હરિયાણાના સોનીપતની અશોકા યુનિવર્સિટીના અસોશિએટ પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ઉપર ઑપરેશન સિંદૂર પર વિવાદિત ટિપ્પણી કરવાનો આરોપ છે. હરિયાણા પોલીસે કાર્યવાહીની પુષ્ટિ કરી છે. ભાજપ યુવા મોરચાના નેતાની ફરિયાદ પર કેસ દાખલ કરવામાં આવ્યા બાદ અલી ખાનની ધરપકડ દિલ્હીથી કરવામાં આવી હતી.
આ મામલે હરિયાણા રાજ્ય મહિલા આયોગે તાજેતરમાં જ પ્રોફેસરને નોટિસ ફટકારી હતી. નોટિસ ઑપરેશન સિંદૂર અને ત્યારબાદ કર્નલ સોફિયા કુરેશીએ કરેલી પ્રેસ કૉન્ફરન્સ મુદ્દે ખાનની ટિપ્પણીઓ બાદ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે કેસ દાખલ કર્યો હતો.
વાસ્તવમાં અલી ખાને 8 મેના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કર્નલ સોફિયા કુરેશીની પ્રશંસા કરતા દક્ષિણપંથીઓ અને હિંદુવાદીઓને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલા આયોગે નોટિસ પાઠવીને તેમની ઉપર સશસ્ત્રબળોનાં મહિલા અધિકારીઓની ગરિમાને ઠેસ પહોંચાડવાનો અને કોમી વૈમનસ્ય ફેલાવવાનો આરોપ લગાવ્યો.
આ સમગ્ર મામલે યુનિવર્સિટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “પ્રોફેસર અલી ખાનને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા તે બાબતથી અમે વાકેફ છીએ. અમે હાલ વિગતો મેળવી રહ્યા છીએ. યુનિવર્સિટી તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે.”

