Tuesday, March 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રિયંકા ગાંધીએ કહ્યું- ‘મારો ભાઈ નહીં ડરે’, બીજેપી MP સુશીલ મોદી બોલ્યા-...

    પ્રિયંકા ગાંધીએ કહ્યું- ‘મારો ભાઈ નહીં ડરે’, બીજેપી MP સુશીલ મોદી બોલ્યા- ‘પટનામાં પણ રાહુલ ગાંધીને આવી જ સજા થશે’, રાંચીમાં પણ ચાલી રહ્યો છે કેસ

    ભયભીત થઈ ગયેલી સત્તાની આખી મશીનરી સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીજીનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. મારો ભાઈ ન તો ક્યારેય ડર્યો છે, ન તો ક્યારેય ડરશે.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને ગુરુવારે (23 માર્ચ 2023) સુરતની સેશન્સ કોર્ટમાં મોદી સરનેમ પરના વિવાદાસ્પદ નિવેદનના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં કોર્ટે તેમને 2 વર્ષની સજા ફટકારી છે. જોકે, સજા મળ્યા બાદ રાહુલ ગાંધીને તરત જ જામીન મળી ગયા. તેમની સજા 30 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. હવે રાહુલ ગાંધીની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ બાબતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કોર્ટના નિર્ણયને લઈને સીધી સરકારને નિશાના પર લીધી છે.

    પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી કે, “ભયભીત થઈ ગયેલી સત્તાની આખી મશીનરી સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીજીનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. મારો ભાઈ ન તો ક્યારેય ડર્યો છે, ન તો ક્યારેય ડરશે. તે સત્ય બોલતાં જીવ્યા છે, સત્ય બોલતાં રહેશે. દેશના લોકોનો અવાજ ઉઠાવતા રહેશે. સત્યની તાકાત અને કરોડો દેશવાસીનો પ્રેમ તેમની સાથે છે.”

    તો માનહાનિના કેસમાં બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ પણ ટ્વિટર પર તેમની પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું કે, “પટનાના CJM કોર્ટમાં મેં પણ રાહુલ ગાંધી પર ‘બધા મોદી અટકવાળા ચોર છે’ મામલે માનહાનિનો કેસ નોંધાવેલ છે. જામીન પર છે. સુરત કોર્ટની જેમ (રાહુલને) પટનામાં પણ સજા થવાની પૂરી શક્યતા છે.”

    - Advertisement -

    નોંધનીય છે કે, ઝારખંડના રાંચીમાં પણ રાહુલ ગાંધી સામે ત્રણ કેસ દાખલ છે. તેમાંથી એક મોદી સરનેમને લઈને છે. આ કેસ પ્રદીપ મોદીએ નોંધાવ્યો છે. કોંગ્રેસ નેતાએ તેને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી. જોકે, એ અરજી નામંજૂર થઈ હતી.

    કોર્ટની સજા મળ્યા બાદ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ભગવાન છે, અહિંસા તેને પામવાનું સાધન છે- મહાત્મા ગાંધી”

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, “તેમને જામીન મળી ગયા છે. અમે શરૂઆતથી જ જાણતા હતા, કારણકે તેઓ જજ બદલતા રહ્યા. અમે કાયદો, ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખનારા લોકો છીએ અને કાયદા હેઠળ જ લડીશું.”

    આ કેસમાં પૂર્ણેશ મોદીના વકીલ કેતન રેશમવાલાએ ANIને જણાવ્યું કે, રાહુલ ગાંધીને આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ દોષી જાહેર કરવામાં આવ્યા છે. તેમને 2 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે તેમને 30 દિવસ માટે જામીન આપ્યા છે. તેમની આગામી અપીલ સુધી કોર્ટે સજા પર રોક લગાવી છે.

    ‘બધા ચોરોની સરનેમ મોદી’

    ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકમાં એક રેલી સંબોધિત કરતા કહ્યું હતું કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી આ બધાના નામ પાછળ મોદી લાગેલું છે. બધા ચોરોના નામ પાછળ મોદી શા માટે લાગેલું હોય છે.”

    તેમના આ નિવેદન બાદ ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ વિરુદ્ધ સુરતમાં કેસ કર્યો હતો. રાહુલ ગાંધી પર આઈપીસી કલમ 499 અને 500 હેઠળ કેસ નોંધાવ્યો હતો, જે માનહાનિ સાથે સંબંધિત છે. 4 વર્ષ બાદ કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીને દોષિત કરાર કરીને સજા સંભળાવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં