દિલ્હી રમખાણોના (Delhi Riots) માસ્ટરમાઇન્ડ (Master Mind) તાહિર હુસૈનને (Tahir Hussain) વિધાનસભા ચૂંટણીમાં AIMIM ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરવા માટે હાઇકોર્ટમાંથી વચગાળાના જામીન જોઈએ છે. જેની અરજી તેણે દિલ્હી હાઇકોર્ટમાં (Delhi High Court) કરી હતી. બીજી તરફ દિલ્હી પોલીસે મંગળવારે (14 જાન્યુઆરીએ) દિલ્હી હાઇકોર્ટમાં તાહિર હુસૈનની આ માંગનો વિરોધ કર્યો હતો. ત્યારપછી, જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ નિર્ણય અનામત રાખ્યો હતો. હવે જસ્ટિસ તેમના ચેમ્બરમાં જ ચુકાદો સંભળાવશે.
નોંધનીય છે કે, તાહિર હુસૈને 16 જાન્યુઆરીથી લઈને 9 ફેબ્રુઆરી સુધી એટલે કે ઉમેદવારી નોંધાવવાથી લઈને ચૂંટણી પ્રચારના સમયગાળા માટે વચગાળાના જામીન મેળવવા અરજી કરી હતી. આ દરમિયાન તાહિર હુસૈન તરફથી વરિષ્ઠ વકીલ રિબેકા જોન હાજર થયા હતા. બીજી તરફ દિલ્હી પોલીસ વતી હાજર એડીશનલ સોલિસિટર જનરલ (ASG) ચેતન શર્મા અને SPP રજત નાયરે આ જામીન અરજીનો વિરોધ કર્યો તથા નાયરે દલીલ કરી હતી કે, તાહિર હુસૈન સમાજ માટે ખતરો છે.
‘ચૂંટણી લડવી એ નથી મૂળભૂત અધિકાર’
આ ઉપરાંત શર્માએ જણાવ્યું હતું કે, નોમિનેશન, સ્ક્રુટની અને બેંક ખાતું ખોલાવવા માટે કસ્ટોડિયલ પેરોલ મંજૂર કરી શકાય છે. જોકે, તેમણે ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવાનો સખત વિરોધ કર્યો છે. ASGએ કહ્યું કે, તાહિર હુસૈને એક ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે. આ સિવાય તેમણે એવી પણ દલીલ કરી હતી કે, ચૂંટણી લડવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર નથી. તેમણે કહ્યું કે નામાંકન કરી શકાય છે પરંતુ પ્રચાર માટે જામીન ન આપી શકાય.
શર્માએ દલીલ કરી હતી કે, ટ્રાયલ તેના અંતિમ તબક્કામાં છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તાહિર હુસૈન સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. તેમણે કહ્યું કે, આ કેસમાં ચાર સાક્ષીઓ પહેલાં જ નિવેદન બદલી ચૂક્યા છે. શર્માએ વધુમાં કહ્યું કે, તાહિર હુસૈન રમખાણોનો મુખ્ય કાવતરાખોર, માસ્ટરમાઇન્ડ અને ફંડિંગ કરનાર છે. તે UAPA અને PMLA સહિત ત્રણ કેસમાં જેલમાં છે.
કસ્ટોડિયલ પેરોલ માટે તૈયાર
ASG શર્માએ કહ્યું, “UAPA અને ઇડીના કેસોમાં, જેલ એ નિયમ છે અને જામીન અપવાદ છે. ચૂંટણી લડવી એ મૂળભૂત અધિકાર ન હોવાની વાસ્તવિકતા હોવા છતાં, અમે કસ્ટોડિયલ પેરોલ માટે તૈયાર છીએ. અમારું માનવું છે કે, ઉમેદવારી નોંધાવવામાં તેમની સુવિધા માટે તેમના કસ્ટોડિયલ પેરોલ મંજૂર કરવા જોઈએ. અન્ય લોકોની જેમ તે પણ ચૂંટણી લડી શકે છે. જીતી શકે છે, લોકો જેલમાં બેસીને પણ જીત્યા છે.”
આ દરમિયાન, તાહિર હુસૈન વતી હાજર રિબેકા જોને જણાવ્યું હતું કે, તે PMLA કેસમાં કસ્ટડીમાં રહેવાના કુલ સમયના અડધા કરતા વધુનો સમય જેલમાં વિતાવી ચૂક્યો છે, ઉપરાંત તેને દોષિત પણ જાહેર કરવામાં આવ્યો નથી. રિબેકાએ દલીલ કરી હતી કે, તાહિર હુસૈનને 11 FIRમાં નિર્દોષ જાહેર કરી શકાય છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પ્રચાર માટે જામીનની પરવાનગી આપવી જોઈએ.
વાસ્તવમાં, દિલ્હી રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરોના (IB) કર્મચારી અંકિત શર્માની હત્યાના કેસમાં તાહિર હુસૈન જેલમાં છે. આ કેસને લઈને હાઇકોર્ટ સમક્ષ વચગાળાની જામીન અરજી દાખલ કરવામાં આવી છે. અંકિત શર્માની હત્યા કર્યા પછી, તેમનો મૃતદેહ ગટરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ પહેલાં 3 ડિસેમ્બરે ટ્રાયલ કોર્ટે તાહિર હુસૈનને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો.