Wednesday, January 1, 2025
More

    અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં લોકોની ભીડ પર ચડાવી દીધી ટ્રક, બહાર આવીને કર્યું ફાયરિંગ: 10નાં મોત, 30ને ઈજા

    અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં નવા કેલેન્ડર વર્ષના પહેલા જ દિવસે એક હુમલો થયો છે, જેમાં 10 વ્યક્તિઓનાં મોત થયાં જ્યારે 30 લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી અમુકની સ્થિતિ ગંભીર છે. સેન્ટ્રલ ન્યૂ ઓર્લિયન્સમાં એક બજારમાં એક ઈસમે પૂરઝડપે કાર ઘૂસાડી દીધી હતી, જેના કારણે અનેક લોકો કચડાઈ મર્યા હતા. હુમલો કરનારે બહાર આવીને ગોળીબાર પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. 

    વાહન ટ્રક હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. હુમલો કરનારે પૂરઝડપે લોકો પર ટ્રક ચડાવી દીધી અને ત્યારબાદ બહાર આવીને ગોળીબાર કરવા માંડ્યો હતો. તરત ત્યાં હાજર પોલીસકર્મીઓએ સ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન ફાયરિંગ પણ થયું. 

    સોશિયલ મીડિયા પર વિડીયો સામે આવ્યા છે, જેમાં હુમલા બાદ અફરાતફરીની સ્થિતિ જોવા મળે છે. રસ્તા પર લોકોના મૃતદેહો જોવા મળે છે તો ગોળીઓનો પણ અવાજ સંભળાય છે. 

    આ પ્રકાશિત થઈ રહ્યું છે ત્યાં સુધીમાં હુમલો કરનારની ઓળખ થઈ શકી નથી તથા તેણે કયા મકસદથી કૃત્ય કર્યું તે પણ હજુ સુધી જાણવા મળ્યું નથી. હાલ સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.