આખરે 41 વર્ષ બાદ ફરી એક વખત તિરંગો સ્પેસમાં પહોંચ્યો અને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં પ્રથમ વખત પહોંચશે. આ પરાક્રમ કરનાર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું નામ એક્સિઓમ મિશન-4 લૉન્ચ થયા બાદ સતત ચર્ચામાં છે. બુધવારે (25 જૂન) અમેરિકાના ફ્લોરિડા સ્થિત નાસાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી ચારેય અવકાશયાત્રીઓ રવાના થયા, જેઓ ISS પહોંચીને 14 દિવસ માટે વિવિધ પ્રયોગો-સંશોધનો હાથ ધરશે. આ મહત્ત્વકાંક્ષી મિશનની ચર્ચા ચારેકોર ચાલી રહી છે.
Liftoff of Ax-4! pic.twitter.com/RHiVFVdnz3
— SpaceX (@SpaceX) June 25, 2025
આ Axiom મિશન-4 આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં અવકાશયાત્રીઓ મોકલીને સંશોધન કરવા માટે લૉન્ચ કરવામાં આવ્યું છે. જેમાં ભારત, અમેરિકા, હંગેરી અને પોલેન્ડના એક-એક અવકાશયાત્રીઓએ ભાગ લીધો છે. એક્સિઓમ સ્પેસની વાત કરવામાં આવે તો એ અમેરિકાની એક ખાનગી કંપની છે, જે સ્પેસ ક્ષેત્રમાં કાર્યરત છે. લૉન્ચિંગ માટે ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સની પણ મદદ લેવામાં આવી હતી. જેના ફાલ્કન 9 રોકેટની મદદથી જ મિશનનું લૉન્ચિંગ કરવામાં આવ્યું, જે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
આગળ વધીએ એ પહેલાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ તો આ એક મોટા કદનો સેટેલાઈટ જ છે, જે પૃથ્વીથી 400 કિમી ઉપર આવેલી કક્ષામાં ભ્રમણ કરે છે. એક ફૂટબોલ મેદાન જેટલું કદ ધરાવતા આ સ્પેસ સ્ટેશનમાં અવકાશયાત્રીઓ જઈને રહી શકે અને સ્પેસ ક્ષેત્રે સંશોધન કરી શકે એવી વ્યવસ્થા હોય છે. નવેમ્બર 1998માં તેનું લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું, ત્યારથી તે પૃથ્વીની ફરતે ચક્કર લગાવે છે. ISS અમેરિકા, રશિયા, યુરોપ, જાપાન અને કેનેડાનું સંયુક્ત સાહસ છે.
એક્સિઓમ મિશન-4 હેઠળ અવકાશયાત્રીઓ 14 દિવસ માટે ISSમાં રહેશે અને આ દરમિયાન અનેક અગત્યનાં સંશોધનો-પ્રયોગો પર કામ કરશે. કુલ 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરવામાં આવશે. ઉપરાંત માઇક્રોગ્રેવિટી પર નવી ટેકનોલોજી પણ ટેસ્ટ કરશે. ઉપરાંત ભવિષ્યમાં આવું સ્પેસ સ્ટેશન બનાવવા માટે મદદરૂપ થઈ શકે તેવો ડેટા પણ એકઠો કરવામાં આવશે.
માઇક્રોગ્રેવિટીમાં પેશીઓ પર કઈ રીતે અસર થાય છે, નાનાં પ્રાણીઓ સ્પેસમાં કઈ રીતે રહી શકે, અવકાશમાં માનવીય મગજ કઈ રીતે કામ કરે છે અને દ્રષ્ટિ પર કેટલો ફેર પડે છે, ડાયાબિટીસ ડિવાઇસ ટેસ્ટિંગ વગેરે સામેલ છે. ઉપરાંત, AI આધારિત રોબોટિક આર્મ ઇન્ટરેક્શન, ઓર્બિટમાં ઊંઘ, તણાવ, માનસિક સ્વાસ્થ્ય પર કેટલી અને કેવી અસરો થાય છે, માઇક્રોગ્રેવિટીમાં પ્લાન્ટ ગ્રોથ કેવો હોય છે, સ્પેસ સ્ટેશનમાં ફાર્મિંગ શક્ય છે કે કેમ, 3D પ્રિન્ટેડ મટીરીયલ સ્પેસમાં કામ કરે છે કે નહીં, વગેરે જેવી બાબતો પર આ 14 દિવસમાં સંશોધન હાથ ધરવામાં આવશે. જેમાંથી અમુક વિષયો ભારતીય સ્પેસ એજન્સી ISROએ પણ સૂચવ્યા છે.
ક્રૂ મેમ્બરોમાં કુલ ચાર વ્યક્તિઓ સામેલ છે.
શુભાંશુ શુક્લા– ભારતીય. ભારતીય વાયુસેનામાં ગ્રુપ કેપ્ટન. મિશનમાં પાયલટની ભૂમિકામાં હશે. ગગનયાનમાં પણ ભૂમિકા ભજવી શકે.
ડૉ. પેગી વ્હિટસન: અમેરિકન. આ મિશનમાં મિશન કમાન્ડર. અમેરિકન અવકાશયાત્રી તરીકે બહોળો અનુભવ.
સ્લાવોસ્ઝ ઉઝનાન્સકી: પોલેન્ડ. મિશન સ્પેશિયાલિસ્ટ. પોલેન્ડથી સ્પેસમાં જનારા બીજા અવકાશયાત્રી. ISS પર વૈજ્ઞાનિક રિસર્ચ જોશે.
ટિબોર કાપૂ: હંગેરી. મેકેનિકલ ઈજનેર. હંગેરીથી સ્પેસમાં જનારા બીજા અવકાશયાત્રી. હેલ્થ અને ટેકનોલોજી સંબંધિત પ્રયોગો અને સંશોધનો હાથ ધરશે.
એક્સિઓમ કેમ આ મિશન કરી રહ્યું છે?
હાલ જે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન છે તે 2030-31 આવતાં સુધીમાં નિવૃત્તિ લેવાની કગાર પર ઊભું હશે. જેથી એક નવા સ્પેસ સ્ટેશનની જરૂર પડશે. એક્સિઓમ હવે એક ખાનગી સ્પેસ સ્ટેશન બનાવવા તરફ કામ કરી રહ્યું છે. તેના માટે અઢળક ડેટા અને સંશોધનોની જરૂર પડશે. જેથી 2030 સુધીમાં આવાં મિશનો થકી આ અમેરિકન કંપની અવકાશયાત્રીઓ મોકલીને જુદાં-જુદાં સંશોધનો કરશે, મોડ્યુલ બનાવશે અને ટ્રેનિંગ પણ આપશે.
દરેક મિશન થકી એક્સિઓમ એ જાણશે કે તેમની સિસ્ટમ ખરેખર કામ કરી રહી છે કે કેમ. ઉપરાંત તેઓ દુનિયાભરના અવકાશયાત્રીઓને તાલીમ આપવામાં પણ મદદરૂપ થશે. તેનો ઉદ્દેશ્ય સ્પેસ ક્ષેત્રે એક ગ્લોબલ પાર્ટનરશિપ વિકસાવવાનો અને અન્ય ખાનગી-સરકારી ક્લાયન્ટને રિસર્ચમાં મદદરૂપ થવાનો પણ છે, એટલે જ આ મિશનમાં પણ ચાર જુદા-જુદા દેશોને સામેલ કરવામાં આવ્યા છે.
ભારત કઈ રીતે આ મિશનમાં મદદરૂપ થઈ રહ્યું છે?
આ Axiom-4 મિશન ભારત માટે મહત્ત્વપૂર્ણ એટલા માટે છે, કારણ કે ISRO સીધી રીતે સંકળાયેલું છે અને ચાર અવકાશયાત્રીઓમાંથી એક ભારતના શુભાંશુ શુક્લા પણ છે. આ મિશનથી ભારતને ભવિષ્યમાં અનેક ફાયદાઓ થશે.
સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે ISSમાં પ્રથમ વખત એક ભારતીય જઈ રહ્યા છે. જેના કારણે ISROએ જે ગગનયાનનો પ્રોજેક્ટ મૂક્યો છે, તેમાં શુભાંશુ શુક્લાનો આ અનુભવ તેમને પોતાને અને ISROને અનેક રીતે કામ આવશે.
અહીં એ પણ નોંધવું જોઈએ કે આ મિશનમાં ISROએ પણ તેની યોજના ઘડવાથી લઈને અમલીકરણ સુધી એટલી જ ભૂમિકા ભજવી છે. થોડા સમય પહેલાં ચેરમેન સહિત ISROના વૈજ્ઞાનિકોની એક ટીમ અમેરિકા પણ ગઈ હતી અને મિશનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ISROની ટીમે અનેક ટેક્નિકલ ખામીઓ દૂર કરીને મિશનને અંતિમ ઓપ આપવામાં ઘણુંખરું યોગદાન આપ્યું છે. એટલે એવું પણ નથી કે શુભાંશુ શુક્લા અન્ય કંપનીઓની મદદથી માત્ર સાથે જઈ રહ્યા હોય.
ISRO માટે કેમ મહત્ત્વપૂર્ણ છે મિશન?
બીજું, આ મિશનથી ભારતના સ્પેસ પ્રોગ્રામનો એક નવો તબક્કો પણ શરૂ થશે, જેના કારણે હ્યુમન સ્પેસફ્લાઇટ સેટેલાઇટ લૉન્ચ જેટલી જ સામાન્ય બની જશે. એ પણ નોંધવું જોઈએ કે હ્યુમન સ્પેસફ્લાઇટ આજના સમયમાં માત્ર એક એડવેન્ચર ન રહી જતાં રણનીતિક મહત્ત્વ પણ ધરાવે છે. હવે સમય એવો આવશે કે અવકાશ, ચંદ્ર અને મંગળ વગેરે પર અનેક વૈજ્ઞાનિક અને કમર્શિયલ સંશોધનો થશે અને તેના માટે હ્યુમન સ્પેસફ્લાઇટ અત્યાવશ્યક છે. એક અનુમાન એવું પણ છે કે ન્યુક્લિયર ટેક્નોલોજીની જેમ સ્પેસ પણ ભવિષ્યમાં એક એવું ક્ષેત્ર બની શકે, જેની ઉપર અમુક જ દેશોનો ઈજારો હોય.
નજીકના ભવિષ્યમાં જેટલું મહત્ત્વ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લીન એનર્જી, ક્વોન્ટમ વગેરેનું હશે, તેટલું જ મહત્ત્વ સ્પેસનું પણ થવા જઈ રહ્યું છે. તેની સાથે અનેક આર્થિક અને રણનીતિક પાસાં જોડાયેલાં છે. આ બધાં અન્ય ક્ષેત્રોની સરખામણીએ જોવા જઈએ તો સ્પેસમાં ભારત પહેલેથી જ ઘણું આગળ નીકળી ગયું છે. તાજેતરમાં જ ચંદ્રયાન મિશન સફળતાપૂર્વક પાર કરીને ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તિરંગો લહેરાવ્યો. જોકે સ્પેસમાં અમેરિકાની નાસા જેવી અમુક કંપનીઓ છે, જેમની સાથે ISROએ સ્પર્ધા કરવી પડશે, પણ એટલી ક્ષમતા ભારતમાં છે જ, તેને માત્ર યોગ્ય દિશાની જરૂર છે. હાલ ભારત ગ્લોબલ સ્પેસ ઇકોનોમીમાં 2% યોગદાન આપી રહ્યું છે, ભવિષ્યમાં તેમાં અનેકગણો વધારો થવાની શક્યતા છે.
2014માં મોદી સરકાર આવ્યા પછી ISROની ઉડાનને પણ નવી પાંખો મળી છે અને એક પછી એક મિશન સર કર્યાં છે. સ્પેસ એજન્સીનું બજેટ પણ અનેકગણું વધારવામાં આવ્યું અને મિશનો પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યાં. હવે જ્યારે ગગનયાન, મિશન ચંદ્ર અને સ્પેસ સ્ટેશન જેવાં અતિમહત્ત્વાકાંક્ષી અને ઐતિહાસિક મિશનો તરફ ISRO ડગ માંડી રહ્યું છે ત્યારે હ્યુમન સ્પેસફ્લાઇટની શરૂઆત એ આ યાત્રામાં મોટો વળાંક સાબિત થશે.