GST ફ્રોડ કેસમાં (GST Fraud Case) પકડાયેલા ‘ધ હિન્દુ’ અખબારના ગુજરાતના ‘પત્રકાર’ મહેશ લાંગા (Mahesh Langa) સામે અમદાવાદ ડિટેક્શન ઑફ ક્રાઈમ બ્રાન્ચ (DCB) દ્વારા કોર્ટમાં ચાર્જશીટ (Chargesheet) રજૂ કરી દેવામાં આવી છે. કુલ 14 આરોપીઓ વિરુદ્ધ આરોપપત્ર રજૂ કરવામાં આવ્યું, જેમાંથી એક આરોપી મહેશ લાંગા પણ છે. હાલ તે જેલમાં બંધ છે અને ટ્રાયલનો સામનો કરી રહ્યો છે.
‘ડેક્કન હેરાલ્ડ’ના રિપોર્ટ અનુસાર, ચાર્જશીટમાં કુલ 10 વ્યક્તિઓને સાક્ષી તરીકે બતાવવામાં આવી છે, જેમાં મહેશ લાંગાની પત્ની અને તેના બે પિતરાઈઓનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત, તેનો CA પણ સાક્ષી છે.
કેસમાં CAને ‘સ્ટાર વિટનેસ’ ગણાવવામાં આવ્યા છે અને તેમની જુબાની અગત્યની સાબિત થઈ છે. જ્યારે લાંગાના બે પિતરાઈ ભાઈઓ મનોજ અને નિલેશ લાંગાએ મેજિસ્ટ્રેટ સમક્ષ લાંગા વિરુદ્ધ નિવેદનો આપ્યાં હતાં અને કોર્ટને જણાવ્યું હતું કે, મહેશ લાંગા જ ફર્મ સંભાળતો હતો.
ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, DA એન્ટરપ્રાઇઝના પ્રોપરાઈટર તરીકે મહેશ લાંગાએ ટેક્સ ચોરી કરવા માટે ખોટાં પરચેઝ ઇનવોઇસ બતાવીને ફર્મ માટે વાસ્તવિક પ્રોફિટ ઓછો દેખાડવા માટે કોઈ સામાન ખરીદ્યા વગર જ ખોટી રીતે GST ટેક્સ ક્રેડિટ મેળવી હતી. ઉપરાંત, જણાવવામાં આવ્યું છે કે, તે જાણતો હતો કે ધ્રુવી ઇન્ટરપ્રાઇઝ નામની મુખ્ય ફર્મ બોગસ દસ્તાવેજોના આધારે બનાવવામાં આવી છે અને તેનું અસ્તિત્વ માત્ર કાગળ પર જ છે, તેમ છતાં તેણે અન્ય આરોપીઓની મદદથી ટેક્સ ક્રેડિટ મેળવીને ₹43 લાખ રૂપિયાનું ફ્રોડ કર્યું હતું.
લાંગા અને અન્યો સામે આરોપ છે કે તેમણે ટેક્સચોરી કરીને સરકાર સાથે છેતરપિંડી કરી છે અને સરકારી ખજાનાને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
વધુ વિગતો આપતાં આરોપપત્ર જણાવે છે કે, ટેક્સ ક્રેડિટ મેળવવા માટે એક ગુનાહિત ષડ્યંત્રના ભાગરૂપે ફેબ્રુઆરી, 2023થી મે, 2023ની વચ્ચે આરોપીઓએ રેન્ટલ એગ્રીમેન્ટમાં ગોટાળો કરીને તેના આધારે ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની ફર્મના નામે GST નંબર મેળવી લીધો હતો. DCBએ તપાસમાં જુદી-જુદી ફર્મ વચ્ચે કુલ 7 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારની જાણકારી મેળવી છે, જે વ્યવહાર કોઈ પણ પ્રકારના સામાનના ખરીદ-વેચાણ વગર કરવામાં આવ્યા હતા. ધ્રુવી એન્ટરપ્રાઇઝે 128 ખોટાં ઈ-વે બિલ બનાવ્યાં હતા અને જુદાં-જુદાં બેન્ક ખાતાંમાં ટેક્સ ક્રેડિટ ટ્રાન્સફર કરી હતી. જે પછીથી આંગડિયા દ્વારા કૅશમાં રિકવર કરવામાં આવી હતી. ચાર્જશીટ અનુસાર, ₹1.27 કરોડની ટેક્સ ક્રેડિટ આ પ્રમાણે મેળવવામાં આવી હતી.
ઑક્ટોબરમાં થઈ હતી લાંગાની ધરપકડ
ઉલ્લેખનીય છે કે મહેશ લાંગાની ધરપકડ ઑક્ટોબર, 2024માં થઈ હતી, ત્યારથી તે સળિયા પાછળ જ છે. તે ઘણી વખત જામીન અરજી પણ મૂકી ચૂક્યો છે, પણ કોઈ રાહત મળી નથી. બીજી તરફ, રાજકોટમાં પણ તેની વિરુદ્ધ GST ફ્રોડની જ અન્ય એક ફરિયાદ નોંધાઈ છે, અને તેમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.
આ સિવાય તેની સામે ગુજરાત મેરીટાઇમ બોર્ડ સંબંધિત અમુક દસ્તાવેજો લીક કરવા મામલે પણ એક કેસ નોંધવામાં આવ્યો છે અને એક વેપારી સાથે ₹28 લાખની છેતરપિંડી કરવા મામલે પણ એક FIR દાખલ કરવામાં આવી છે.