Wednesday, June 25, 2025
More
    હોમપેજદેશઅશોકા યુનિવર્સિટીના પ્રોફેસર અલી ખાનને સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન, પણ શબ્દોની...

    અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર અલી ખાનને સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન, પણ શબ્દોની પસંદગી મુદ્દે લગાવી ફટકાર: ઑપરેશન સિંદૂર પર વિવાદિત ટિપ્પણીઓની તપાસ માટે બનાવી SIT

    સુપ્રીમ કોર્ટે આરોપી પ્રોફેસરની સોશિયલ મીડિયા પોસ્ટમાં વપરાયેલા શબ્દોની આકરી ટીકા કરી હતી અને તેને 'ડોગ વ્હિસલિંગ' (અભિવ્યક્તિનું એક સ્વરૂપ, જે ભડકાઉ હોય) ગણાવ્યું હતું. આ સાથે જ કોર્ટે આ હરકતને 'સસ્તી લોકપ્રિયતા' મેળવવાનો પ્રયાસ પણ ગણાવી હતી.

    - Advertisement -

    હરિયાણાના (Haryana) સોનિપત સ્થિત અશોકા યુનિવર્સિટીના (Ashoka University) પ્રોફેસર (Professor) અલી ખાન મહમૂદાબાદને (Ali Khan Mahmudabad) સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) વચગાળાના જામીન મળી ગયા છે. પ્રોફેસર પર ઑપરેશન સિંદૂરને લઈને વિવાદિત ટિપ્પણી કરવાનો આરોપ હતો. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન શબ્દોની પસંદગી કરવાને લઈને પ્રોફેસર અલી ખાનને ફટકાર પણ લગાવી હતી. આ સાથે રાજ્યના DGPને SITનું ગઠન કરીને આ કેસ વિશેની તપાસ કરવાના આદેશ આપ્યા હતા.

    18 મેના રોજ અશોકા યુનિવર્સિટીના રાજનીતિ શાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર અલી ખાનની ધરપકડ થઈ હતી. જે બાદ તેણે ધરપકડને પડકારતી અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં 21 મેના રોજ તેના પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને એન. કોટિસર સિંઘની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી અને પ્રોફેસરના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે પ્રોફેસર સામેની તપાસ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો.

    શરતો સાથે આપ્યા જામીન

    સુપ્રીમ કોર્ટે આરોપી પ્રોફેસરની સોશિયલ મીડિયા પોસ્ટમાં વપરાયેલા શબ્દોની આકરી ટીકા કરી હતી અને તેને ‘ડોગ વ્હિસલિંગ’ (અભિવ્યક્તિનું એક સ્વરૂપ, જે ભડકાઉ હોય) ગણાવ્યું હતું. આ સાથે જ કોર્ટે આ હરકતને ‘સસ્તી લોકપ્રિયતા’ મેળવવાનો પ્રયાસ પણ ગણાવી હતી. કોર્ટે તે પણ સ્પષ્ટ કર્યું છે કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પણ મર્યાદાઓ લાગુ પડે છે, ખાસ કરીને જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ સામેલ હોય. વચગાળાના જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો પણ રાખી છે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, પ્રોફેસર અલી ખાન ઑપરેશન સિંદૂર, પહલગામ આતંકી હુમલો કે ભારત-પાકિસ્તાન સંઘર્ષ અંગે કોઈપણ પ્રકારની પોસ્ટ, લેખ કે ભાષણ આપી શકશે નહીં. આ સાથે જ તેણે પોતાનો પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે. વધુમાં તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનું પણ કહેવામાં આવ્યું છે.

    શબ્દોની પસંદગી પર લગાવી ફટકાર

    જસ્ટિસ સૂર્યકાંતે આરોપી પ્રોફેસરને ફટકાર લગાવતા કહ્યું કે, “દરેક વ્યક્તિને પોતાની વાત કહેવાનો અધિકાર છે. પરંતુ શું હવે આટલી બધી સાંપ્રદાયિક્તાની વાતો કરવાનો સમય આવી ગયો છે? દેશે એક મોટા પડકારનો સામનો કર્યો છે. રાક્ષસો આવ્યા અને આપણાં માસૂમો પર હુમલો કર્યો. આપણે એક થઈને રહ્યા. પરંતુ આવા સમયે… આવા સમયે સસ્તી લોકપ્રિયતા કેમ મેળવવી જોઈએ?”

    તેમણે વધુમાં કહ્યું કે, “શબ્દોની પસંદગી જાણીજોઈને કોઈને અપમાનિત કરવા અથવા અસુવિધા પહોંચાડવા માટે કરવામાં આવી છે. પ્રોફેસર પાસે શબ્દકોશના શબ્દોની અછત ન પડી શકે. તેઓ બીજાને ઠેસ પહોંચાડ્યા વગર સરળ ભાષામાં પણ પોતાની વાતોને વ્યક્ત કરી શકતા હોત. બીજાની ભાવનાઓનું પણ સન્માન કરો. સરળ અને તટસ્થ ભાષાનો ઉપયોગ કરો.”

    આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે હરિયાણા પોલીસના DGPને 24 કલાકની અંદર ત્રણ સભ્યોની SITની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે એવું પણ કહેવાયું છે કે, SITમાં હરિયાણા અથવા દિલ્હીથી સંબંધિત ન હોય તેવા વરિષ્ઠ IPS અધિકારીને સામેલ કરવા અને એક મહિલા અધિકારીને પણ ફરજિયાત સામેલ કરવા. SITનું નેતૃત્વ IG રેન્કના અધિકારીનું હોવું જોઈએ અને અન્ય બે સભ્યો SP રેન્કના હોવા જોઈએ.

    વાસ્તવમાં અલી ખાને 8 મેના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કર્નલ સોફિયા કુરેશીની પ્રશંસા કરતા દક્ષિણપંથીઓ અને હિંદુવાદીઓને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલા આયોગે નોટિસ પાઠવીને તેમની ઉપર સશસ્ત્રબળોનાં મહિલા અધિકારીઓની ગરિમાને ઠેસ પહોંચાડવાનો અને કોમી વૈમનસ્ય ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં