સોમવાર, 27 જાન્યુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટે એક મૌલવીને જામીન આપતા કહ્યું હતું કે, ગેરકાયદેસર ધર્મ પરિવર્તન એ હત્યા, ચોરી, બળાત્કાર કે લૂંટ જેટલો ગંભીર ગુનો નથી. આવી ટિપ્પણી કરીને સુપ્રીમ કોર્ટે એક મૌલવીને જામીન આપી દીધા હતા. આ મૌલવી એક માનસિક રીતે દિવ્યાંગ સગીરનું છેતરપિંડીથી ઇસ્લામમાં ધર્માંતરણ કરાવવાના મામલે જેલમાં બંધ હતો.
આ મામલે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવની બેન્ચે સુનાવણી કરી હતી. તેમણે જામીન અરજી પર વિચાર કરતી વખતે પોતાના વિવેકાધિકારનો ઉપયોગ ન કરવા બદલ ટ્રાયલ કોર્ટ અને અલ્હાબાદ હાઇકોર્ટની ટીકા કરી હતી. બંનેએ કહ્યું, “હાઇકોર્ટ પાસે જામીન નામંજૂર કરવા માટે કોઈ વાજબી કારણ નહોતું. કથિત ગુનો હત્યા, લૂંટ, બળાત્કાર વગેરે જેટલો ગંભીર કે સંગીન નથી.”
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “દર વર્ષે ટ્રાયલ જજોને જામીન અરજીઓ પર વિચાર કરતી વખતે તેમના વિવેકનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવવા માટે ઘણી બધી કૉન્ફરન્સ, સેમિનાર, વર્કશોપ વગેરે એવી રીતે યોજવામાં આવે છે, જાણે કે ટ્રાયલ જજોને CrPCની કલમ 439 કે BNSની કલમ 483નો અવકાશ જ ન ખબર હોય.”
Offence of illegal religious conversion not as serious as dacoity, rape, murder: Supreme Court
— Bar and Bench (@barandbench) January 28, 2025
Read story here: https://t.co/KdhKAqR2mD pic.twitter.com/R8LBXoMoZf
આગળ બેન્ચે અલ્હાબાદ હાઇકોર્ટની ટીકા કરતા કહ્યું હતું કે, “અમારું માનવું છે કે હાઇકોર્ટે અરજદારને જામીન આપીને પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈતો હતો. હાઇકોર્ટ સમક્ષ જામીન નકારવાનું કોઈ વાજબી કારણ નહોતું. આરોપિત અપરાધ હત્યા, લૂંટફાટ, બળાત્કાર વગેરે જેવો ગંભીર નથી. અમે સમજી શકીએ છીએ કે, ટ્રાયલ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો કારણ કે ટ્રાયલ કોર્ટ ભાગ્યે જ જામીન આપવાની હિંમત એકઠી કરે છે, ભલે ગુનો ગમે તે હોય. જોકે હાઇકોર્ટ પાસે તો એવી આશા કરવામાં આવે છે કે, તે સાહસ ભેગું કરે અને તેમના વિવેકનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરે.”
કોર્ટે નીચલી અદાલતોને ઠપકો આપતા કહ્યું હતું કે, આ મામલો સર્વોચ્ચ અદાલત સુધી પહોંચવો જોઈતો ન હતો. નીચલી કોર્ટે જામીન આપવા જોઈતા હતા, જો નીચલી કોર્ટે ન આપ્યા તો હાઇકોર્ટે તો આપી દેવા જોઈતા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું, “અમે એ નથી સમજી શકતા કે, જો અરજદારને યોગ્ય શરતો અને નિયમોને આધીન જામીન પર મુક્ત કરવામાં આવે તો ફરિયાદ પક્ષને શું નુકસાન થશે.” કોર્ટે કહ્યું કે, “વિવેકબુદ્ધિનો અર્થ એ નથી કે ન્યાયાધીશ પોતાની મરજીથી જામીન આપવાનો ઇનકાર કરે અને કહે કે ધર્માંતરણ ખૂબ જ ગંભીર બાબત છે.”
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, માનસિક રીતે દિવ્યાંગ સગીરને ઇસ્લામમાં રૂપાંતરિત કરનાર આરોપી મૌલવીને 11 મહિના સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. અરજદારે એવી દલીલ કરીને જામીન માંગ્યા હતા કે, આરોપો એટલા ગંભીર નથી. દરમિયાન, રાજ્ય સરકારે દલીલ કરી હતી કે, આરોપોમાં ભારતીય દંડ સંહિતાની કલમ 504 અને 506 તેમજ રાજ્યના ધર્માંતરણ વિરોધી કાયદાની જોગવાઈઓ સામેલ છે, જેમાં મહત્તમ 10 વર્ષ સુધીની જેલની સજા છે.
આ વાંધાઓને ફગાવી દેતા, કોર્ટે સ્પષ્ટતા કરી કે, જામીન સમયગાળા દરમિયાન આરોપીને કસ્ટડીમાં રાખવો અનાવશ્યક હતું. કારણ કે ફક્ત આરોપોની ગંભીરતાના આધારે લાંબા સમય સુધી અટકાયતને વાજબી ઠેરવી શકાય નહીં. બેન્ચે એ જ વાતનું પુનરાવર્તન કર્યું હતું કે, નીચલી અદાલતોએ તેમની સત્તાનો ઉપયોગ કરવો જોઈતો હતો અને આ મામલો સર્વોચ્ચ અદાલત સુધી પહોંચવા દેવો જોઈતો ન હતો.
નોંધનીય છે કે, ગેરકાયદેસર ધર્મ પરિવર્તનના આરોપી મૌલવી પર IPCની કલમ 504 (શાંતિનો ભંગ કરવાના ઈરાદાથી ઇરાદાપૂર્વક અપમાન) અને 506 (ગુનાહિત ધાકધમકી) અને ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધર્મ પરિવર્તન પ્રતિબંધ 2021ની કલમ 3 અને 5 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારે મે 2024માં, અલ્હાબાદ હાઇકોર્ટે મૌલવીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.