તાજેતરમાં અમેરિકાની કંપની એક્સિઓમના એક મિશન પર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયેલા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (28 જૂન) વાતચીત કરી હતી.
વાતચીતની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું કે, શુભાંશુ આજે ભારતભૂમિથી સૌથી દૂર છે, પણ ભારતવાસીઓના હૃદયની સૌથી નજીક છે. તેમના નામમાં પણ શુભ છે અને તેમની યાત્રા નવા યુગનો શુભારંભ પણ છે. ત્યારબાદ તેમણે અંતરિક્ષમાં ભારતનો પરચમ લહેરાવવા બદલ શુભાંશુને શુભકામનાઓ પાઠવી અને તેમના ક્ષેમકુશળ જાણ્યા.
જવાબમાં શુભાંશુએ કહ્યું કે, આ યાત્રા માત્ર તેમની જ નહીં પરંતુ 140 કરોડ ભારતવાસીઓની પણ છે. આ તેમના માટે મોટી ઉપલબ્ધિ છે અને તેનો તેમને ગર્વ છે. તેમણે કહ્યું, “મેં ક્યારેય વિચાર્યું ન હતું કે અવકાશયાત્રી બની શકીશ, પણ તમારા (મોદીના) નેતૃત્વમાં નવું ભારત સપનાં સાકાર કરવાની તકો આપી રહ્યું છે.”
ચર્ચામાં ગાજરના હલવા અને કેરીના રસની પણ વાત નીકળી. પીએમ મોદીએ પૂછ્યું કે અહીંથી શુભાંશુ જે ગાજરનો હલવો લઈ ગયા છે તે તેમના સાથીઓને ચખાડ્યો કે કેમ. તેના જવાબમાં શુભાંશુએ કહ્યું કે તેમણે ગાજરનો હલવો અને કેરીનો રસ વગેરે ભારતીય વ્યંજનો તેમના સાથીઓને પણ ચખાડ્યાં હતાં અને તેમને ખૂબ પસંદ પડ્યાં. હવે તેઓ પૃથ્વી પર આવીને ભારતની મુલાકાત લઈને ભારતીય વ્યંજનો પણ માણવા માંગે છે તેમ તેમણે ઉમેર્યું.
ચર્ચામાં પીએમ મોદી પૂછે છે કે અંતરિક્ષની વિશાળતા જોઈને શુભાંશુને સૌથી પહેલો વિચાર શું આવ્યો હતો? તેના જવાબમાં ગ્રુપ કેપ્ટન કહે છે કે, પહેલી વખત પૃથ્વીને જોતાં વિચાર આવ્યો કે પૃથ્વી એક જેવી છે અને કોઈ સીમારેખા દેખાતી નથી. તેમણે કહ્યું, “પહેલી વખત ભારત જોયું તો અનુભવ થયો કે ભારત બહુ ભવ્ય છે અને નકશામાં દેખાય તેના કરતાં અનેકગણો મોટો દેશ છે.”
આગળ શુભાંશુ સ્પેસમાં માનવશરીરને કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે વિશે વાત કરી. ત્યારબાદ વડાપ્રધાન સાથે બંનેએ આવી પરિસ્થિતિમાં ધ્યાન વગેરે કેટલું લાભકારક સાબિત થાય તેની પણ ચર્ચા કરી હતી. આગળ શુભાંશુએ ISRO દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા પ્રયોગો વિશે પણ થોડી વાત કરી અને સમજાવ્યું કે કઈ રીતે તેમના આ પ્રયોગ અને સંશોધન સમગ્ર માનવજાતને મદદરૂપ થશે.
શુભાંશુ યુવાપેઢીને શું સંદેશ આપવા માંગે છે તેવા વડાપ્રધાનના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, “ભારત જે દિશામાં જઈ રહ્યું છે, આપણે બહુ ઊંચાં સપનાં જોયાં છે અને તેને સાકાર કરવા માટે નવી પેઢીની જરૂર છે. સફળતાનો કોઈ એક માર્ગ નથી હોતો, પરંતુ એક ચીજ જે સામાન્ય છે એ એ છે કે ક્યારેય પ્રયાસો કરવાનું ન છોડો. એક વખત મન બનાવી લીધું કે પ્રયાસો કરવાનું ચાલુ રાખીશું, તો સફળતા જરૂર મળશે.”
વડાપ્રધાને મિશન ગગનયાન, ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન અને ચંદ્રયાન પર માનવ મોકલવાના મિશનનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ તમામ મિશનમાં શુભાંશુના આ ISS પરના અનુભવો ઘણા કામ આવશે. જવાબમાં શુભાંશુએ કહ્યું કે, “મને આ જે અનુભવો મળ્યા છે એ આપણાં અનેક મિશનોમાં કામ આવશે. હું પરત આવીને મદદરૂપ થવાના પૂરેપૂરા પ્રયાસો કરીશ.”
અંતે પીએમ મોદીએ કહ્યું કે, શુભાંશુની આ ઐતિહાસિક યાત્રા માત્ર અંતરિક્ષ સુધી સંબંધિત નથી, આ આપણી વિકસિત ભારતની યાત્રાને તેજ ગતિ અને નવી મજબૂતી આપશે. ભારત દુનિયા માટે સ્પેસની નવી સંભાવનાઓનાં દ્વાર ખોલવા જઈ રહ્યું છે. ભારત હવે માત્ર ઉડાન નહીં ભરે, પરંતુ ભવિષ્યમાં નવી ઉડાનો માટે મંચ તૈયાર કરશે.”
શુભાંશુએ અંતે કહ્યું કે, તેઓ વડાપ્રધાન અને તેમના થકી દેશવાસીઓ સાથે વાતચીત કરીને ખૂબ ભાવુક અને ગર્વિત છે. સ્પેસ સ્ટેશન પર અત્યાર સુધી ભારતનો ઝંડો ન હતો, પણ હવે ત્યાં ઝંડો લાગી ગયો છે તે જોઈને તેઓ ભાવુક છે. વડાપ્રધાને અંતે કહ્યું કે, “અમને સૌને તમે પરત ફરો તેની રાહ છે. 140 કરોડ દેશવાસીઓની શુભકામનાઓ તમારી સાથે છે. આ મિશનની સફળતા માટે તમને અને સાથીઓને અનેક શુભકામનાઓ.”
ઉલ્લેખનીય છે કે શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓ 14 દિવસ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયા છે.