‘એ ખૂન કે પ્યાસે બાત સુનો’ કવિતા સાથે રીલ પોસ્ટ કરવા બદલ કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢી (Imran Pratapgarhi) સામે જામનગર પોલીસે નોંધેલી FIR સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. કોર્ટે ‘વાણી સ્વતંત્રતા’નો હવાલો આપીને આ નિર્ણય સંભળાવ્યો.
જસ્ટિસ એ. એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભૂયાંની બેન્ચે FIR રદ કરીને ‘ફ્રીડમ ઑફ સ્પીચ’ પર ભાર મૂક્યો અને સાથે ટિપ્પણી કરતાં કહ્યું કે, બે ધાર્મિક સમુદાયો વચ્ચે વૈમનસ્ય વધારવાનો ગુનો અમુક ‘ઈનસિક્યોર’ લોકોનાં ધોરણોના આધારે લાગુ ન કરી શકાય, જેઓ નાનકડી ટીકા પર પણ વાંધો ઉઠાવી લે છે.
કોર્ટે કહ્યું, “પોલીસ અધિકારીઓ પણ નાગરિકો છે અને અધિકારો સુરક્ષિત કરવાનું કામ તેમનું પણ છે. જ્યારે BNS 196 કલમ હેઠળના ગુનાની વાત હોય તો તેનું મૂલ્યાંકન અમુક નબળા મનના લોકો કે પછી જેઓ દરેક ટીકાને પોતાની ઉપર થયેલા પ્રહાર તરીકે જુએ છે, તેમનાં ધોરણોના આધારે ન કરી શકાય. અમે અગાઉ પણ કહ્યું છે કે જ્યારે કોઈ બોલેલા શબ્દોના આધારે ગુનાનો આરોપ લગાવવામાં આવે ત્યારે મૌલિક અધિકારોની રક્ષા માટે BNSSની કલમ 173(3)નો સહારો લેવો પડે છે.” BNSSની આ કલમ અનુસાર કોઈ સંજ્ઞાનાત્મક ગુનામાં ઉચ્ચ અધિકારીની પરવાનગીથી તપાસ અધિકારી કોઈ કાર્યવાહી કરવા પહેલાં પ્રાથમિક તપાસ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટ બેન્ચે ટિપ્પણી કરતાં કહ્યું કે, બંધારણીય અદાલતોએ બંધારણીય હકોના રક્ષણ માટે પ્રથમ હરોળમાં રહેવું પડે છે અને વાણી સ્વતંત્રતા એક મહત્વપૂર્ણ અધિકાર છે.
આદેશમાં કોર્ટ કહે છે કે, “કોઈ વ્યક્તિ કે સમૂહ દ્વારા વિચારોનું મુક્તપણે પ્રગટીકરણ એ સ્વસ્થ અને સભ્ય સમાજનું એક અભિન્ન અંગ છે. વિચારો અને મતો રજૂ કરવાની સ્વતંત્રતા વગર બંધારણના આર્ટિકલ 21માં ઉલ્લેખિત ‘ડિગ્નિફાઇડ લાઇફ’ સુનિશ્ચિત કરવી અશક્ય છે. એક સ્વસ્થ લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવેલા વિચારોને અન્ય પોઈન્ટ ઑફ વ્યૂ દ્વારા કાઉન્ટર કરવા જોઈએ. જો કોઈ વ્યક્તિએ રજૂ કરેલા વિચારો અન્ય એક મોટા જૂથને પસંદ ન આવે તોપણ જે-તે વ્યક્તિના વિચારોનું રક્ષણ અને સન્માન થવું જોઈએ. કવિતાઓ, ડ્રામા, ફિલ્મો, સટાયર અને કળા વ્યક્તિના જીવનને વધુ અર્થપૂર્ણ બનાવે છે.”
ઉલ્લેખનીય છે કે આ પહેલાં 3 માર્ચની સુનાવણીમાં કોર્ટે ઈમરાન પ્રતાપગઢીની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 28 માર્ચના રોજ ચુકાદો આપવામાં આવ્યો. વિસ્તૃત ચુકાદાની રાહ જોવામાં આવી રહી છે.
શું છે કેસ?
કેસ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને કવિ ઈમરાન પ્રતાપગઢી સામે જામનગરમાં નોંધાયેલી એક FIR મામલેનો છે. બન્યું હતું એવું કે પ્રતાપગઢી જાન્યુઆરી 2025માં જામનગરમાં મુસ્લિમ સમુદાયના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ તેમણે X પર તેનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં બેકગ્રાઉન્ડમાં એક કવિતા વાગે છે. જેના શબ્દો આ હતા-
“એ ખૂન કે પ્યાસો બાત સુનો, અગર હક કી લડાઈ જુલ્મ સહી, હમ જુલ્મ સે ઇશ્ક નિભા લેંગે. ગર શમ્મે ગિરિયા આતિશ હૈ, હર રાહ વો શમ્મા જલા દેંગે. ગર લાશ હમારે અપનો કી..ખતરા હૈ તુમ્હારી મસનદ કા…ઉસ રબ કી કસમ હસતે હસતે કિતની લાશે દફના દેંગે….એ ખૂન કે પ્યાસો બાત સુનો…”
આ મામલે પછીથી જામનગર A ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ 196, 197(1), 302, 299, 57, 3(5) હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, ગીતના શબ્દો એક સમુદાયની ઉશ્કેરણી કરીને અન્ય સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અને તેમાં એક કોમના ‘હકની લડાઈ’ માટે અન્ય કોમના લોકોને મારીને દફનાવી દેવા સુધીની ઉશ્કેરણી કરવામાં આવી છે. ઈમરાન પ્રતાપગઢી વિશે કહેવામાં આવ્યું કે, તેમણે એક રાષ્ટ્રીય પક્ષના જવાબદાર નેતા હોવા છતાં રાષ્ટ્રીય કક્ષાએ બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય અને એકતાને ઘાતક અસર પડે તેવા વિડીયો મૂક્યા હતા.
ગુજરાત હાઇકોર્ટે FIR રદ કરવાની ના પાડી હતી
આ FIR બાદ ઈમરાન પ્રતાપગઢીએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ કોર્ટે FIR રદ કરવાની ના પાડી દીધી હતી અને સાથે ઈમરાન પ્રતાપગઢીને તપાસમાં સહયોગ આપવા માટે નિર્દેશ આપ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે, “દેશના નાગરિકોનો વ્યવહાર એવો હોવો જોઈએ જેનાથી સામાજિક સદભાવ ન બગડે. અરજદાર એક સાંસદ સભ્ય છે અને એટલે જ તેમની પાસે વધુ સંયમથી વ્યવહાર કરે તેવી આશા હોય. વધુમાં, એક સાંસદ તરીકે આવી પોસ્ટનાં પરિણામો શું આવી શકે તે પણ તેમને વધુ સારી રીતે ખબર હોય તે સ્વાભાવિક છે.” કોર્ટનું કહેવું હતું કે, “કવિતાનો ભાવ જોતાં સ્પષ્ટ જણાય છે કે તેમાં ‘ગાદી’ કે ‘સત્તા’ વિશે વાત કરવામાં આવી છે. વધુમાં, પોસ્ટ પર જે પ્રતિક્રિયાઓ આવી છે તેનાથી પણ સ્પષ્ટ થાય છે કે સંદેશ એ રીતે આપવામાં આવ્યો હતો, જેનાથી સાંપ્રદાયિક સૌહાર્દને નુકસાન પહોંચે.”
ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણય પર પણ ટિપ્પણી કરતાં સુપ્રીમ બેન્ચે કહ્યું છે કે, “બંધારણ હેઠળ જે મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે તેનું રક્ષણ કરવા માટે અદાલતો બંધાયેલી છે. ઘણી વખત ન્યાયાધીશોને પણ અમુક લખાયેલા કે બોલાયેલા શબ્દો પસંદ ન આવે એવું બની શકે, પણ બંધારણના આર્ટિકલ 19(1) હેઠળના મૂળભૂત અધિકારો બહાલ કરવા એ આપણી ફરજ છે.”
કોર્ટે કહ્યું કે, “કોર્ટનો પ્રયાસ હંમેશા મૌલિક અધિકારોની રક્ષા અને સંવર્ધન કરવાનો હોવો જોઈએ, જેમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ સામેલ છે, અને આ એક ઉદારવાદી અને બંધારણીય લોકશાહીનો સૌથી મહત્વપૂર્ણ અધિકાર છે.”