દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections) નજીક આવી રહી છે, ત્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંનેના મેનિફેસ્ટો પણ આવી ચૂક્યા છે. દરમિયાન એક મુદ્દો જોર પકડી રહ્યો છે. એ છે યમુના (Yamuna) નદીની સફાઈનો. વિપક્ષી પાર્ટીઓ આરોપ લગાવી રહી છે કે, AAP સરકાર યમુના નદીની સફાઈ કરવામાં નિષ્ફળ રહી છે. ત્યારે હવે AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) એક ચોંકાવનારો દાવો કર્યો કે, તેમણે યમુનાની સફાઈ માટે ₹7000 કરોડ વાપર્યા જ નથી. જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નોંધનીય છે કે, AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પત્રકાર અને યુ-ટ્યુબર શુભાંકર મિશ્રાને ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન જ્યારે મિશ્રાએ પ્રશ્ન પૂછ્યો કે, દિલ્હી સરકારે ₹7000 કરોડ ક્યાં વાપર્યા. તેમણે દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિના (DPCC) રિપોર્ટનો હવાલો આપ્યો હતો. જે અનુસાર, 2012થી લઈને 2021 સુધીના 5 વર્ષોમાં યમુના નદીને સાફ કરવા માટે ₹6,856.91 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. ત્યારે શુભાંકર મિશ્રાએ આ જ અંગે પ્રશ્ન કર્યો હતો કે, આટલા ખર્ચ પછી પણ યમુના નદીની સ્થિતિ એવીને એવી જ કેમ છે.
Delhi Pollution Control Committee report of spending around ₹7,000 crore to clean Yamuna River is wrong, claims Arvind Kejriwal, says he does not know how much was spent pic.twitter.com/TUbaZQAdeZ
— OpIndia.com (@OpIndia_com) January 22, 2025
કેજરીવાલના પત્રકારને જ ઉલટ પ્રશ્નો
આ પ્રશ્નનો યોગ્ય જવાબ આપવાની જગ્યાએ અરવિંદ કેજરીવાલે પત્રકારને જ ઉલટ પ્રશ્નો કરવાના શરૂ કરી દીધા. તથા પત્રકાર પર આરોપ લગાવ્યો કે, તે એવું કહી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ ₹7000 કરોડ ખાઈ ગયા છે. જોકે, પછીથી પત્રકારે સ્પષ્ટતા આપી કે, તેઓ કેજરીવાલ પર કોઈ આરોપ નથી લગાવી રહ્યા પણ સરકારી અહેવાલના આંકડા અનુસાર, જે રકમ વપરાઈ છે તે અંગે જ જાણવા માંગે છે કે, આટલી રકમ વપરાવા છતાં યમુનાની પરિસ્થિતિમાં કોઈ સુધાર કેમ નથી આવ્યો.
પત્રકારે એવું પણ કહ્યું હતું કે, આ અહેવાલના આધારે જ ઘણી મીડિયા ચેનલોએ રિપોર્ટ છાપ્યા હતા, ત્યારે કેજરીવાલે આ બધા જ રિપોર્ટ્સને ખોટા ગણાવી દીધા અને કહ્યું કે જો પાર્ટીએ કરોડો રૂપિયા લીધા હોત તો આતિશી ક્રાઉડ ફંડિંગથી રૂપિયા ન મેળવી રહ્યા હોત. આ દરમિયાન AAP સુપ્રીમોએ યમુના નદીના પ્રદૂષણનો દોષ પૂર્વાંચલના લોકો પર લગાવી દીધો હતો. તથા સીધી રીતે આ મામલે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો.
સરકારી અહેવાલને જ ખોટો ઠેરવ્યો
ઉલ્લેખનીય છે કે, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ દિલ્હી સરકારમાં એક સ્વાયત્ત નિયમનકારી સંસ્થા છે અને તેનું બજેટ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સરકારના બજેટનો એક ભાગ છે. આ સમિતિના અહેવાલને જ અરવિંદ કેજરીવાલે ખોટો ઠરાવી દીધો હતો. તથા યમુના નદી હજુ સુધી કેમ સાફ નથી થઈ તે મુદ્દે પણ તેમણે કોઈ સીધો જવાબ આપ્યો નહોતો. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, સરકારે નદીના બંને કાંઠે વસાહતોમાં ગટર પાઇપલાઇન નેટવર્ક બનાવ્યું છે, પરંતુ તેના પર કેટલો ખર્ચ થયો તે જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.
પૂર્વાંચલના લોકો પર યમુના પ્રદૂષણનો આરોપ
આ સિવાય તેમણે યમુનાના પ્રદૂષણ અંગે કહ્યું કે, પૂર્વાંચલમાંથી જે લોકો આવે છે, તે યમુના નદીના કાંઠે આવીને વસાહતો બનાવે છે અને તેમના મળના કારણે યમુના પ્રદૂષિત થાય છે. જોકે, હવે પ્રશ્ન એ પણ છે કે જો માત્ર મળના જ કારણે યમુના પ્રદૂષિત થઇ હોય તો યમુનાના પાણીના ઉપરના સ્તર પર દેખાતું ફીણ કેવી રીતે આવ્યું. જોકે, આ સિવાય શુભાંકર મિશ્રાએ એવો પણ પ્રશ્ન પૂછ્યો કે, 2015માં પણ આગામી 5 વર્ષમાં યમુના નદીને સાફ કરવાનું વચન આપ્યું હતું.
જોકે અરવિંદ કેજરીવાલે આ બાબતથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને કહ્યું કે તેમણે આ વચન માત્ર 2020માં જ આપ્યું હતું. પરંતુ જ્યારે મિશ્રાએ કહ્યું કે, તેમણે આ વાત 2015માં કહી હતી અને તેના વિડીયો પણ તેમની પાસે ઉપલબ્ધ છે, ત્યારે કેજરીવાલે કહ્યું કે, તેમણે 2015માં કહ્યું હતું કે 2020માં, તેનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે, હવે તેમણે વચન આપ્યું છે કે, આગામી કાર્યકાળ દરમિયાન યમુના સાફ થશે.
10 વર્ષથી આપી રહ્યા છે યમુનાને સ્વચ્છ કરવાનું વચન
મહત્વની બાબત એ છે, અરવિંદ કેજરીવાલ 10 વર્ષથી યમુના નદીને સાફ કરવાનું વચન આપી રહ્યા છે, જેનું હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી અને હવે ફરીથી આ વર્ષની વિધાનસભા ચૂંટણી માટે પણ આ જ વચન આપ્યું છે. આ સિવાય તો કેજરીવાલે દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિનો લગભગ ₹7000 કરોડ ખર્ચ કર્યા હોવાનો અહેવાલ પણ ખોટો હોવાનો દાવો કર્યો છે. ત્યારે એ જ દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિનો (DPCC) ડેટા દર્શાવે છે કે, યમુના નદીમાં પ્રદૂષણ 2015 અને 2023ની વચ્ચે બમણું થઈ ચૂક્યું છે.