Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકિશન ભરવાડ હત્યા કેસના આરોપી મૌલાનાને હાઇકોર્ટમાંથી પણ જામીન ન મળ્યા, અરજી...

    કિશન ભરવાડ હત્યા કેસના આરોપી મૌલાનાને હાઇકોર્ટમાંથી પણ જામીન ન મળ્યા, અરજી ફગાવાઈ

    કિશન ભરવાડની હત્યા માટે પકડાયેલા મૌલાના કમર ગની ઉસ્માનીના જામીન નીચલી કોર્ટમાંથી ફગાવવામાં આવ્યા બાદ હાઇકોર્ટમાં અરજી કરી હતી.

    - Advertisement -

    અમદાવાદના ધંધૂકામાં કટ્ટરપંથી ઇસ્લામીઓના હાથે માર્યા ગયેલા હિંદુ યુવાન કિશન ભરવાડની હત્યા મામલાના કેસમાં જેલમાં બંધ મૌલાના કમર ગની ઉસ્માનીની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ઉપરાંત, અન્ય પણ એક અરજી કરવામાં આવી હતી, જે પણ કોર્ટે માન્ય રાખી ન હતી. 

    મૌલાનાએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરીને ડિફોલ્ટ જામીન માટે વિનંતી કરી હતી તેમજ સ્પેશિયલ કોર્ટે તપાસ કરતી એજન્સીને ચાર્જશીટ રજૂ કરવા માટે સમયમર્યાદા વધારી આપતી અવધિ રદબાતલ ઠેરવવા માટે અન્ય એક અરજી કરવામાં આવી હતી. આ બંને અરજીઓ હાઇકોર્ટે ફગાવીને મૌલાનાને કોઈ પણ જાતની રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો. 

    મૌલાનાએ ડિફોલ્ટ જામીન માંગતાં અરજી કરી હતી કે, પોલીસે તપાસ 90 દિવસમાં પૂર્ણ કરી નથી, જેથી હવે તેને જામીન આપવા જોઈએ. એવી પણ દલીલ મૂકવામાં આવી હતી કે પોલીસ તેને જાણ કર્યા વગર તપાસમાં વધુ મુદત માંગી શકે નહીં. જેથી તેને મુક્ત કરવામાં આવે. 

    - Advertisement -

    આ જામીન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટમાં સરકાર પક્ષેથી મૌલાનાની જામીન અરજીનો વિરોધ કરી કહેવામાં આવ્યું હતું કે, આરોપી હત્યા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો છે અને તેની સામે પ્રથમ દર્શીય રીતે તમામ જરૂરી પુરાવાઓ પણ ઉપલબ્ધ છે. સરકારે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તપાસમાં મુદત વધારવા મામલે પણ આરોપીને સમયસર જાણ કરવામાં આવી હતી. જેથી આ દલીલો પણ અસ્થાને હોવાનું સરકારે જણાવ્યું હતું. 

    બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખીને મૌલાનાની ડિફોલ્ટ જમીન અરજી તેમજ બીજી એક અરજી, બંને ફગાવી દીધી હતી. 

    મૌલાના કમર ગની ઉસ્માનીએ અગાઉ મે મહિનામાં પણ નીચલી અદાલતમાં ડિફોલ્ટ જામીન માંગ્યા હતા. જોકે, એ કોર્ટે પણ જામીન અરજી ફગાવી દીધી હતી, ત્યારબાદ મૌલાનાએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.  

    સરકારે જામીન અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત, સરકાર પક્ષે કોર્ટને જણાવવામાં આવ્યું કે આરોપી તહેરિક-એ-ફરોખ ઇસ્લામ નામનું  સંગઠન ચલાવે છે, જે ઇસ્લામ વિરુદ્ધ ટિપ્પણી કરનારાઓ પર હુમલો કરવા માટે કુખ્યાત છે. તેમજ તે કટ્ટરપંથી વિચારધારા ધરાવતો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. 

    આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ધંધૂકામાં કિશન ભરવાડની સરાજાહેર ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. કિશને સોશિયલ મીડિયા પર શૅર કરેલી એક પોસ્ટને ઈશનિંદામાં ખપાવીને બે કટ્ટરપંથીઓએ તેને ગોળી મારી દીધી હતી. 

    કેસમાં બંને આરોપીઓ ઝડપાયા બાદ અમદાવાદ અને મુંબઈના મૌલવીઓની શંકાસ્પદ ભૂમિકા અંગે પણ જાણવા મળ્યું હતું તેમજ આરોપીઓને તેમણે હથિયારો પૂરાં પાડીને ઉશ્કેર્યા હોવાનું જાણવા મળતાં મૌલવીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસનો રેલો મૌલાના કમર ગની ઉસ્માની સુધી પહોંચતા તેને પણ પકડીને ગુજરાત લાવવામાં આવ્યો હતો. ત્યારથી તે જેલમાં બંધ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં