અતુલ સુભાષ સુસાઇડ કેસ મામલે (Atul Subhash Suicide Case) મૃતકની પૂર્વ પત્ની (Ex. Wife) નીકીતા સિંઘાનિયાએ (Nikita Singhania) કર્ણાટક હાઇકોર્ટમાં (Karnataka High Court) પોતાની વિરુદ્ધ નોંધાયેલ કેસને રદ કરવા માટે અરજી દાખલ કરી છે. કર્ણાટક હાઇકોર્ટે અરજી દાખલ કરવા પર નીકીતા સિંઘાનિયાને આડેહાથ લીધી હતી. હાઇકોર્ટે એ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે કે, નીકીતા વિરુદ્ધ નોંધાયેલી FIRમાં આત્મહત્યા માટે ઉશ્કેરવાની માહિતી નથી.
કર્ણાટક હાઇકોર્ટના જજ એસઆર કૃષ્ણ કુમારે સોમવારે (6 જાન્યુઆરી, 2025) કેસની સુનાવણી કરી હતી. તેમણે કહ્યું કે, “આ ફરિયાદ અંગે, હું માનું છું કે, FIRમાં તમામ બાબતો લખવામાં આવી છે અને આ એવો કેસ નથી કે જેને રદ કરી શકાય.” ત્યારબાદ હાઇકોર્ટે અરજીમાં કરવામાં આવેલા દાવાઓ પર સવાલો ઉઠાવ્યા હતા.
‘તમે કેમ નથી ઈચ્છતા કે તપાસ થાય’- હાઇકોર્ટ
હાઇકોર્ટે કહ્યું કે, “સમગ્ર માહિતી ફરિયાદમાં અને પછી FIRમાં પણ આપવામાં આવી છે. જરા ફરિયાદ જુઓ. મને કહો કે આત્મહત્યા માટે ઉશ્કેરવાની FIRમાં બીજું શું આપવું જોઈતું હતું. મારા મતે, તેમાં આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવેલી તમામ બાબતો લખવામાં આવી છે, બધું જ કહેવામાં આવ્યું છે. આવા કિસ્સાઓમાં આખરે તમારે બીજું શું જોઈએ છે?”
હાઇકોર્ટે અતુલ સુભાષના સુસાઇડ કેસની તપાસ કરી રહેલી પોલીસને પણ સવાલો પૂછ્યા હતા. હાઇકોર્ટે કહ્યું કે, “તમે આ કેસમાં અન્ય કયા તથ્યો એકત્રિત કર્યા છે? જો ફરિયાદ અને અહીંના રેકર્ડ પરના તથ્યો મુજબ કોઈ કોગ્નિઝેબલ ગુનો કરવામાં આવ્યો નથી, તો તેને રદ કરી શકાય છે.” નીકીતા સિંઘાનિયાની તપાસ રોકવાની માંગ પર હાઇકોર્ટે પૂછ્યું કે, “આવા મામલામાં તપાસ પતાવવાનો સવાલ જ ક્યાં આવે છે, તમે કેમ નથી ઈચ્છતા કે તપાસ થાય?”
શું છે કેસ?
નોંધનીય છે કે, અતુલ સુભાષની આત્મહત્યા બાદ નીકીતા સિંઘાનિયાની તેની માતા અને ભાઈ સાથે ધરપકડ કરવામાં આવી હતી. બેંગ્લોર પોલીસે તેની ધરપકડ કરી હતી. અતુલ સુભાષને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા બદલ નીકીતા અને તેના પરિવાર વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં નીકીતાને 4 જાન્યુઆરી 2025ના રોજ નીચલી અદાલતે જામીન આપ્યા હતા.
જામીન મળ્યા બાદ નીકીતા હવે આ કેસને બંધ કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, કર્ણાટક હાઇકોર્ટે આ વાતને નકારી કાઢી હતી અને કેસની વધુ સુનાવણી મુલતવી રાખી હતી. અતુલ સુભાષે 9 ડિસેમ્બર, 2025ના રોજ એક સુસાઇડ નોટ અને વિડીયો જાહેર કર્યા બાદ તેના બેંગ્લોર સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી.
અતુલ સુભાષે પોતાના વિડીયો અને સુસાઇડ નોટમાં આરોપ લગાવ્યો હતો કે, નીકીતા અને તેના માતા-પિતાએ મૃતકને (અતુલ સુભાષ) માનસિક રીતે એટલો ત્રાસ આપ્યો હતો કે, તેની પાસે આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. અતુલ સુભાષે જણાવ્યું હતું કે, તેમના પગારનો મોટો હિસ્સો નીકીતાને જીવનનિર્વાહ ભથ્થા તરીકે આપવામાં આવ્યો હતો અને તેમને તેમના પુત્રને મળવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. આ ઉપરાંત મહિલા જજ પર પણ ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે.