દુનિયાભરનાં જ્ઞાનની તિજોરી પોતાની સાથે લઈને ફરતા યુટ્યુબરોની ટોળકીમાં ‘વરિષ્ઠ’ એવા ‘પત્રકાર’ જગદીશ મહેતાની ગ્રહદશા આ દિવસોમાં માઠી ચાલી રહી છે. હજુ હમણાં જ અખબારના લૉગોના દુરુપયોગ અને ₹40 લાખની ખંડણી માંગવાના આરોપોને લઈને તેમના પર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે FIR નોંધી હતી. ત્યારબાદ તેમને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા હતા. ઓછામાં વધુ હવે તેઓ ફરી એક વિવાદમાં ફસાયા છે અને તેના કારણે રાજકોટ DCBમાં તેમના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ફરિયાદીમાં રાજકોટના એક વેપારીનું નામ છે.
રાજકોટમાં ફાઇનાન્સનું કામ કરતા એક વેપારી પાસેથી જગદીશ મહેતાએ ત્રણ મહિનાના વાયદે ₹15 લાખ લીધા હતા અને તે પણ વ્યાજ વિના. તેના બદલે તેમણે વેપારીને 5-5 લાખના ત્રણ ચેક વિશ્વાસપેટે આપ્યા હતા અને ત્રણ મહિના બાદ પરત લેવાના હતા. તે સિવાય નિયમ મુજબ તેમણે પૈસા લીધા હોવાની સાબિતી તરીકે વાઉચરમાં સહી પણ કરી હતી. વર્ષો વીતી ગયા બાદ પણ પૈસા ન મળતા વેપારીએ ઉઘરાણી શરૂ કરી હતી. ત્યારબાદ આરોપ છે કે મહેતાએ વેપારી અને તેમની પેઢી વિરુદ્ધ છાપામાં ખોટા ન્યુઝ છાપ્યા હતા અને રકમ આપવાનો ઇનકાર કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ફરિયાદ રાજકોટના સ્વસ્તિક ફાઇનાન્સ કોર્પોરેશનના માલિક ગુણવંતરાય વ્રજલાલ ભાદાણી અને જલાલ ભાદાણીએ કરી હતી, જેના આધારે રાજકોટ DCB પોલીસ મથકે ગુરુવારે (20 નવેમ્બર) ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 316(2), 308(5), 351(3) અને 356 હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.
FIRમાં જણાવ્યા અનુસાર, 26 એપ્રિલ, 2016ના રોજ જગદીશ મહેતા પટેલ સમાજના એક અગ્રણી મહેશભાઈ કિયાડા સાથે સ્વસ્તિક ફાઇનાન્સની ઓફિસે પહોંચ્યા હતા. આ પેઢી વર્ષોથી નાણાં ધીરધાર અને વ્યાજે આપવાનું કામ કરે છે અને સરકાર પાસેથી લાયસન્સ પણ ધરાવે છે. ફરિયાદી અને તેમના ભાગીદાર બંને પટેલ સમાજના માણસો છે, તેથી જગદીશ મહેતા પટેલ સમાજના અગ્રણી મહેશભાઈ કિયાડાને ત્યાં લઈને પહોંચ્યા હતા.
ગુણવંતરાયના જણાવ્યા અનુસાર, જગદીશ મહેતાને એક કોન્ટ્રાક્ટના કામ માટે ₹15 લાખની જરૂર હતી અને તેમણે ત્રણ મહિનામાં પરત કરવાની બાહેંધરી પણ આપી હતી. સમાજના અગ્રણીને સાથે લાવ્યા હોવાથી ફરિયાદીએ વ્યાજ પણ લગાવ્યું ન હતું. જોકે, મહેતાએ આધાર તરીકે તેમના અને તેમનાં પત્નીનાં સંયુક્ત બેન્ક એકાઉન્ટના કુલ ત્રણ ચેક આપ્યા હતા અને ત્રણેય પર 5-5 લાખની રકમ લખી હતી અને તેમની સહી પણ કરેલી હતી. ત્યારબાદ જોકે તેમણે નિયમ મુજબ પૈસા લીધાના પુરાવા તરીકે વાઉચરમાં પણ સહી કરી હતી. ધારાધોરણ મુજબની બધી પ્રક્રિયા પૂરી થયા બાદ ફરિયાદીએ તેમને ₹15 લાખ આપ્યા હતા.
ત્રણ મહિનાના વર્ષો થયા, પણ ન આપ્યા પૈસા- ફરિયાદ
ગુણવંતરાય ભાદાણીએ ફરિયાદમાં દાવો કર્યો છે કે ત્રણ મહિના બાદ પણ મહેતાએ પૈસા પરત ન કરતા તેમણે ઉઘરાણી શરૂ કરી હતી. વચ્ચે મહેશભાઈ હોવાથી તેમના દ્વારા પણ ઉઘરાણી કરાવવામાં આવી હતી, પણ મહેતાએ વારંવાર સ્થિતિ નબળી હોવાનું કહીને પૈસા આપ્યા ન હતા અને થોડા સમયમાં આપી દેવાના વાયદા કર્યા હતા. જોકે, ત્રણ-ચાર વર્ષ થયા બાદ પણ પૈસા મળી શક્યા ન હતા. દરમિયાન મહેતાએ ‘હવે પૈસા ભૂલી જાઓ’ કહીને રકમ આપવાનો ઇનકાર કર્યો હોવાનું પણ ફરિયાદમાં કહેવાયું છે.
ત્યારબાદ આરોપ છે કે મહેતાએ ફરિયાદીને વારંવાર ધમકી આપતા કહ્યું હતું કે તેઓ પૈસા તો નથી જ આપવાના પણ જામીનગીરી તરીકે જમા કરેલા ચેક પણ જો વેપારી પરત નહીં કરે તો તેમના વિરુદ્ધ છાપામાં ખોટા સમાચાર છાપશે અને તેના કારણે વેપારી અને તેમની પેઢી બંનેને નુકસાન થશે. ધમકી મળી હોવા છતાં ફરિયાદીએ ચેક આપવાનો ઇનકાર કરી દીધો હતો અને ઉઘરાણી ચાલુ રાખી હતી.
‘છાપામાં ખોટા સમાચાર છાપી અમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું’- ફરિયાદી
ફરિયાદમાં કહેવાયું છે કે, ચેક પરત કરવા માટેનું દબાણ વધારવા મહેતાએ 12 માર્ચ, 2025ના રોજ ‘મધ્ય ગુજરાત હેડલાઇન’ના ગ્રુપ એડિટર તરીકે ‘રાજકોટની ટોચની બે ફાઇનાન્સ પેઢી કાચી પડતાં બિલ્ડર લોબીમાં હાહાકાર’નાં શીર્ષક હેઠળ સમાચાર પ્રકાશિત કર્યા હતા અને તેમાં ફરિયાદીની પેઢીનો પણ આડકતરી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ફરિયાદીએ જણાવ્યું છે કે, “સમાચારમાં અમારી પેઢીનું ટૂંકું નામ ‘ગુ’યલ ફાઇનાન્સનો આડકતરી રીતે ઉલ્લેખ કરીને અમારા વિરુદ્ધ ખોટા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને સમાજમાં અમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં આવી હતી તેમજ અમને બદનામ કરવામાં આવ્યા હતા.” તેમણે આગળ જણાવ્યું છે કે મહેતાની આવી હરકતોથી તેઓ ડરી ગયા હતા અને તાત્કાલિક મહેશભાઈને વચ્ચે રાખીને એક બેઠક નક્કી કરવામાં આવી હતી.
આરોપ છે કે આ બેઠકમાં મહેતાએ ફરિયાદીને જો ચેક અને વાઉચર પરત નહીં કરે તો ભવિષ્યમાં જાનનું જોખમ ઊભું થશે એમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આગળ કહેવાયું છે કે આ ઘટનાથી ડરી જઈને ફરિયાદીએ વાઉચર મહેતાને સોંપી દીધા હતાં અને ચેક ખોવાઈ ગયા હોવાનું બહાનું બતાવીને ચેક પોતાની પાસે રાખી મૂક્યા હતા, જેથી ભવિષ્યમાં તેમની મૂળ રકમ સુરક્ષિત રહી શકે.
ફરિયાદીએ તેમની ફરિયાદ સાથે દસ્તાવેજોની નકલ પણ રજૂ કરી છે. તેમણે ચેકની નકલથી લઈને જરૂરી તમામ દસ્તાવેજો પણ પોલીસને સોંપ્યા છે. હાલ આ મામલે પોલીસ આગળની તપાસ કરી રહી છે. અમે આ મામલે ફરિયાદી ગુણવંતરાયનો સંપર્ક કરવાના પ્રયાસો કર્યા હતા, પણ સ્થાપિત થઈ શક્યા નથી. વાત થયે આ લેખને અપડેટ કરી દેવામાં આવશે.


