Sunday, November 3, 2024
More
    હોમપેજગુજરાતનર્મદાના સેલંબામાં હિંદુઓની શૌર્યયાત્રા પર થયેલો પથ્થરમારો પૂર્વનિયોજિત કાવતરું?: રિપોર્ટમાં દાવો- પહેલેથી...

    નર્મદાના સેલંબામાં હિંદુઓની શૌર્યયાત્રા પર થયેલો પથ્થરમારો પૂર્વનિયોજિત કાવતરું?: રિપોર્ટમાં દાવો- પહેલેથી એકઠા કરી રાખવામાં આવ્યા હતા પથ્થરો

    રિપોર્ટ અનુસાર, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સેલંબામાં આવેલા જમાદાર ફળિયા વિસ્તારમાં અગાઉથી જ પથ્થરો એકઠા કરી રાખવામાં આવ્યા હતા. સાથે જ શૌર્યયાત્રા તે વિસ્તારમાં આવે ત્યારે પથ્થરો વરસાવવાનું પણ અગાઉથી નક્કી કરી રાખવામાં આવ્યું હતું.

    - Advertisement -

    શુક્રવારે (29 સપ્ટેમ્બર, 2023) નર્મદા જિલ્લાના સેલંબામાં બજરંગ દળની શૌર્યયાત્રા પર મુસ્લિમ ટોળાંએ પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત બે-ત્રણ દુકાનોમાં આગચંપીની ઘટના પણ સામે આવી હતી. જે બાદ પોલીસે હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિ કાબૂમાં લઇ લીધી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. હવે આ ઘટનાને લઈને વધુ વિગતો સામે આવી રહી છે, જે પથ્થરમારો પૂર્વનિયોજિત હોવા તરફ સંકેત કરે છે.

    TV9ના રિપોર્ટ અનુસાર શૌર્ય યાત્રા પર થયેલો હુમલો પૂર્વનિયોજિત કાવતરું હતું અને આ માટે પથ્થરો પણ એકઠા કરી રાખવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સેલંબામાં આવેલા જમાદાર ફળિયા વિસ્તારમાં અગાઉથી જ પથ્થરો એકઠા કરી રાખવામાં આવ્યા હતા. સાથે જ શૌર્યયાત્રા તે વિસ્તારમાં આવે ત્યારે પથ્થરો વરસાવવાનું પણ અગાઉથી નક્કી કરી રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ જેવી શુક્રવારે યાત્રા તે વિસ્તારમાં પહોંચી કે તેને રોકીને પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના વીડિયો પણ વાયરલ થયા છે, જેમાં એક મસ્જિદ નજીકથી પથ્થરો ફેંકાતા જોવા મળે છે..

    આ ઘટનાને લઈને અલગ-અલગ ત્રણ FIR નોંધવામાં આવી છે. એક FIRમાં યાત્રા પર પૂર્વનિયોજિત કરવામાં આવેલા પથ્થરમારાને લઈને 15 લોકો પર યાત્રા અટકાવીને પથ્થરમારો કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે બીજી FIRમાં પથ્થરમારા બાદ આગચંપી અને તોડફોડના ગુનામાં 30 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ ત્રીજી FIRમાં 4 આરોપીઓ પર એક સ્ટેશનરીની દુકાનમાં આગ લગાડવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

    - Advertisement -

    હાલ સેલંબામાં ત્રણ જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી છે અને વડોદરા રેન્જ આઈજી સહિતના અધિકારીઓ પણ મુલાકાત લઇ ગયા છે. સેલંબા આવેલા રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે, “પર્યાપ્ત માત્રામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, SRPની એક કંપની લગાવવામાં આવી છે. સેલંબા ગામની અંદર 15 જેટલા પોઈન્ટ લગાવવામાં આવ્યા છે. પાંચ જેટલા એન્ટ્રી પોઈન્ટ પર પણ PSI કક્ષાના અધિકારીઓ સુપરવિઝન કરી રહ્યા છે. એક તરફ FIR દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ જે લોકો આ ઘટનામાં સામેલ હતા તેની સીસીટીવી ફૂટેજના આધારે અને અન્ય માહિતીના આધારે ઓળખ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.”

    ઠાસરામાં પણ હિંદુઓની યાત્રા પર પથ્થરમારો કરવા માટે મદરેસાની છત પર પથ્થરો એકઠા કરી રાખવામાં આવ્યા હતા

    ઉલ્લેખનીય છે કે થોડા પહેલાં જ ખેડા જિલ્લાના ઠાસરામાં શ્રાવણના અંતિમ દિવસે આયોજિત શિવજીની શોભાયાત્રા પર મુસ્લિમ ટોળાએ હુમલો કરી દીધો હતો. જેમાં યાત્રા જેવી નગરના તીનબત્તી ચોક પાસે પહોંચી કે નજીક આવેલી મદરેસા અને આસપાસનાં મકાનોની છત પરથી પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો. ઘટના બાદ બીજા દિવસે જ્યારે પોલીસે મદરેસાની છત પર તપાસ કરી તો પથ્થરોનો ઢગલો મળી આવ્યો હતો.

    AAP ધારાસભ્યએ દોષનો ટોપલો ઢોળ્યો હતો હિંદુઓ પર

    એક તરફ સેલંબામાં હિંદુઓની શોભાયાત્રા પર હુમલો થયો હતો તો બીજી તરફ સ્થાનિક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ દોષનો ટોપલો હિંદુઓ પર જ ઢોળ્યો હતો. સેલંબામાં બજરંગ દળની યાત્રામાં સામેલ હિંદુઓ પર હુમલો થયા બાદ તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાંનો તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પોલીસ અધિકારી સાથે વાતચીત કરતી વખતે હિંદુઓ પર જ દોષનો ટોપલો ઢોળતા નજરે પડે છે અને કહે છે કે આખરે યાત્રાને પરવાનગી જ શા માટે આપવામાં આવી હતી! ચૈતર વસાવાએ વધુમાં પોલીસ અધિકારીને એવું પણ કહ્યું હતું કે “આ પૂર્વનિયોજિત કાવતરું છે. આ કોઇ ધર્મરક્ષાની રેલી નથી, મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે.”

    શું હતી સમગ્ર ઘટના?

    ઉલ્લેખનીય છે કે શુક્રવારે (29, સપ્ટેમ્બરે) નર્મદા જિલ્લાના સેલંબામાં બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કુઈડા ગામથી નીકળીને સેલંબા પહોંચવાની હતી. યાત્રા સેલંબામાંથી પસાર થઈ રહી હતી ત્યારે મુસ્લિમ વિસ્તારમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. યાત્રા પર હુમલો થતાં જ પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ નિયંત્રિત કરવાના પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન પોલીસે ટીયરગેસના સેલ પણ છોડવા પડ્યા હોવાનું કહેવાય છે. બીજી તરફ, તોફાન દરમિયાન એક-બે દુકાનોમાં આગ લગાડી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં