દિલ્હીના (Delhi) પૂર્વ મુખ્યમંત્રી અને AAP સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) હરિયાણા (Haryana) પર દિલ્હીમાં આવતા પાણીને (Water) ઝેરી બનાવવાનો આરોપ લગાવ્યો હતો. હવે દિલ્હી જલ બોર્ડે (DJB) પોતે જ કેજરીવાલના આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. DJBએ કહ્યું છે કે, કેજરીવાલનું નિવેદન તથ્યોથી અળગું છે અને ભ્રામક છે.
DJBએ કહ્યું છે કે, કેજરીવાલના આ પ્રકારના આરોપોથી દિલ્હીના નાગરિકોમાં ભય પેદા થાય છે. બીજી તરફ ચૂંટણી પંચે આ મામલે હરિયાણા સરકાર પાસે જવાબ માંગ્યો છે. ઉપરાંત એવું પણ જાણવા મળી રહ્યું છે કે, હરિયાણા સરકાર હવે આ મામલે કેજરીવાલ સામે માનહાનિનો કેસ દાખલ કરી શકે છે.
‘કેજરીવાલના નિવેદનો ભ્રામક પાયાવિહોણા’- DJB
દિલ્હી જલ બોર્ડના CEO શિલ્પા શિંદેએ સોમવારે (27 જાન્યુઆરી, 2025) એક પત્ર જારી કરીને કેજરીવાલના નિવેદનને રદિયો આપ્યો હતો. શિલ્પા શિંદેએ કહ્યું હતું કે, “આ નિવેદનો તથયાત્મક રીતે ખોટા, પાયાવિહોણા અને ભ્રામક છે. હકીકત એ છે કે, DJB નિયમિતપણે આવતા પાણીની ગુણવત્તા પર નજર રાખે છે અને વિવિધ પરિમાણોના આધારે પુરવઠાનું નિયમન કરે છે.”
DJBએ કહ્યું કે, “દરેક શિયાળાની ઋતુમાં, ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી યમુના નદીમાં એમોનિયા વધે છે. DJB વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 1 PPM સુધી એમોનિયાને ટ્રીટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે…દિલ્હી સબ બ્રાન્ચથી મળેલા એમોનિયાવાળા પાણીને ઠીક કરીને 2થી 2.5 PPM સુધીના એમોનિયાનું જળ પણ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરવામાં આવે છે.”
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં વજીરાબાદ કેનાલમાં એમોનિયાનું સ્તર ઘટશે ત્યારબાદ સપ્લાય સામાન્ય થઈ જશે. જલ બોર્ડે જણાવ્યું છે કે, પહેલાં પણ લાંબા સમયથી આવું થઈ રહ્યું છે. DJBએ કેજરીવાલના આ નિવેદનને દિલ્હીના રહેવાસીઓમાં ભય પેદા કરનારી ગણાવ્યું છે. આ ઉપરાંત DJBએ આ મામલો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) વીકે સક્સેનાને મોકલ્યો છે.
બીજી તરફ આ મામલે AAPના પ્રતિનિધિમંડળ સાથેની બેઠક બાદ ચૂંટણી પંચે હરિયાણા સરકાર પાસેથી આ આરોપો પર જવાબ માંગ્યો છે. તેમણે આ જવાબ મંગળવાર (28 જાન્યુઆરી, 2025) સુધીમાં આપવાનો રહેશે. આ ઘટના બાદ હરિયાણા સરકારે હવે કેજરીવાલ સામે માનહાનિનો કેસ દાખલ કરવાની જાહેરાત કરી છે.
હરિયાણા કરશે માનહાનિનો કેસ
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંઘ સૈનીએ કહ્યું છે કે, તેઓ આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરશે અને માનહાનિનો કેસ દાખલ કરશે . તેમણે આરોપ લગાવ્યો કે, કેજરીવાલે એ માટીનું અપમાન કર્યું છે, જેમાં તેઓ પોતે જન્મ્યા છે. તેમણે કહ્યું કે, ખોટા આરોપ લગાવીને ભાગી જવું કેજરીવાલની આદત છે.
નોંધવા જેવું છે કે, કેજરીવાલે સોમવારે (27 જાન્યુઆરી, 2025) આરોપ લગાવ્યો હતો કે, હરિયાણાની ભાજપ સરકાર દિલ્હીમાં આવતા પાણીમાં ઝેર ભેળવી રહી છે. તેમણે કહ્યું હતું કે, જો આ પાણી દિલ્હીમાં આવ્યું હોત તો લોકો મોટ પાયે મૃત્યુ પામ્યા હોત અને ‘નરસંહાર ‘ થયો હોત.