રાજ્યસભા તરફથી પત્ર મળ્યા બાદ સુપ્રીમ કોર્ટે (Supreme Court) અલ્હાબાદ હાઇકોર્ટના (Allahabad High Court) જજ શેખર કુમાર યાદવ (Justice Shekhar Yadav) સામેની તપાસ રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટને રાજ્યસભા સચિવાલય તરફથી એક પત્ર મળ્યો જેમાં કહેવામાં આવ્યું છે કે, આ મામલો હવે સંસદ હેઠળ છે.
આ આધારે સુપ્રીમ કોર્ટે તેની તપાસ બંધ કરી દીધી છે. હકીકતમાં રાજ્યસભા દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યસભાના સભાપતિ પાસે આવી કોઈપણ કાર્યવાહી કરવાનો અધિકાર છે. તેથી, આ મામલે નિર્ણય લેવાનો વિશેષાધિકાર ફક્ત રાષ્ટ્રપતિ અને સંસદને જ છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાની ઇન-હાઉસ તપાસ બંધ કરી દીધી અને કોલેજિયમને તેના વિશે જાણ કરી છે.
શું છે સમગ્ર વિવાદ?
આખો મામલો 8 ડિસેમ્બર, 2024ના રોજ વિશ્વ હિંદુ પરિષદના કાનૂની સેલ દ્વારા આયોજિત કાર્યક્રમનો છે, જ્યાં જસ્ટિસ શેખર યાદવે મુસ્લિમોમાં કટ્ટરવાદ અને રૂઢિચુસ્તતા વિશે કેટલીક વાતો કહી હતી.
સમાન નાગરિક સંહિતાની હિમાયત કરતી વખતે જસ્ટિસ યાદવે મુસ્લિમ સમુદાયમાં પ્રચલિત ટ્રિપલ તલાક અને હલાલાની પ્રથાની પણ ટીકા કરી હતી. એટલું જ નહીં તેમણે બહુસંખ્યક અનુસાર કાયદા બનાવવાની વાત કરી. તેમણે કહ્યું હતું કે, “દેશ ભારતમાં રહેતા બહુસંખ્યક અનુસાર ચાલશે. એક કરતાં વધુ પત્નીઓ રાખવા, ટ્રિપલ તલાક અને હલાલા માટે કોઈ બહાનું નથી અને હવે આ પ્રથાઓ કામ કરશે નહીં.”
વિવિધ રાજકીય પક્ષો, વરિષ્ઠ વકીલો, નાગરિક સંગઠનો અને કેટલાક ભૂતપૂર્વ ન્યાયાધીશોએ આ નિવેદનને ન્યાયિક ગરિમા અને ધર્મનિરપેક્ષતાની વિરુદ્ધ ગણાવ્યું હતું. કપિલ સિબ્બલના નેતૃત્વમાં 55 વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં તેમની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પણ દાખલ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે 10 ડિસેમ્બર 2024ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. આ પછી 17 ડિસેમ્બરના રોજ તત્કાલીન ચીફ જસ્ટિસ સંજય ખન્ના અને ચાર અન્ય વરિષ્ઠ ન્યાયાધીશોની કોલેજિયમ બેઠકમાં જસ્ટિસ યાદવને બોલાવવામાં આવ્યા હતા.
જસ્ટિસ યાદવે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને તેમની સામે ઉભા થયેલા વિવાદનો જવાબ આપ્યો હતો. આ પત્રમાં જસ્ટિસ યાદવે કહ્યું હતું કે, તેમનું સંબોધન નિયમો અનુસાર હતું. વધુમાં તેમણે તેને ન્યાયિક શિષ્ટાચારના ઉલ્લંઘન તરીકે ગણવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.