સુપ્રીમ કોર્ટે ગુરુવારે બંગાળી-ભાષી સ્થળાંતરિત શ્રમિકોની બાંગ્લાદેશી ઘૂસણખોરો હોવાના સંદેહમાં થતી અટકાયત અને ડિપોર્ટેશનની કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટ પશ્ચિમ બંગાળ માઇગ્રન્ટ વર્કર્સ વેલ્ફેર બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં બંગાળી મજૂરોની કથિત અટકાયત અને બાંગ્લાદેશમાં ‘પુશ-બેક’નો વિરોધ કરવામાં આવ્યો હતો અને સ્ટેની માંગ કરવામાં આવી હતી.
આ મામલે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે સુનાવણી કરી હતી. દરમિયાન કોર્ટે કહ્યું કે, “આપણે વાસ્તવિક પરિસ્થિતિને નજરઅંદાજ ન કરી શકીએ. જો કોઈ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશે તો તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો? જો અટકાયત ન કરવામાં આવે તો તેઓ ગાયબ થઈ જશે.” તેમણે ઉમેર્યું કે, “એ વાત સાચી છે કે પ્રમાણિક મજૂરોની ઓળખ માટે કોઈ પદ્ધતિ હોવી જોઈએ, જેમ કે મૂળ સ્થળનું કાર્ડ, જેને અન્ય રાજ્યોના અધિકારીઓ સ્વીકારી શકે.”
“What if an infiltrator enters illegally? If you don’t detain, the writing on the wall is that they will disappear,” the Supreme Court remarked today, declining an interim stay on the detention of Bengali Muslim migrants during nationality verification#SupremeCourt pic.twitter.com/hp0L37qkjv
— Bar and Bench (@barandbench) August 14, 2025
પશ્ચિમ બંગાળ માઇગ્રન્ટ વર્કર્સ વેલ્ફેર બોર્ડે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે કેન્દ્ર સરકારને મે 2025ના ગૃહ મંત્રાલયના પત્રને પાછો ખેંચવા અને રાજ્યોને બંગાળી મજૂરોની ગેરકાયદેસર અટકાયત કરવાથી રોકવાનો નિર્દેશ આપે. કોર્ટે જણાવ્યું, “જે રાજ્યોમાં આ મજૂરો કામ કરે છે, તેમને તેમના મૂળ રાજ્યમાંથી ઓળખની ચકાસણી કરવાનો અધિકાર છે. પરંતુ સમસ્યા એ છે કે જો અમે કોઈ તાત્કાલિક આદેશ આપીએ તો તેનાં પરિણામો આવશે, ખાસ કરીને જેઓ ગેરકાયદેસર રીતે સરહદ પારથી આવ્યા છે અને કાયદા હેઠળ ડિપોર્ટ કરવા જોઈએ.”
પ્રશાંત ભૂષણે આરોપ લગાવ્યો કે ગૃહ મંત્રાલયના પરિપત્રના આધારે બંગાળી ભાષા બોલતા અને બંગાળીમાં દસ્તાવેજો ધરાવતા લોકોને હેરાન કરવામાં આવે છે. તેમણે કહ્યું, “લોકોની ઓળખની ચકાસણી દરમિયાન તેમને અટકાયતમાં રાખવામાં આવે છે અને કેટલાક કેસોમાં તેમને યાતનાઓ પણ આપવામાં આવે છે. તાત્કાલિક આદેશ પસાર કરો કે કોઈ અટકાયત ન થાય. અમને ચકાસણીથી કોઈ વાંધો નથી, પરંતુ અટકાયત ન હોવી જોઈએ.”
જોકે બેન્ચે અટકાયત સંબંધિત કોઈ તાત્કાલિક આદેશ પસાર કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે અરજદારના વકીલ પ્રશાંત ભૂષણને કેન્દ્ર અને નવ રાજ્યો—ઓડિશા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા અને પશ્ચિમ બંગાળના જવાબોની રાહ જોવા જણાવ્યું હતું. આ કેસની આગામી સુનાવણી 25 ઑગસ્ટ થશે. કોર્ટે આ તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને એક નોટિસ પાઠવીને તેમના જવાબ માંગ્યા છે.


