અલ્હાબાદ હાઇકોર્ટના (Allahabad High Court) જજ શેખર યાદવે (Justice Shekhar Yadav) કહ્યું છે કે, મુસ્લિમોની હલાલા (Halala), ટ્રિપલ તલાક (Triple Talaq) અને ચાર બીવીઓ રાખવા જેવી પ્રથાઓ અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું છે કે, તેને ચલાવવાની મંજૂરી આપી શકાય નહીં. જસ્ટિસ શેખર યાદવે સ્પષ્ટ કર્યું છે કે, યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ટૂંક સમયમાં જ વાસ્તવિકતા બનશે. તેમણે મુસ્લિમ સમાજમાં (Muslim Community) ચાલી રહેલી રૂઢિચુસ્તતા અને તેના પર ન બોલવાની ઘટનાઓ પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ શેખર યાદવના આ સંબોધનને લઈને લિબરલ જમાત હંગામો મચાવી રહી છે.
જસ્ટિસ શેખર યાદવે પ્રયાગરાજમાં વિશ્વ હિંદુ પરિષદના એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે. VHPના લીગલ સેલ દ્વારા રવિવારે (8 ડિસેમ્બર, 2024) આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જસ્ટિસ શેખર યાદવે કહ્યું, “મને એમ કહેવામાં કોઈ સંકોચ નથી કે, આ હિન્દુસ્તાન છે, આ દેશ ભારતમાં રહેતા બહુમતીના હિસાબે ચાલશે. તે જ કાયદો છે. તમે એમ ન કહી શકો કે હું હાઇકોર્ટના જજ તરીકે આવું કહી રહ્યો છું. વાસ્તવમાં, કાયદો પોતે જ બહુમતીના હિસાબે કામ કરે છે.”
Everything will happen (in India) according to wish of majority: Justice Shekhar Kumar Yadav at VHP event #JusticeShekharYadav #AllahabadHighCourtJudge pic.twitter.com/65nazmdL9U
— Bar and Bench (@barandbench) December 9, 2024
મુસ્લિમોની રૂઢિચુસ્તા પર ઉઠાવ્યા સવાલ
ત્યારપછી જસ્ટિસ શેખર યાદવે મુસ્લિમોમાં પ્રચલિત રૂઢિચુસ્તતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, “આપણા હિંદુ ધર્મમાં બાળલગ્ન, સતી પ્રથા અને બાળકીની હત્યા જેવા ઘણા સામાજિક દૂષણો હતા, રામમોહન રોય જેવા સુધારકોએ આ દુષણોને દૂર કરવા સંઘર્ષ કર્યો હતો. પરંતુ જ્યારે મુસ્લિમ સમુદાયમાં હલાલા, ટ્રિપલ તલાક અને દત્તક લેવા સંબંધિત મુદ્દાઓ જેવા સામાજિક દુષણોની વાત આવી, ત્યારે તેમની સામે કોઈએ ઊભા રહેવાની પણ હિંમત ન કરી.”
VHPના કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, મુસ્લિમો દ્વારા આ પ્રથાઓને ખતમ કરવા માટે કોઈ પ્રયાસો કરવામાં આવ્યા નથી. તેમણે કહ્યું, “તમે એવી સ્ત્રીનું અપમાન ન કરી શકો જેને આપણા શાસ્ત્રો અને વેદોમાં દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તમને 4 બીવીઓ રાખવાનો, હલાલા કરવાનો અથવા ટ્રિપલ તલાક કરવાનો અધિકાર નથી. તમે કહો છો કે, અમને ‘તીન તલાક’ કહેવાનો અધિકાર છે અને મહિલાઓને ભરણપોષણ ન ચૂકવવાનો પણ અધિકાર છે.”
જસ્ટિસ શેખર નાયરે કહ્યું કે, “આ રીતનો કોઈ અધિકાર ચાલશે નહીં. UCC કોઈ એવી વસ્તુ નથી, જેની વકાલત RSS, VHP અથવા તો હિંદુ ધર્મ કરે છે. દેશની સુપ્રીમ કોર્ટ પણ આવી જ વાત કરે છે… હું શપથ લઈ રહ્યો છું કે, આ દેશ UCC કાયદો લાવશે જ, ટૂંક સમયમાં જ તે કાયદો વાસ્તવિકતા બનશે.” આ ઉપરાંત તેમણે કહ્યું કે, મુસ્લિમો ટ્રિપલ તલાક અને હલાલા જેવા મુદ્દાઓને પોતાના પર્સનલ લૉ ગણાવે છે અને કાયદાથી બચે છે.
તેમણે કહ્યું, “જો તમે કહો છો કે, આપણાં પર્સનલ લૉ તેની મંજૂરી આપે છે, તો તે અસ્વીકાર્ય છે. સ્ત્રીને ભરણપોષણ મળશે, બે વિવાહની મંજૂરી આપવામાં આવશે નહીં અને પુરુષને માત્ર એક જ પત્ની હશે, ચાર પત્નીઓ નહીં… જો એક બહેનને ભરણપોષણ મળે અને બીજી ન મળે, તો તે ભેદભાવ પેદા કરે છે, જે બંધારણની વિરુદ્ધ છે.” જસ્ટિસ શેખર યાદવે આ દરમિયાન કહ્યું કે, જે ગંગામાં ડૂબકી લગાવે છે અને કપાળ પર ચંદન લગાવે છે, તે જ માત્ર હિંદુ નથી, પરંતુ જે ભારતવર્ષને પોતાની માતા માને છે તે પણ હિંદુ છે.