Monday, December 23, 2024
More
    હોમપેજદેશ24 પાનાંની સ્યુસાઇડ નોટ લખી, કલાકનો વિડીયો બનાવ્યો, કહ્યું- ન્યાય ન મળે...

    24 પાનાંની સ્યુસાઇડ નોટ લખી, કલાકનો વિડીયો બનાવ્યો, કહ્યું- ન્યાય ન મળે તો અસ્થિ ગટરમાં વહેવડાવજો: શું છે બેંગ્લોરના અતુલ સુભાષનો કેસ, જેનાથી હચમચી ગયો દેશ

    નોટમાં અતુલ લખે છે કે, પત્નીએ તેમને અને પરિવારને ધમકી આપી હતી અને આ વારંવારની ઉશ્કેરણી બાદ જ તેઓ આ અંતિમ પગલું ભરી રહ્યા છે, જેનાથી તેમના શત્રુઓ અને ભ્રષ્ટ ન્યાય પ્રણાલીને પૈસા મળતા બંધ થઈ જશે અને દીકરાનો ઉપયોગ તેના પિતા પાસેથી પૈસા પડાવવા માટે પણ થતો બંધ થશે.

    - Advertisement -

    બેંગ્લોરના એક આઈટી એન્જિનિયરની આત્મહત્યાએ આખા દેશને હચમચાવી દીધો છે અને સોશિયલ મીડિયાથી માંડીને મીડિયામાં મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. અતુલ સુભાષ (Atul Subhash) નામના આ યુવકે પહેલાં એક લાંબો વિડીયો બનાવીને, 24 પાનાંની સ્યુસાઇડ નોટ લખીને સાથે અમુક પુરાવાઓ આપીને પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. તે પહેલાં સોશિયલ મીડિયા X પર એક અંતિમ પોસ્ટ પણ કરી હતી, જેમાં સ્યુસાઇડ નોટથી માંડીને અન્ય સામગ્રી મળી આવી છે. અતુલે પત્ની અને સાસરિયાં પર પ્રતાડના કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, ઉત્તર પ્રદેશના જૌનપુરની જે ફેમિલી કોર્ટમાં તેમનો પત્ની સાથેના વિવાદમાં કેસ ચાલતો હતો, તે કોર્ટનાં મહિલા જજ પર પણ અતુલે પક્ષપાતના આરોપ લગાવ્યા છે. અતુલની આત્મહત્યા બાદ હવે ન્યાયતંત્ર પણ ફરી એક વખત સવાલોના કઠેડામાં આવીને ઊભું રહી ગયું છે.

    કેસની વધુ માહિતી અનુસાર, 34 વર્ષીય અતુલ સુભાષ બેંગ્લોરની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. મંગળવારે (10 ડિસેમ્બર) તેમનો મૃતદેહ શહેરના મંજુનાથ લેઆઉટ વિસ્તારમાં સ્થિત તેમના ઘરે લટકતો મળી આવ્યો હતો. પોલીસને સુભાષના ઘરેથી 24 પાનાંની સ્યુસાઇડ નોટ મળી આવી, જેમાંથી ચાર પાનાં હાથથી લખવામાં આવ્યાં હતાં અને 20 પાનાં ટાઈપ કર્યાં હતાં. અંતિમ ચિઠ્ઠીમાં તેમણે ન્યાયની માંગ કરી હતી અને સાથે તમામ આપવીતી જણાવીને પોતે શા માટે અંતિમ પગલું ભરે છે તે જણાવ્યું હતું.

    (ફોટો: ઑપઇન્ડિયા)

    મૃતકે સ્યુસાઇડ નોટમાં પત્ની, તેની માતા, ભાઈ અને કાકા પર પોતાને પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો છે. કોર્ટમાં પત્ની સાથેના અણબનાવ અને પોતે વેઠેલા ભેદભાવ વિશે પણ લખ્યું છે. તેમણે કહ્યું કે, અલગ રહેતી પત્નીએ તેમની પાસેથી દર મહિને 80 હજાર રૂપિયા અને બાળકના ભરણપોષણ માટે અલગ એમ કુલ ₹2 લાખણી માંગણી કરી હતી. જાણવા મળ્યા અનુસાર, અતુલની પત્ની નિકિતા સિંઘાનિયા બી.ટેક અને એમબીએ ભણેલી છે અને દિલ્હીની એક મોટી આઈટી ફર્મમાં AI એન્જિનિયર તરીકે કામ કરે છે.

    - Advertisement -

    અતુલે પત્ની પર પોતાને અને પોતાના પરિવારને ભયંકર રીતે પ્રતાડિત કરીને ખોટા કેસમાં ફસાવવાનો આરોપ લગાવ્યો. તેમનું કહેવું છે કે, પત્નીએ તેમને હેરાન કરવા માટે UPની જૌનપુર કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ માટે તેઓ 120 વખત બેંગ્લોરથી જૌનપુર ગયા હતા. જેના કારણે માત્ર આર્થિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ તેઓ તણાવમાં હતા અને ન્યાય નહીં જ મળે એમ લાગતાં આ અંતિમ પગલું ભર્યું હતું. સાથે જૌનપુરની ફેમિલી કોર્ટનાં મહિલા જજ વિશે પણ તેમણે સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

    મરતા પહેલાં શું-શું લખ્યું હતું?

    અતુલે તેમની સ્યુસાઇડ નોટ ખૂબ જ શાંતિથી અને સમજી-વિચારીને લખી છે. પોલીસને તેમના કબાટમાં ટાઈમટેબલ લગાવેલું મળી આવ્યું હતું. આ ટાઈમ ટેબલ હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં લખાયેલું છે. આ ટાઈમ ટેબલમાં સુભાષે આપઘાતના દિવસે કયા સમયે શું કર્યું તેની તમામ વિગતો લખેલી છે. જેમ કે તેઓ સવારે ઉઠ્યા અને પ્રાર્થના કરી, પછી બીજાં કામો પતાવ્યાં, કોર્ટ અને તેમની કંપનીને તેના વિશે ઇમેઇલ મોકલ્યા વગરે.

    દરેક તરફથી નિરાશ થયેલા મૃતકે ટાઇમટેબલનું શીર્ષક આપ્યું હતું- ‘મરતા પહેલાં શું કર્યું’. જેમાં તેમણે લખ્યું “સ્નાન કર્યું. બારી-દરવાજાનાં તાળાં ખોલ્યાં. ભગવાન શિવનો 100 વાર જાપ કર્યો. કાર અને બાઈકની ચાવીઓ ફ્રિજ ઉપર મૂકી. સ્યુસાઇડ નોટને ટેબલ પર મૂકી.”

    જજ પર લગાવ્યો આરોપ

    અતુલ સુભાષે પોતાના વિડીયો અને સ્યુસાઇડ નોટમાં દાવો કર્યો છે કે જૌનપુરની કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમની પત્નીએ જજની સામે તેમને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરણી કરી હતી, અને આ દરમિયાન મહિલા જજ પણ હસી પડ્યાં હતાં. મૃતકે પોતાની સ્યુસાઇડ નોટમાં મહિલા જજ પર લાંચ લેવાના ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે લખ્યું છે કે જૌનપુરમાં દરેક વ્યક્તિ જાણે છે કે લાંચ આપીને તે મહિલા પાસેથી કોઈ પણ નિર્ણય લેવડાવી શકાય છે.

    મૃતક અતુલ સુભાષે પોતાની નોંધમાં આરોપ લગાવ્યો છે કે મહિલા ન્યાયાધીશે કેસ સેટલ કરવા માટે તેની પાસેથી ₹5 લાખની લાંચ પણ માંગી હતી, સાથે ન્યાયાધીશનો વકીલ દરેક સુનાવણીમાં તેની પાસેથી પૈસા લેતો હતો તેમ પણ જણાવ્યું છે. એટલું જ નહીં, તે જજની સામે જ કોર્ટમાં આવનાર દરેક વ્યક્તિ પાસેથી 50-100 રૂપિયા વસૂલતો હતો એવું અતુલનું કહેવું છે.

    (ફોટો: ઑપઇન્ડિયા)

    મૃતકે આરોપ લગાવ્યો કે, “તમામ પુરાવાઓ સાથે ઈમાનદારીથી કેસ લડતા રહો, પરંતુ એક ભ્રષ્ટ જજ મને અને મારા પરિવારને હેરાન કરીને, ચીજોમાં હેરફેર કરીને, દરેક તથ્યોએ તોડી-મરોડીને આપણી વિરુદ્ધ કરીને ચુકાદો આપીને પત્નીનો પક્ષ જ લેશે.”

    (ફોટો: ઑપઇન્ડિયા)

    અતુલ સ્યુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે, “મારી પત્ની મારા બાળકને મારાથી અલગ રાખશે અને મારા વૃદ્ધ માતા-પિતા અને મારા ભાઈને હેરાન કરવા માટે વધુ કેસ દાખલ કરશે. તે પણ તે જ પૈસાનો ઉપયોગ કરીને જે હું તેને ભરણપોષણ તરીકે આપું છું. મારા દ્વારા આપવામાં આવેલા પૈસાનો ઉપયોગ મારા બાળકના ભરણપોષણ માટે કરવાને બદલે મારી સામે હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે.”

    (ફોટો: ઑપઇન્ડિયા)

    અતુલ સ્યુસાઇડ નોટમાં લખે છે કે, એક દિવસ કોર્ટમાંથી બહાર આવતી વખતે પત્નીની માતા નિશા સિંઘાનિયાએ તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આ સંવાદ પણ સ્યુસાઇડ નોટમાં ટાંક્યો છે. જેમાં અતુલ અનુસાર, નિશાએ તેમને હસતાં-હસતાં કહ્યું હતું, “અરે, હજુ તેં આત્મહત્યા નહીં કરી? મને લાગ્યું કે આજે તારા સ્યુસાઇડના સમાચાર આવશે. તે દિવસે જજને આત્મહત્યા કરી લઈશ એમ કહેતો હતો ને?’ જેના જવાબમાં અતુલે કહ્યું કે, હું મરી જઈશ તો તમારી પાર્ટી કઈ રીતે ચાલશે? જેના જવાબમાં નિશાએ એમ કહ્યું હોવાનું કહેવાય છે કે, “ત્યારે પણ ચાલશે. તારો બાપ પૈસા આપશે. પતિ મરી જાય તો બધું પત્નીનું થઈ જાય છે. તારા મૃત્યુ બાદ તારા મા-બાપ પણ મારશે, તેમાં પણ વહુનો હિસ્સો હોય છે. આખી જિંદગી તારું આખું ખાનદાન કોર્ટનાં ચક્કર કાપશે.”

    (ફોટો: ઑપઇન્ડિયા)

    નોટમાં અતુલ લખે છે કે, પત્નીએ તેમને અને પરિવારને ધમકી આપી હતી અને આ વારંવારની ઉશ્કેરણી બાદ જ તેઓ આ અંતિમ પગલું ભરી રહ્યા છે, જેનાથી તેમના શત્રુઓ અને ભ્રષ્ટ ન્યાય પ્રણાલીને પૈસા મળતા બંધ થઈ જશે અને દીકરાનો ઉપયોગ તેના પિતા પાસેથી પૈસા પડાવવા માટે પણ થતો બંધ થશે.

    (ફોટો: ઑપઇન્ડિયા)

    કોર્ટની બહાર ગટરમાં મારી અસ્થિ નાખજો: મૃતકની અંતિમ ઈચ્છા

    અતુલ સુભાષે સ્યુસાઇડ નોટમાં પોતાની અમુક અંતિમ ઈચ્છાઓ પણ લખી છે. 12 પોઈન્ટ્સમાં લખેલી આ નોટમાં તેઓ લખે છે કે, તેમના કેસની સુનાવણી લાઇવ થવી જોઈએ, જેથી દેશના લોકો જાણી શકે કે મારો કેસ શું હતો અને દેશની આવી ભયાનક ન્યાયપ્રણાલી અને મહિલાઓ દ્વારા જે કાયદાનો દુરુપયોગ થાય છે તેના વિશે પણ લોકો જાગૃત થાય. ઉપરાંત, સ્યુસાઇડ નોટ અને વિડીયોને પુરાવા તરીકે અને પોતાના નિવેદન તરીકે લેવા માટે પરવાનગી આપવા માટે વિનંતી કરી હતી.

    તેમણે આ કેસની સુનાવણી કરી રહેલાં જૌનપુરનાં મહિલા જજના ઈરાદા પર પણ સવાલ ઉઠાવ્યા છે. અતુલ આશંકા વ્યક્ત કરી છે કે ન્યાયાધીશ આ કેસ સાથે સંબંધિત પુરાવા અને દસ્તાવેજો સાથે છેડછાડ કરી શકે છે. બેંગ્લોર કોર્ટને યુપીની કોર્ટ કરતાં વધુ ન્યાયી ગણાવતાં તેમણે તેમના તમામ કેસ બેંગલુરુમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી છે.

    (ફોટો: ઑપઇન્ડિયા)

    મૃતકે પુત્રની કસ્ટડી તેમના વૃદ્ધ માતા-પિતાને આપવા અપીલ કરી છે. આ સાથે તેની પત્ની અથવા તેના સાસરિયામાંથી કોઈને પણ તેના મૃતદેહની નજીક આવવાથી રોકવાની અપીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી તેમની પત્ની અને સાસરિયાં તેમજ મહિલા ન્યાયાધીશ, જેમણે તેમને અને તેમના પરિવારને પ્રતાડિત કર્યો હતો, તેમને સજા ન કરવામાં આવે ત્યાં સુધી તેની અસ્થિઓને વિસર્જિત કરવામાં ન આવે. જો આ લોકોને સજા ન થાય તો તેમની અસ્થિ કોર્ટની બહાર ગટરમાં ફેંકી દેવામાં આવે.

    અતુલે એમ પણ કહ્યું છે કે તેમના મૃત્યુ પછી તેમનાં સાસરિયાં સાથે કોઈ સમજૂતી ન કરવામાં આવે, પરંતુ કેસની સુનાવણી થાય અને તેમને દંડ કરવામાં આવે. આ સાથે તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે કે પત્નીને તેમની અને તેમના પરિવાર સામે કરેલ કેસ પાછો ખેંચવા દેવામાં ન આવે. ન્યાયિક પ્રણાલીથી નિરાશ થયેલા મૃતકે કહ્યું હતું કે, જો તેમના મૃત્યુ પછી પણ તેમના માતા-પિતા અને ભાઈને પ્રતાડિત કરવામાં આવે તો કોર્ટે તેમને ઈચ્છામૃત્યુની મંજૂરી આપવી જોઈએ.

    શાદી ડોટ કોમથી થઇ હતી મુલાકાત

    વિગતો અનુસાર, અતુલ અને પત્ની નિકિતાની મુલાકાત શાદી ડોટ કોમ નામની મેટ્રોમોનિયલ વેબસાઈટ પરથી થઈ હતી. બંનેએ 2019માં લગ્ન કરી લીધાં હતાં. અતુલનો આરોપ છે કે, નિતિકાએ 2021માં બેંગ્લોરનું ઘર છોડી દીધું અને પૈસા અને ઘરેણાં પણ સાથે લઈ ગઈ હતી. કહેવાય છે કે, સાસુ નિશાએ ધંધામાં રોકાણ કરવા માટે અતુલ પાસેથી ₹15 લાખ માંગ્યા હતા, પણ પછીથી તેનાથી ₹1 કરોડનું ઘર ખરીદ્યું હતું. જેથી અતુલે નારાજગી વ્યક્ત કરીને પૈસા પરત માંગ્યા હતા. ત્યારબાદ નિશાએ દોઢ લાખ પરત આપ્યા, પણ પછી પ્રતાડના શરૂ કરી દીધી હતી.

    (ફોટો: ઑપઇન્ડિયા)

    ત્યારબાદ ઉત્તર પ્રદેશના જૌનપુરની રહેવાસી અતુલની પત્નીએ છેલ્લાં 2 વર્ષમાં તેમની ઉપર વિવિધ પ્રકારના આરોપ લગાવીને કુલ 8 કેસ દાખલ કર્યા હતા. જેમાં મારપીટ, દહેજથી લઈને અકુદરતી સેક્સ સુધીના કેસ સામેલ છે. આટલું જ નહીં, નિકિતાએ આરોપ લગાવ્યો હતો કે અતુલ અને તેના પરિવાર દ્વારા 10 લાખ રૂપિયાના દહેજની માંગણીના કારણે હૃદયના દર્દી એવા તેના પિતાનું મૃત્યુ થયું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં