ગુના પણ નોંધવામાં આવ્યા છે, પરંતુ તે બહુ ગંભીર નથી. 2002માં તેની સામે એક ચોરીનો ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ 2005માં ગેરકાયદેસર લાયસન્સ સાથે કાર ચલાવવા મામલે એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
અંગત જીવનની વાત કરવામાં આવે તો તેણે બે વખત નિકાહ કર્યા હતા. પહેલા નિકાહ 2012માં તૂટ્યા હતા અને બીજા નિકાહનો પણ 2022માં અંત આવ્યો અને તલાક લઈ લીધા હતા. ત્યારથી તેને પૈસાની પણ તાણ હતી એવું મીડિયા અહેવાલો જણાવે છે.
ચુસ્ત ઇસ્લામ પાળનારો, ઘર નજીક મસ્જિદ પણ
શમ્સુદ્દીનનો જન્મ ખ્રિસ્તી તરીકે થયો હતો, પરંતુ પછીથી તેણે ઇસ્લામ અપનાવી લીધો હતો. તેને ઓળખનારા કહે છે કે તે ચુસ્ત ઇસ્લામ પાળનારો માણસ હતો. વર્ષ પહેલાં જ તેણે નોર્થ હ્યુસ્ટનમાં મુસ્લિમ બહુલ વિસ્તારમાં જ ભાડેથી ઘર લીધું હતું. તેના ઘરની નજીક જ એક મસ્જિદ પણ છે, જેની હાલ એજન્સીઓ તપાસ કરી રહી છે.
FBIએ જણાવ્યું છે કે તેની કારમાંથી ઇસ્લામિક સ્ટેટ (ISIS)નો ઝંડો મળી આવ્યો છે. જેનાથી સ્પષ્ટ થયું કે તે આતંકવાદી માનસિકતા ધરાવતો હતો અને આતંકી કૃત્ય કરવા માટે જ આવ્યો હતો. પોલીસે પણ જણાવ્યું છે કે, કૃત્ય બરાબર પ્લાનિંગ અને મકસદ સાથે જ થયું છે. ન્યૂ ઓર્લિયન્સ પોલીસ ચીફે જણાવ્યું કે, શમ્સુદ્દીનનો પ્રયાસ એ જ હતો કે તે વધારેમાં વધારે લોકોને કચડી મારે.
હુમલા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને એક નિવેદનમાં જણાવ્યું કે, FBIએ તેમને હુમલા વિશે જાણકારી આપી છે અને તેમાં જણાવવામાં આવ્યું કે, હુમલાખોરે કૃત્યને અંજામ આપવા પહેલાં સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કર્યા હતા, જેમાં તે પોતે ISથી પ્રેરાયો હોવાનું અને લોકોને મારી નાખવાનો ઇરાદો હોવાનું જણાવે છે.
જે વિસ્તારમાં હુમલો થયો ત્યાંથી એજન્સીઓને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. ઉપરાંત, એક સાયલન્સરવાળી બંદૂક પણ મળી આવી છે. FBIનું માનવું છે કે આ હુમલામાં જબ્બારે બીજા કોઈની પણ મદદ લીધી હોવી જોઈએ, ખાસ કરીને વિસ્ફોટકો માટે. હાલ એજન્સીઓ ફૂટેજ વગેરે ચકાસી રહી છે.