Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'અમે દખલ ન દઈ શકીએ પહેલા હાઈકોર્ટ જાવ' કહીને દિલ્હી દારૂ કાંડમાં...

    ‘અમે દખલ ન દઈ શકીએ પહેલા હાઈકોર્ટ જાવ’ કહીને દિલ્હી દારૂ કાંડમાં સંડોવાયેલા મનીષ સિસોદીયાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

    ધરપકડના વિરોધમાં મનીષ સિસોદિયા સુપ્રીમકોર્ટના શરણે જઈને ચીફ જસ્ટિસને આ મામલે વહેલી તકે સુનાવણી કરવા વિનંતી કરી હતી.

    - Advertisement -

    CBI દ્વારા ધરપકડ બાદ દિલ્હી દારૂ કાંડ મામલે મનીષ સિસોદીયાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સિસોદિયાની ઝાટકણી કરતા કહ્યું હતું કે આ અરજીની સીધી સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ન થઈ શકે, માટે તેમણે પોતાની અરજી લઈને દિલ્હી હાઈકોર્ટમાં જવું જોઈએ.

    મનીષ સિસોદીયાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દેવાના અહેવાલોમાં CJIની નોંધનીય ટીપ્પણીનો ઉલ્લેખ કરવો જરૂરી છે. મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડે સિસોદિયાના વકીલ એ એમ સિંઘવીને કહ્યું હતું કે, “તમે અરજીમાં અર્નબ ગોસ્વામી અને વિનોદ દુઆના કેસને ટાંક્યો છે. આ બંને કિસ્સાઓ તદ્દન અલગ છે. તમારે નીચલી કોર્ટમાંથી જામીન મેળવવા જોઈએ. અને એફઆઈઆર રદ કરવા માટે તમારે હાઈકોર્ટમાં જવું જોઈએ. અમે આ બાબતમાં દખલગીરી ન કરી શકીએ. દિલ્હીમાં થયેલા આ કેસનો અર્થ એ નથી કે તેને સીધો સુપ્રીમ કોર્ટમાં લાવવો જોઈએ.”

    ઉલ્લેખનીય છે કે CBIએ કરેલી ધરપકડના વિરોધમાં મનીષ સિસોદિયા સુપ્રીમકોર્ટના શરણે ગયા હતા, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા વતી તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ મંગળવારે (28 ફેબ્રુઆરી 2023) સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સિંઘવીએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બેન્ચમાં આ અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી.

    - Advertisement -

    ધરપકડના વિરોધમાં મનીષ સિસોદિયા સુપ્રીમકોર્ટના શરણે જઈને ચીફ જસ્ટિસને આ મામલે વહેલી તકે સુનાવણી કરવા વિનંતી કરી હતી. જેના પર સીજેઆઈએ કહ્યું હતું કે, “તેઓએ હાઈકોર્ટમાં જવું જોઈએ અથવા અન્ય કાનૂની વિકલ્પો લેવા જોઈએ. જો કે વકીલ સિંઘવીની વિનંતી પર ચીફ જસ્ટિસે આજે બપોરે સુનાવણી નક્કી કરી હતી.

    બીજી તરફ સીબીઆઇએ સિસોદિયાની પૂછપરછ શરૂ કરી દીધી છે. સિસોદિયાની આબકારી નીતિ મામલે રવિવારે આઠ કલાકની પૂછપરછ બાદ સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે બપોરે તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઇએ કોર્ટ પાસે સિસોદિયાના 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેનો કોર્ટે સ્વીકાર કર્યો હતો.

    CBIની પૂછપરછમાં સહકાર નથી આપી રહ્યા સિસોદિયા

    CBIએ દિલ્હી કોર્ટને જણાવ્યું હતું કે સિસોદિયા પૂછપરછમાં સહકાર આપી નથી રહ્યા. તેઓ દરેક સવાલોના આડાઅવળા જવાબો આપી રહ્યા છે, તેથી તેમને 5 દિવસના રિમાન્ડની જરૂર છે. જેના પર સિસોદિયાના વકીલે તેમનો વિરોધ કર્યો હતો. તેમની દલીલ એવી હતી કે ડેપ્યુટી સીએમને રિમાન્ડ પર મોકલવાથી ખોટો સંદેશ જશે. જો કે કોર્ટે CBIની દલીલોને માન્ય રાખી સિસોદિયાને 4 માર્ચ સુધી રિમાન્ડ પર મોકલી દીધા હતા.

    ન્યાયાધીશે સીબીઆઈની કસ્ટડી સોંપતી વખતે ટિપ્પણી કરી હતી કે, “તે ભૂતકાળમાં બે વખત તપાસમાં જોડાવા છતાં તેઓ પૂછપરછ દરમિયાન મોટાભાગના પ્રશ્નોના જવાબ આપી શક્યા નથી અને તેમના હાથ નીચેના અધિકારીઓના નિવેદનોને કારણે તેમની સામે કેટલાક દસ્તાવેજી પુરાવા બહાર આવ્યા છે, તેથી યોગ્ય અને ન્યાયી તપાસ માટે તેમને પૂછવામાં આવેલા પ્રશ્નોના યોગ્ય અને માન્ય જવાબો મેળવવા માટે કોર્ટ તેમને પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલવા જઈ રહી છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં