અલ્હાબાદ હાઇકોર્ટના (Allahabad High Court) જસ્ટિસ શેખર યાદવની (Justice Shekhar Yadav) કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બદલ તેમની સામે મહાભિયોગની (Impeachment) કાર્યવાહી કરવા INDI ગઠબંધનના નેતાઓએ રાજ્યસભામાં નોટિસ દાખલ કરી છે. અહેવાલો અનુસાર વિપક્ષી ગઠબંધનના 55 સાંસદોએ આ નોટિસ પર હસ્તાક્ષર કર્યા છે તથા શિયાળુ સત્ર દરમિયાન જ મહાભિયોગનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કરવામાં આવે એવી માંગ કરી છે.
કોંગ્રેસના સાંસદ વિવેક તનખાએ કહ્યું કે સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં જ સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ આપવામાં આવશે. વિશ્વ હિંદુ પરિષદના એક કાર્યક્રમ દરમિયાન અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ શેખર યાદવે તથાકથિત વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોવાનું કહીને INDI ગઠબંધનના નેતાઓ હોબાળો કરી રહ્યા છે. લગભગ 55 વિપક્ષી સાંસદોએ આ માટેની નોટિસ પર સહી કરી દીધી હોવાનું પણ સામે આવ્યું હતું.
આ નેતાઓમાં કોંગ્રેસના કપિલ સિબ્બલ, વિવેક તનખા અને દિગ્વિજય સિંઘ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ)ના જોન બ્રિટાસ, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના મનોજ કુમાર ઝા અને તૃણમૂલ કોંગ્રેસના સાકેત ગોખલેનો સમાવેશ થાય છે. આ સિવાય પી ચિદમ્બરમ, રણદીપ સુરજેવાલા, પ્રમોદ તિવારી, જયરામ રમેશ, મુકુલ વાસનિક, નસીર હુસૈન, રાઘવ ચઢ્ઢા, ફૌઝિયા ખાન, સંજય સિંહ, એએ રાહી, વી શિવદાસન અને રેણુકા ચૌધરી વગેરે પણ સામેલ છે.
સાંસદો દ્વારા ન્યાયાધીશ (તપાસ) અધિનિયમ, 1968 અને બંધારણના અનુચ્છેદ 218 હેઠળ જસ્ટિસ યાદવ સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવા માટેની નોટિસ દાખલ કરવામાં આવી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જસ્ટિસ યાદવ દ્વારા આપવામાં આવેલ ભાષણ કે વ્યાખ્યાન પરથી જણાય છે કે તેમણે ભારતના બંધારણનું ઉલ્લંઘન કરીને દ્વેષપૂર્ણ ભાષણ આપ્યું હતું અને સાંપ્રદાયિક અસંતોષને ઉશ્કેર્યો હતો.
જસ્ટિસ શેખર કુમાર યાદવે વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં ‘કાયદો બહુમતી દ્વારા સંચાલિત થશે’ એવી ટિપ્પણી કરી હતી, જેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. જસ્ટિસ યાદવના નિવેદન બાદ સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટ પાસેથી આ સંબંધમાં વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો. ત્યારબાદ કોલેજિયમ દ્વારા તેમને સમન્સ મોકલવામાં આવ્યા અને પોતાનો પક્ષ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું. આ કોલેજિયમની અધ્યક્ષતા CJI સંજીવ ખન્ના કરી રહ્યા છે.
મહાભિયોગ એટલે શું?
મહાભિયોગ એ રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશોને દૂર કરવા માટે વપરાતી પ્રક્રિયા છે. બંધારણની કલમ 61, 124 (4), (5), 217 અને 218માં તેનો ઉલ્લેખ છે. નોંધનીય છે કે કલમ 124માં ન્યાયાધીશોની નિમણૂક અને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા સમજાવવામાં આવી છે. આ કલમ ભારતની સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને તેનાં કાર્યો સાથે સંબંધિત છે.
આ અનુચ્છેદ ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા પણ સમજાવે છે. આ અનુચ્છેદ ન્યાયતંત્રને કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર બનાવે છે. નોંધનીય છે કે કોઈ ન્યાયાધીશ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે જે-તે ન્યાયાધીશ સામે ગેરવર્તણૂક, અસમર્થતા, પદની ગરિમાની અવગણના, પક્ષપાત, ભ્રષ્ટાચાર વગેરે જેવા ગંભીર આરોપો હોવા જોઈએ.
નિયમો અનુસાર સંસદનાં બંને ગૃહોમાંથી કોઈપણ ગૃહમાં મહાભિયોગ પ્રસ્તાવ મૂકી શકાય છે. પરંતુ તેને લોકસભામાં રજૂ કરવા માટે ઓછામાં ઓછા એટલે કે આશરે 100 સાંસદોની સહીની જરૂર પડે છે. જ્યારે રાજ્યસભામાં પણ ઓછામાં ઓછા એટલે કે આશરે 50 સાંસદોની સહી જરૂરી છે. ત્યારપછી જો જે-તે ગૃહના સ્પીકર અથવા અધ્યક્ષ તે પ્રસ્તાવને સ્વીકારે તો ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવે છે.
આ ત્રણ સભ્યોની સમિતિમાં સુપ્રીમ કોર્ટના જજ, હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને કોઈ એવી પ્રતિષ્ઠિત વ્યક્તિ જેને સ્પીકર અથવા અધ્યક્ષ જે-તે મામલા માટે યોગ્ય માને તેનો સમાવેશ કરવામાં આવે છે. જો પ્રસ્તાવ બંને ગૃહોમાં લાવવામાં આવ્યો હોય તો જે પ્રસ્તાવ પાછળથી રજૂ કરવામાં આવ્યો હોય તેની દરખાસ્તને રદ્દ ગણવામાં આવે છે.
જો આ પ્રસ્તાવ બંને ગૃહમાં લાવવામાં આવ્યો હોય તો બંને ગૃહના અધ્યક્ષ સાથે મળીને સંયુક્ત તપાસ સમિતિની રચના કરે છે. તપાસ પૂર્ણ થયા પછી, સમિતિ તેનો અહેવાલ સ્પીકર અથવા અધ્યક્ષને સુપરત કરે છે. ત્યારપછી અધ્યક્ષ આ અહેવાલ તેમના ગૃહમાં રજૂ કરે છે. જો તપાસમાં અધિકારી દોષિત સાબિત થાય તો ગૃહમાં મતદાન કરાવવામાં આવે છે.
આ પ્રસ્તાવ ગૃહમાં પસાર કરવા માટે ગૃહના કુલ સાંસદોની બહુમતીની અથવા મતદાન કરનારા સાંસદોમાંથી 2/3 સાંસદોનું સમર્થન મેળવવું આવશ્યક છે. જો આ પ્રસ્તાવ બંને ગૃહોમાં પસાર થાય છે, તો તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવે છે. ન્યાયાધીશને હટાવવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિને જ છે. રાષ્ટ્રપતિ આ પ્રસ્તાવને મંજૂરી આપીને આદેશ પસાર કરે ત્યારબાદ ન્યાયાધીશ તેમના હોદ્દા પરથી દૂર થાય છે.
ભારતમાં આજ સુધી જોકે કોઈ જજને મહાભિયોગ દ્વારા દૂર કરવામાં આવ્યા નથી કારણ કે અગાઉના તમામ કેસોમાં કાર્યવાહી ક્યારેય પૂર્ણ થઈ શકી નથી. આ અગાઉના કેસોમાં કાં તો દરખાસ્તને બહુમતી ન મળી, અથવા પ્રસ્તાવ પસાર થાય પહેલાં જ ન્યાયાધીશોએ રાજીનામું આપી દીધું હતું.
શું છે સમગ્ર મામલો
અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ શેખર યાદવ 8 ડિસેમ્બરે પ્રયાગરાજમાં વિશ્વ હિંદુ પરિષદના લીગલ સેલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં વ્યાખ્યાન આપ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે “મને એમ કહેવામાં કોઈ સંકોચ નથી કે, આ હિન્દુસ્તાન છે અને આ દેશ બહુમતીના હિસાબે ચાલશે.” તેમણે મુસ્લિમ સમુદાયમાં રહેલ ટ્રિપલ તલાક, હલાલા, દત્તક લેવા સંબંધિત મુદ્દાઓ જેવાં સામાજિક દૂષણોની નિંદા કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે દેશમાં ટૂંક સમયમાં જ UCC આવશે. તેમણે ‘કટ્ટરપંથીઓ’ને દેશ માટે ઘાતક ગણાવ્યા હતા. ત્યારે આ મામલે લિબરલ ગેંગે ઘણો વિરોધ કર્યો હતો અને આજે INDI ગઠબંધનના નેતાઓએ મહાભિયોગનો પ્રસ્તાવ મૂક્યો હતો.