રાજસ્થાન અને હરિયાણાની સરહદે (Rajasthan-Haryana Border) આવેલા મુંડાકા ગામમાં 12 ઑગસ્ટ, 2025ના રોજ ફાટી નીકળેલી હિંસાએ (Violence) આખા વિસ્તારમાં તણાવ વધારી દીધો છે. અહેવાલો મુજબ, આ ઘટનામાં એક મસ્જિદમાંથી એલાન કરીને ભીડ એકઠી કરવામાં આવી હતી. મુસ્લિમ સમુદાયનાં ટોળાંએ વિસ્તારમાં આગચંપી, પથ્થરમારો અને તોડફોડ કરી હતી. આ ઘટનામાં 10 લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. આ ઘટનાના પગલે આસપાસનાં અમુક ગામોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.
રાજસ્થાન સરહદે ટેન્ટની દુકાન ચલાવનાર મુંડાકા ગામના રહેવાસી સમય સૈનીએ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 12 ઑગસ્ટની સાંજે લગભગ 4:30 વાગ્યે તેઓ પોતાના દાદાની રસ્મ પગડીના કાર્યક્રમ માટે ટેન્ટનો સામાન લઈને બાઇક પર જઈ રહ્યા હતા. દરમ્યાન ગામના રસ્તા પર જોયું તો એક કાર રસ્તો રોકીને ઊભી હતી. આ કારમાં નસ્સી અને લુકમાન નામના બે યુવકો દારૂ પી રહ્યા હતા. સમય સૈનીએ તેમને રસ્તો ખાલી કરવા કહ્યું, જેના જવાબમાં નસ્સી ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, “આ રસ્તો તારા બાપનો નથી.”
‘મસ્જિદમાંથી એલાન કરીને ભીડ એકઠી કરવામાં આવી’
આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ અને નસ્સીએ સમય સૈનીના માથા પર દારૂની બોટલ મારી દીધી હતી. જેનાથી સૈનીને ગંભીર ઈજા પહોંચી અને તે લોહીલુહાણ થઈ ગયો. ત્યારપછી સમય સૈનીએ મદદ માટે પોતાના ભાઈ ચુન્ની, ગોપાલ અને બીર સિંઘને બોલાવ્યા હતા. ફરિયાદ મુજબ, ત્યારપછી મસ્જિદમાંથી એલાન કરીને ટોળું ભેગું કરવામાં આવ્યું હતું.
અહેવાલ અનુસાર નસ્સીએ રાજસ્થાનના અલવર જિલ્લાના હાજીપુર ગામમાંથી રમઝાન, મુહરખોં, રુસ્તમ, શમશેર, હારૂન, સુબ્બન, ઇસ્માઇલ, અરશદ, કાલુ, ઝુબેર, યુનુસ, ઇસ્લામ, ઝુહરૂદ્દીન, ઉમ્મર, સકરુલ્લા, સાહુન, કરીમ, સફી, સુબ્બા, યાકુબ અને જુનૈદ સહિત અન્ય લોકોને બોલાવ્યા. આ લોકો લાકડીઓ અને ડંડાઓ લઈને આવ્યા અને ગામમાં હિંસા શરૂ કરી દીધી.
રિપોર્ટ્સ જણાવે છે કે, મુસ્લિમોના આ ટોળાએ લગભગ દોઢ કલાક સુધી ગામની છતો પરથી પથ્થરમારો કર્યો, મકાનો અને દુકાનોમાં આગ લગાવી અને રસ્તા પર ઊભેલી એક બાઇક સહિત અનેક દુકાનોને આગના હવાલે કરી દીધી હતી. આ ઉપરાંત કાચાં મકાનો પર કાચની બોટલો ફેંકવામાં આવી. આ હિંસામાં સમય સૈની અને તેના ભાઈઓને લાકડીઓ અને ડંડાઓથી નિર્દયતાપૂર્વક મારવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
પોલીસ સામે પણ થતી રહી હિંસા: રિપોર્ટ
આ હિંસાને રોકવા માટે આસપાસનાં પાંચ પોલીસ સ્ટેશનોની ટીમો ઘટનાસ્થળે પહોંચી, પરંતુ ભીડને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી. મુસ્લિમોની ભીડે રસ્તાઓ રોકી દીધા હતા અને હાજરીમાં પણ પથ્થરમારો ચાલુ રાખ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં દેખાય છે કે ટોળું પોલીસની સામે પથ્થરમારો કરી રહ્યું હતું અને એક વિડીયોમાં તો પોલીસ સાથે ઝઘડો પણ કરતા જોવા મળ્યા. આ હિંસાને કાબૂમાં લેવા માટે રાજસ્થાન સરહદની પોલીસ ટીમને પણ બોલાવવી પડી.
2 ડીએસપી, 2 પોલીસ કંપનીઓ અને ભારે પોલીસ બળની તૈનાતી કરવામાં આવી. પીડિત સમય સૈનીનું કહેવું છે કે આ હિંસા 2023માં નૂહંમાં થયેલા રમખાણોની દુશ્મનીના કારણે થઈ હોઈ શકે છે. 31 જુલાઈ, 2023ના રોજ હરિયાણાના નૂહંમાં વિશ્વ હિંદુ પરિષદના સરઘસને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં હિંદુઓ પર હુમલો થયો હતો. આ ઘટનામાં એક મંદિરને ઘેરીને હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 5 લોકો અને 2 હોમગાર્ડના જીવ ગયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા.
નૂહંના એસપી રાજેશ કુમારે જણાવ્યું કે આ હિંસામાં ચુન્નીલાલ, ગોપાલ, લેખરાજ, વીર સિંહ, ફૂલચંદ અને હંસરાજ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમની સારવાર ફિરોઝપુર ઝિરકાના સ્થાનિક હોસ્પિટલમાં ચાલી રહી છે. દંગાખોર ભીડમાં સામેલ ખુર્શીદ, ફરહાન અને શાહબાઝને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે. એસપીએ જણાવ્યું કે કેટલાક શરારતી તત્ત્વોએ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયસર પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી.
ફિરોઝપુર ઝીરકા પોલીસ સ્ટેશને ઘાયલોના નિવેદનો લીધા બાદ લગભગ 2 ડઝન નામાંકિત લોકો સહિત 30-40 લોકો સામે કેસ નોંધ્યો છે. લડાઈમાં સામેલ કેટલાક આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પોલીસની ભારે તૈનાતી કરવામાં આવી છે.


