Monday, February 10, 2025
More
    હોમપેજગુજરાત‘પત્રકાર’ મહેશ લાંગા સામે વધુ એક ગુનો: ‘ધ હિન્દુ’માં લેખ છપાવીને પ્રસિદ્ધિ...

    ‘પત્રકાર’ મહેશ લાંગા સામે વધુ એક ગુનો: ‘ધ હિન્દુ’માં લેખ છપાવીને પ્રસિદ્ધિ અપાવવાનું કહીને જમીન દલાલ પાસેથી લાખો પડાવ્યાનો આરોપ- વાંચો FIRની સ્ફોટક વિગતો

    મહેશ લાંગાએ ફરિયાદીને મોટો બિલ્ડર બનાવવાના અને તેની કંપનીનો IPO પણ ખોલાવી આપવાના વાયદા કર્યા હોવાનું ફરિયાદ જણાવે છે. ઉપરાત, ઈંગ્લિશમાં મોટી-મોટી વાતો કરીને પોતાના સંબંધો પ્રખ્યાત લોકો અને મોટા અધિકારીઓ સાથે હોવાનું કહેતો અને અવારનવાર રોકડા રૂપિયા પણ લેતો હતો. 

    - Advertisement -

    GST ફ્રોડ, છેતરપિંડી અને સરકારી દસ્તાવેજો લીક કરવા મામલે કેસોનો સામનો કરતા અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’માં કામ કરતા અમદાવાદના ‘પત્રકાર’ મહેશ લાંગા (Mahesh Langa) વિરુદ્ધ વધુ એક FIR દાખલ કરવામાં આવી છે. અમદાવાદના સેટેલાઈટ પોલીસ મથકે દાખલ એક FIRમાં જમીન દલાલીનું કામ કરતા એક વ્યક્તિએ લાંગા સામે પેપરમાં નામ છપાવીને પ્રસિદ્ધિ અપાવવાનું કહીને લાખો રૂપિયા પડાવી લીધા હોવાનો આરોપ લગાવ્યો છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

    અમદાવાદમાં રહીને જમીન દલાલીનું કામ કરતા જનક ઠાકોરે મહેશ લાંગા સામે આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે મહેશ લાંગાએ તેમને જમીન દલાલીના કામમાં ઉપયોગી થવાનું કહીને અવારનવાર તેમની પાસેથી પૈસા મેળવ્યા હતા. ત્યારબાદ જાન્યુઆરી, 2024માં અખબાર ‘ધ હિન્દુ’ના એક લેખમાં ફરિયાદીનો ઉલ્લેખ કરીને તેના આધારે પછીથી પૈસાની માંગણી કરી હતી અને બીજા ₹20 લાખ પડાવી લીધા હતા. મહેશ સામે કુલ ₹40 લાખ પડાવી લેવાનો આરોપ છે.

    સેટેલાઇટ પોલીસ મથકે આ મામલે મહેશ લાંગા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2) (ખંડણી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

    - Advertisement -

    FIRમાં શું કહેવામાં આવ્યું છે? 

    FIRની વિગતો જોઈએ તો ફરિયાદી જનક ઠાકોરે જણાવ્યું છે કે, તેઓ અમદાવાદમાં રહીને છેલ્લાં 15 વર્ષથી જમીન દલાલીનું કામ કરે છે. દોઢેક વર્ષ પહેલાં તેમની મુલાકાત મહેશ લાંગા સાથે બોડકદેવ સ્થિત એક કાફેમાં થઈ હતી. ત્યારબાદ પણ અવારનવાર બંનેની મુલાકાત થતી રહી અને મહેશે તેમને જણાવ્યું હતું કે પોતે પત્રકાર છે, એક મોટા અખબાર સાથે કામ કરે છે અને સાથે જમીન દલાલીનું પણ કામ કરે છે. 

    ફરિયાદીનું કહેવું છે કે, મહેશ તેમને જણાવ્યું હતું કે તેની પાસે ઘણી સમસ્યાવાળી જમીનોના મામલા આવતા રહે છે અને તેની તે પતાવટ કરી આપતો હોય છે, જેમાંથી નફો પણ સારો મળી રહે છે. તેનું નામ પડે તો જમીન સસ્તાભાવે મળી રહે અને કમિશન પણ સારું એવું મળે છે તેવી વાતો તેણે કહી હતી. સાથે જનકને જણાવ્યું હતું કે, તેમની પાસે આવી કોઈ મેટર આવે તો તેને જણાવે, જેનો તે ટૂંકા સમયમાં નિકાલ કરી આપશે અને કમિશનમાંથી પણ અમુક ટકા દલાલી આપશે. 

    મહેશ લાંગાએ જનક ઠાકોરને મોટો બિલ્ડર બનાવવાના અને તેની કંપનીનો IPO પણ ખોલાવી આપવાના વાયદા કર્યા હોવાનું ફરિયાદ જણાવે છે. ઉપરાત, ઈંગ્લિશમાં મોટી-મોટી વાતો કરીને પોતાના સંબંધો પ્રખ્યાત લોકો અને મોટા અધિકારીઓ સાથે હોવાનું કહેતો અને અવારનવાર રોકડા રૂપિયા પણ લેતો હતો. 

    ‘ધ હિન્દુ’માં નામ છપાવીને પ્રસિદ્ધિ અપાવવાનું કહીને પૈસા પડાવ્યા 

    જનક ઠાકોરે ફરિયાદમાં જણાવ્યું છે કે, જાન્યુઆરી-2024માં મહેશ લાંગા ફરી તેને મળ્યો હતો અને જણાવ્યું હતું કે તે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી પર એક આર્ટિકલ તૈયાર કરી રહ્યો છે, જેમાં જનકનો ઉલ્લેખ કરશે. તેણે એવું ભણાવ્યું હતું કે રાષ્ટ્રીય કક્ષાના અખબારમાં નામ આવવાથી તેમને જમીનનાં કામો મળતાં થશે અને આખા ભારતમાં ફેમસ થઈ જશે. ફરિયાદીનું કહેવું છે કે મોટા અખબારમાં નામ આવવાની લાલચે તેઓ પણ મહેશની વાતમાં આવી ગયા હતા. જેથી અવારનવાર મહેશ તેમની પાસેથી પૈસા માંગતો અને તેઓ આપતા પણ હતા. આ પ્રકારનાં પ્રલોભનો આપીને તેણે વીસ લાખ રૂપિયા મેળવ્યા હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. 

    ત્યારબાદ 26 જાન્યુઆરી, 2024ના રોજ ‘ધ હિન્દુ’માં પ્રકાશિત ગિફ્ટ સિટી વિશેના એક આર્ટિકલમાં મહેશ લાંગાએ જનક ઠાકોરનો ઉલ્લેખ પણ કર્યો હતો. પરંતુ ત્યારપછી તેની વર્તણૂક બદલાઈ ગઈ અને માંગણીઓ પણ વધતી ગઈ. 

    ‘ધ હિન્દુ’માં જાન્યુઆરી, 2024માં પ્રકાશિત લેખમાં જનક ઠાકોરનો ઉલ્લેખ

    જનક ઠાકોરે જણાવ્યું કે, એક વખત કાફેમાં મુલાકાત વખતે મહેશે તેમને કહ્યું કે, “મેં તમારો સારા સામાજિક કાર્યકર તરીકે ઉલ્લેખ કરીને આર્ટિકલ છપાવી આપેલ છે. જેથી સમાજમાં તમને સારી પ્રસિદ્ધિ મળી છે. જેથી બદલામાં તમારે મને ₹20 લાખ આપવા પડશે.” પરંતુ ફરિયાદીએ આપવાની ના પાડી દેતાં તે ઉશ્કેરાઈ ગયો અને પૈસા ન આપે તો રાજકીય વગ અને અધિકારીઓના સંપર્કનો ઉપયોગ કરીને બદનામી કરાવવાની અને અખબારમાં ખોટા આર્ટિકલો છપાવીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાની શરૂ કરી દીધી હતી. 

    ફરિયાદીનું કહેવું છે કે ત્યારબાદ મહેશે તેમના અમુક મામલામાં દખલગીરી કરતાં તેમને ધંધામાં ઘણુંખરું નુકસાન પણ ગયું હતું. જેથી આખરે વધુ બદનામી ન થાય અને નુકસાન ન થાય તે વિચારે તેમણે જુલાઈ, 2024માં એક મિત્ર સાથે જઈને મહેશને બીજા ₹20 લાખ રોકડા ચૂકવી દીધા હતા. 

    જનક ઠાકોરે જણાવ્યું કે, આટલા રૂપિયા આપ્યા પછી પણ મહેશ તેમની પાસે વધુ માંગણીઓ કરતો હતો, પરંતુ તે રાજકીય વગ ધરાવતો હોવાથી પોતે કોઈ ફરિયાદ કરી ન હતી. પરંતુ તાજેતરમાં તેમને જાણવા મળ્યું કે મહેશ સામે અલગ-અલગ ફરિયાદો નોંધવામાં આવી છે. જેથી હિંમત કરીને પોલીસનો સંપર્ક કર્યો હતો. 

    આમ મહેશ સામે જમીન દલાલ પાસેથી મોટી-મોટી વાતો કરીને અને અખબારમાં લેખ પ્રકાશિત કરીને પ્રસિદ્ધિ અપાવવાનું કહીને કુલ ₹40 લાખ પડાવી લેવાનો અને ના પાડવા પર ધાકધમકી આપીને બદનામી કરવાનો અને ખોટા કેસમાં ફસાવી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. 

    મહેશ લાંગા સામે અનેક ફરિયાદો, હજુ પણ જેલમાં 

    ‘ધ હિન્દુ’ માટે કામ કરતા ઇકોસિસ્ટમના આ પ્રિય પત્રકારની પોલ ઑક્ટોબર, 2024માં ખુલવાની શરૂ થઈ હતી, જ્યારે તેનું નામ એક GST કૌભાંડમાં ખૂલ્યું હતું. તેની સામે ફર્જી ફર્મ ચલાવીને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો અને સરકારી તિજોરીને લાખોનું નુકસાન કરવાનો આરોપ છે. આ કેસમાં બીજા પણ ઘણા વ્યક્તિઓ અને ઘણી ફર્મ આરોપી છે. આ કેસમાં તેની સામે ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે અને હાઇકોર્ટમાંથી જામીન પણ મળી ગયા છે. 

    બીજો એક કેસ અમદાવાદના જ એક વેપારીએ નોંધાવ્યો હતો, જેમણે મહેશ સામે ₹28 લાખની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો. જોકે આ કેસમાં પણ તેને હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મળી ગયા હતા. 

    અન્ય એક કેસ ગાંધીનગરમાં નોંધવામાં આવ્યો છે, જેમાં તેની સામે ગુજરાત મેરીટાઇમ બોર્ડના દસ્તાવેજો લીક કરવાનો આરોપ છે. હજુ આ કેસમાં પોલીસે કસ્ટડી મેળવી નથી. આ કેસમાં પણ આગોતરા જામીનની માંગ સાથે મહેશ હાઇકોર્ટ પહોંચ્યો છે. 

    એક કેસ રાજકોટમાં નોંધવામાં આવ્યો છે, જે પણ GST ફ્રોડને લગતો છે. આ કેસમાં સેશન્સ કોર્ટ તેના જામીન ફગાવી ચૂકી છે. એ જ કારણ છે કે તે હજુ જેલમાં બંધ છે. હવે તેની સામે અમદાવાદમાં વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં