રાજકોટના વિપુલ પિત્રોડા પોતે દિવ્યાંગ છે. તેમને બે જોડિયાં બાળકો છે. તેમાંથી દીકરીને ગંભીર બીમારી હતી. પેટમાં ગાંઠ થઈ ગઈ હતી. સારવાર માટે બહુ પૈસા લાગે એમ હતા અને તેમની પાસે એટલા રૂપિયાની સગવડ હતી નહીં. પરંતુ પછીથી તેમને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે જાણકારી મળી. તેમણે યોજના માટે નોંધણી કરાવી અને તેના થકી દીકરીની સારવાર પૂર્ણ થઈ. એક પણ રૂપિયો ખર્ચ્યા વગર દીકરી સ્વસ્થ થઈ જતાં તેમણે આભાર વ્યક્ત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. તેમના આશ્ચર્યની વચ્ચે વડાપ્રધાને પછીથી જવાબ પણ લખી મોકલ્યો. સ્વયં વિપુલ પિત્રોડાએ આ વાતો કેમેરાની સામે જણાવી છે.
તેઓ કહે છે કે, “પોલિયોના કારણે હું દિવ્યાંગ છું. તેમ છતાં મેં ક્યારેય હિંમત નથી હારી. પરિવારની જવાબદારી મારી ઉપર છે. મારી દીકરીને બીમારી આવી. તેને પેટમાં સોજો હતો. પછી ખબર પડી કે પેટમાં છ ઇંચની ગાંઠ છે. મારી પાસે એટલા પૈસા ન હતા કે તેની સારવાર કરી શકું. ત્યારે મારા એક મિત્રએ મને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે જણાવ્યું.”
વિપુલ કહે છે કે, “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાએ મારું સઘળું ટેન્શન દૂર કરી દીધું અને મારી દીકરીની સારવાર પણ થઈ ગઈ. મને તમામ પરેશાનીઓમાંથી મુક્ત કરી દીધો.”
તેઓ કહે છે કે, મેં ડૉક્ટરો, નર્સ અને સમગ્ર સ્ટાફને તો આભાર કહ્યો હતો, પણ મોદીજીને નહતો કહી શક્યો. એટલે મેં તેમને એક પત્ર લખ્યો અને કહ્યું કે, મારી દીકરીને જ નહીં પણ મને પણ જીવનદાન આપ્યું એ બદલ તમારો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.
વિપુલ પિત્રોડા કહે છે કે, મેં જ્યારે મોદી સાહેબને પત્ર લખ્યો ત્યારે વિચાર્યું પણ ન હતું કે તેનો જવાબ પણ આવશે. મને વિશ્વાસ થતો ન હતો કે દેશની 140 કરોડની જનતા છે, તેમાંથી મોદી સાહેબે મને પત્રનો જવાબ મોકલ્યો હતો.
તમારા જીવનમાં આવેલાં આ પરિવર્તનો જ મને ઊર્જા આપે છે: પીએમ
વિડીયોમાં તેઓ પત્ર પણ વાંચી સંભળાવે છે, જેમાં પીએમ મોદીએ ‘સ્નેહી વિપુલભાઈ’થી શરૂઆત કરીને તેમના પત્રનો સંદર્ભ આપ્યો છે. પત્રમાં વડાપ્રધાન કહે છે કે, “માતાપિતા માટે બાળકના આરોગ્યની ચિંતા કેટલી હોય એ સમજી શકાય એમ છે. ગુજરાત સરકાર દ્વારા ઑપરેશન અને ત્યારબાદ દવાઓની નિઃશુલ્ક સુવિધા ઉપરાંત અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ડૉક્ટર અને કર્મચારીઓ પ્રત્યે આપે વ્યક્ત કરેલી આભારની લાગણી આરોગ્ય સેવાઓ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”
વડાપ્રધાને પત્રમાં લખ્યું છે કે, “સરકાર લોકકલ્યાણની વિવિધ યોજનાઓ દ્વારા દેશવાસીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રામાણિક પ્રયત્નો કરી રહી છે. આપના જેવા લાભાર્થીઓના જીવનમાં આવેલો આ યાદગાર પ્રસંગ મને રાષ્ટ્રની સેવામાં થાક્યા વગર, અટક્યા વગર, નિરંતર કાર્ય કરતા રહેવાની ઊર્જા આપે છે.”
‘મોદી સાથે હોય તો દેશ આખો સાથે હોય એમ લાગે છે’
આ પત્ર વિશે વિપુલ પિત્રોડા કહે છે કે, “તેઓ (મોદી) નાના માણસોની પણ કાળજી રાખે છે એ જાણીને બહુ આનંદ થયો. જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ હોય, મોદીજી અમારી સાથે હોય તો દેશ આખો અમારી સાથે હોય એમ લાગે છે. મોદીજીને આ યોજના લાવવા બદલ ધન્યવાદ. તેમના કારણે મારી દીકરીનું ઑપરેશન થઈ શક્યું. અમારી દીકરીને નવો જન્મ મળ્યો, એ બદલ તેમનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.”