હોમપેજરાજકારણપીએમ હોય, સીએમ હોય કે મંત્રી, ભ્રષ્ટાચારના આરોપમાં 30 દિવસથી વધુ જેલમાં...

પીએમ હોય, સીએમ હોય કે મંત્રી, ભ્રષ્ટાચારના આરોપમાં 30 દિવસથી વધુ જેલમાં રહ્યા તો 31મા દિવસે જશે ખુરશી: સંસદમાં બિલ લાવી રહી છે મોદી સરકાર

સરકાર કુલ ત્રણ બિલ લાવી રહી છે, જેમાં મંત્રીઓ, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાનને પણ આવરી લેવામાં આવશે. 

- Advertisement -

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર બંધારણમાં એક અગત્યનો સુધારો કરવા જઈ રહી છે. જેમાં કોઈ પણ કેન્દ્રીય કે રાજ્ય સરકારના મંત્રીને ભ્રષ્ટાચાર કે અન્ય ગંભીર ગુનામાં કસ્ટડીમાં લેવામાં આવે તો 30 દિવસ બાદ તેમને પદ પરથી હટાવી દેવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન પણ આવી ગયા. બુધવારે (20 ઑગસ્ટ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં બિલ રજૂ કરી શકે છે. 

130મુ બંધારણ સંશોધન બિલ બંધારણના આર્ટિકલ 75માં સુધારો કરવા માટે લાવવામાં આવી રહ્યું છે, જેમાં વડાપ્રધાન અને મંત્રીમંડળની નિમણૂક વિશે નિર્દેશો આપવામાં આવ્યા છે. સરકાર કુલ ત્રણ બિલ લાવી રહી છે, જેમાં મંત્રીઓ, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાનને પણ આવરી લેવામાં આવશે. 

આ વિષય પર કુલ ત્રણ બિલ રજૂ કરવામાં આવશે, તમામનો ઉદ્દેશ્ય એક જ છે.

- Advertisement -
  1. બંધારણીય સંશોધન બિલ 
  2. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ 
  3. કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સંશોધન) બિલ 

વાસ્તવમાં હાલ સમસ્યા એ છે કે કોઈ પણ કાયદામાં એવી જોગવાઈ નથી જેની મદદથી ધરપકડ કે જ્યુડિશિયલ કસ્ટડીની સ્થિતિમાં કોઈ નેતાને તેના બંધારણીય પદ પરથી હટાવી શકાય. તેના ઉકેલ માટે હવે સરકાર બિલ લાવી રહી છે. 

ગૃહમંત્રી અમિત શાહ બુધવારે (20 ઑગસ્ટ) લોકસભામાં બિલ રજૂ કરી શકે છે. ત્યારબાદ તેને સંસદની સમિતિ સમક્ષ મોકલવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. જેથી બિલ માત્ર રજૂ થશે, ચર્ચા હાલ થશે નહીં. એ તબક્કો સમિતિમાંથી બિલ પરત આવ્યા બાદ થશે. ચર્ચા બાદ બિલ પસાર થયું અને રાજ્યસભામાં પણ પસાર કરી દેવામાં આવ્યું તો કાયદો બનશે અને આ જોગવાઈઓ લાગુ કરી દેવામાં આવશે. 

બિલમાં જણાવવામાં આવ્યું છે કે, બંધારણના આર્ટિકલ 239AAમાં ક્લોઝ (5) બાદ એક વધુ ક્લોઝ (5A) ઉમેરવામાં આવશે, જે આ પ્રમાણે હશે. 

“કોઈ મુખ્યમંત્રીની તેના કાર્યકાળ દરમિયાન એવા ગુનાના આરોપમાં, જેમાં પાંચ કે તેથી વધુ વર્ષની સજાની જોગવાઈ છે, સતત ત્રીસ દિવસ કસ્ટડીમાં રહે તો 31મા દિવસે તેણે રાજીનામું આપવાનું રહેશે. જો તે રાજીનામું નહીં આપે તો આગલા દિવસથી આપમેળે મુખ્યમંત્રી પદ પરથી દૂર થઈ જશે.”

આ જ જોગવાઈ વડાપ્રધાન માટે પણ કરવામાં આવી છે, જેના માટે આર્ટિકલ 75માં સુધારો કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીર અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો માટે પણ આ જ જોગવાઈ હશે, જેના માટે બે અલગ બિલ રજૂ થઈ રહ્યાં છે. 

જોકે બિલમાં એવી પણ જોગવાઈ છે કે પીએમ, સીએમ કે કોઈ પણ મંત્રી કસ્ટડીમાંથી મુક્ત થાય ત્યારબાદ પદ પર પરત ફરી શકે છે. બિલમાં લખવામાં આવ્યું છે કે, “આ જોગવાઈ મુખ્યમંત્રી, મંત્રી કે વડાપ્રધાનને કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ ફરીથી એ પદ પર નિયુક્ત થવા પર રોક લગાવતી નથી.”

બિલ લાવવા પાછળના ઉદ્દેશ્યમાં જણાવવામાં આવ્યું છે કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશના નાગરિકોની આશાઓ-આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ રાજકીય હેતુઓથી ઉપર ઊઠીને માત્ર જનહિતમાં, લોકોના કાલીન માટે કામ કરે. એ પણ અપેક્ષા રહે છે કે તેમનું ચરિત્ર અને પદ ધરાવનારા મંત્રીઓનું આચરણ કોઈ શંકાથી રહિત હોવું જોઈએ.”

આગળ કહેવામાં આવ્યું કે, “કોઈ મંત્રી, જેની ઉપર ગંભીર આરોપો લાગ્યા હોય અને ધરપકડ બાદ કસ્ટડીમાં હોય તે બંધારણીય નૈતિકતા વિરુદ્ધ જઈ શકે છે અને તેનાથી સુશાસનને નુકસાન પહોંચવાની શક્યતા રહે છે અને તેના કારણે આખરે લોકોનો વિશ્વાસ ઓછો થઈ શકે છે.” નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, બંધારણમાં હાલ એવી કોઈ જોગવાઈ નથી, જેનાથી કોઈ મંત્રીને ગંભીર ગુનાના આરોપોમાં ધરપકડ અને હિરાસતના આધારે હટાવી શકાય.

ઉલ્લેખનીય છે કે આ કાયદો બન્યા પછી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે કર્યું હતું તેવું ફરી ન થઈ શકે, જ્યારે ભ્રષ્ટાચારના કેસમાં મહિનાઓ સુધી જેલમાં રહ્યા છતાં તેમણે પદ છોડ્યું ન હતું અને મુખ્યમંત્રી પોતે જેલમાં હોવા છતાં સરકાર ચાલતી રહી. કેજરીવાલ ત્યારે કાયદાના અભાવનો જ લાભ લઈ શક્યા હતા, પરંતુ હવે એવી પરિસ્થિતિ ફરી નિર્માણ ન પામે તે માટે સરકારે તૈયારીઓ કરી છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં