ઇઝરાયેલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચે વધતાં સંઘર્ષને લઈને ઘણી માહિતી સામે આવતી રહે છે. તેવામાં એક સમાચાર એવા પણ આવ્યા હતા કે, ઈરાને દાવો કર્યો હતો કે, જો ઇઝરાયેલ તેના પર હુમલો કરશે તો પાકિસ્તાન (Pakistan) ઇઝરાયેલ પર પરમાણુ હુમલો (Nuclear Attack) કરી દેશે. આ એક નિવેદનને લઈને દુનિયાભરમાં અનેકો ચર્ચાઓ વહેતી થઈ હતી અને ભારતમાં તો મિમની દુનિયામાં ઊભરો પણ આવી ગયો હતો. પરંતુ આ બધા વચ્ચે જ પાકિસ્તાને અચાનક ઈરાનના દાવાને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, તેમને તો આવી કઈ ખબર પણ નથી.
વિગતે વાત કરીએ તો ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના (IRGC) વરિષ્ઠ કમાન્ડર મોહસિન રઝાઈએ દાવો કર્યો હતો કે, પાકિસ્તાને ઈરાનને આશ્વાસન આપ્યું છે કે, જો ઇઝરાયેલ ઈરાન પર પરમાણુ હુમલો કરશે તો પાકિસ્તાન પણ ઇઝરાયેલ પર પરમાણુ હુમલો કરીને વળતો જવાબ આપશે. જોકે, પાકિસ્તાનની હાલની સ્થિતિ જોતાં દુનિયા માટે આ દાવો હાસ્યાસ્પદ બન્યો હતો. લોકોએ આ દાવાને માત્ર મનોરંજન પૂરતો સીમિત કરી દીધો હતો.
Pakistan jittery over Iran nuclear support claims; issues denial
— Sidhant Sibal (@sidhant) June 16, 2025
Pakistan FM Dar rejects Iran official claims that Pakistan will use its Nuclear Weapons on Israel if the latter uses it on Iran.
Speaks in Pakistan parliament https://t.co/3Jelm7t18U pic.twitter.com/NU9AoVHZQl
દુનિયાના દેશોએ પણ પાકિસ્તાનને ગંભીરતાથી લીધું નહોતું. ત્યાં સુધી કે ઇઝરાયેલે પણ તેનો કોઈ જવાબ આપ્યો ન હતો અને અમેરિકાએ પણ તેના વિશે કોઈ ટિપ્પણી કરી ન હતી. જોકે, ભારે ફજેતી થયા બાદ પાકિસ્તાને પોતે જ ઈરાનના દાવાને ફગાવી દીધા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે સંસદમાં કહ્યું છે કે, આ દાવા ‘જુઠ્ઠા અને બનાવટી’ છે. તેમણે એવું પણ કહ્યું કે, “પાકિસ્તાનને તો આ વિશે કોઈ ખબર પણ નથી.”
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પણ બાદમાં ઈરાનના દાવાને ફગાવી દીધા હતા. તેમણે એવું પણ કહ્યું હતું કે, પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ પોતાના લોકોની સુરક્ષા માટે છે અને દુશ્મન વિરુદ્ધ રક્ષા કરવા માટે છે, ન કે પાડોશીઓ વિરુદ્ધ આક્રમક નીતિ માટે. વધુમાં પાકિસ્તાને એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તે ઇઝરાયેલ સાથે અથડામણ કરવા નથી માંગતુ.
ઇઝરાયેલનો ભય એટલો કે ઈરાન સાથેની સૈન્ય ચોકીઓ પણ કરી બંધ
પાકિસ્તાનનું કહેવું છે કે, તેમની પરમાણુ નીતિ રક્ષાત્મક છે. તે ઇઝરાયેલ સાથે કોઈ વિવાદમાં પડવા નથી માંગતુ. ઈરાનના દાવા બાદ પાકિસ્તાને બે વખત સ્પષ્ટતા આપવી પડી છે, જેના કારણે લોકો માની રહ્યા છે કે, ઇઝરાયેલીના જવાબી હુમલાથી પાકિસ્તાનના ભય બેઠી ગયો છે. તે ભયનું એક ઉદાહરણ એ પણ છે કે, પાકિસ્તાને ઈરાન સાથેની તમામ સરહદી ચોકીઓ બંધ કરી દીધી છે. પાકિસ્તાની અધિકારીઓ તરફથી કહેવાયું છે કે, ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, જેના પગલે ચોકીઓ બંધ કરવામાં આવી છે.
વધુમાં પાકિસ્તાન અને ઈરાન પર સ્થિત પાકિસ્તાની વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે. આ બધા પગલાં પાકિસ્તાને ઇઝરાયેલી હુમલાના પગલે લીધા હોવાનું કહેવાય રહ્યું છે. તેથી સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે કે, પાકિસ્તાન ઇઝરાયેલી હુમલાથી ભયમાં મુકાઈ ગયું છે અને તેથી જ પરમાણુને લઈને ઈરાનના દાવાઓને નકારી કાઢ્યા છે.