Friday, March 14, 2025
More

    ‘ભાજપ સરકાર પાણીમાં ભેળવી રહી છે ઝેર’: પૂર્વાંચલના લોકો બાદ હવે કેજરીવાલે હરિયાણા પર લગાવ્યા યમુનાને પ્રદૂષિત કરવાના આરોપ

    5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી યોજવા જઈ રહી છે. સત્તારૂઢ પાર્ટી AAP તેનું મેનીફેસ્ટો પણ જાહેર કરી ચૂકી છે, જેમાં 15 ગેરંટી આપવામાં આવી છે. આ ગેરંટીમાં અરવિંદ કેજરીવાલે સતત ત્રીજી વખત યમુનાની સફાઈ કરવાનું વચન આપ્યું છે. જોકે હવે તેમણે ફરી એક વાર યમુનાને લઈને રાજકારણ શરૂ કરી દીધું છે.

    તેમણે યમુનામાં પ્રદૂષણનો આરોપ હરિયાણા સરકાર પર લગાવી દીધો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, “ભાજપે એવું કામ કર્યું છે જે, પહેલાં ક્યારેય થયું નથી. દિલ્હીના લોકોને હરિયાણા અને ઉત્તર પ્રદેશનું પીવાનું પાણી મળે છે. ભાજપની હરિયાણા સરકારે દિલ્હી આવતા યમુનાના પાણીમાં ઝેર ભેળવી દીધું છે. દિલ્હીના જળ બોર્ડના એન્જિનિયરોનો આભાર જેમણે આ બાબત ઉઘાડી પાડી  અને તે પાણી દિલ્હીની સરહદ પર રોકીને દિલ્હીમાં પ્રવેશવા દીધું નહીં.”

    તેઓ એટલેથી અટક્યા નહીં આગળ તેમણે તેમનું વિશિષ્ટ જ્ઞાન પ્રદર્શિત કરતા કહ્યું કે, “જો આ પાણી દિલ્હીમાં ઘૂસીને પીવાના પાણીમાં ભળી ગયું હોત, તો ઘણા લોકો જીવ ગુમાવી શક્યા હોત.” તેમણે આ મામલાને અમેરિકાએ જાપાન પર ફેંકેલા પરમાણુ બૉમ્બ સાથે સરખાવી દીધો હતો. આ ઉપરાંત ચૂંટણી પંચે પણ હરિયાણા સરકાર પર આ મામલે રિપોર્ટ માંગ્યો છે.

    નોંધનીય છે કે 10 વર્ષથી દિલ્હીમાં AAP સરકાર હોવા છતાં તેઓ પ્રદૂષણ દૂર કરી યમુનાની સફાઈ કરી શક્યા નથી અને સફાઈ માટે વપરાયેલ 7000 કરોડનો હિસાબ દર્શાવતા તેમના જ રિપોર્ટને ખોટો સાબિત કરી ચૂક્યા છે. વધુમાં અરવિંદ કેજરીવાલ પ્રદૂષણનો આરોપ આસપાસના રાજ્યો પર થોપી રહ્યા છે. આ પહેલાં તેમણે પૂર્વાંચલના લોકો પર પ્રદૂષણનો આરોપ લગાવ્યો હતો.