Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આપ’માં આંતરિક વિખવાદ? 13 ઉમેદવારોને પાટકરને સીએમ ચહેરો જાહેર કરવા સામે વાંધો...

    ‘આપ’માં આંતરિક વિખવાદ? 13 ઉમેદવારોને પાટકરને સીએમ ચહેરો જાહેર કરવા સામે વાંધો પડતાં ચૂંટણી લડવાની ના પાડ્યાની અટકળો: કેજરીવાલ દિલ્હી મૂકીને અમદાવાદ દોડ્યા

    આમ આદમી પાર્ટી મેધા પાટકરને ગુજરાતનાં સીએમ ઉમેદવાર જાહેર કરશે તેવી ચર્ચાઓ શરૂ થયા બાદ પાર્ટીમાં જ આંતરિક વિખવાદ શરૂ થઇ ગયો છે.

    - Advertisement -

    આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ‘એક્ટિવિસ્ટ’ મેધા પાટકરને મુખ્યમંત્રીનાં ઉમેદવાર ઘોષિત કરી શકે તેવી અટકળો વહેતી થયા બાદ હવે આ અંગે વધુ સમાચાર મળી રહ્યા છે. જાણવા મળ્યું છે કે આ મામલે ‘આપ’માં જ આંતરિક વિખવાદ વધી રહ્યો છે અને ઘણા નેતાઓએ પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડવાની જ ના પાડી દીધી છે. 

    સોશિયલ મીડિયામાં આ પ્રકારના સમાચારો વહેતા થયા છે. ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના આઇટી સેલના કન્વીનર નિખિલ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું  હતું કે, ગુજરાત આમ આદમી પાર્ટીમાં મેધા પાટકરને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવા પર તેમના દ્વારા ઘોષિત ઉમેદવારોમાંથી 13 લોકોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તેમણે દાવો કર્યો કે, આ તમામને મનાવવા માટે પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે.

    જણાવવામાં આવ્યા અનુસાર, આ નારાજ નેતાઓનું પ્રતિનિધિત્વ કોંગ્રેસમાંથી આવેલા ઇન્દ્રનીલ રાજગુરુ કરી રહ્યા છે. આ ઉપરાંત, પ્રીતિ ગાંધીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘આપ’ના 13 ઉમેદવારોએ મેધા પાટકર સીએમ ચહેરો ઘોષિત થાય તો ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં મેધા પાટકરને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરશે તેવી સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઇ હતી. જોકે, મેધા પાટકરનાં ગુજરાત વિરોધી આંદોલનો અને કામોના કારણે લોકોએ સોશિયલ મીડિયા પર વિરોધ પણ દર્શાવ્યો હતો. 

    સીએમ ચહેરા તરીકે મેધા પાટકરના નામની વિચારણા ચાલી રહી હોવાની ચર્ચાઓ વચ્ચે હવે ‘આપ’માં જ આંતરિક વિખવાદ થયો હોવાનું સામે આવ્યું છે. હજુ તો માંડ થોડા ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે, ત્યાં જો હમણાંથી જ ‘આપ’ નેતાઓ પાણીમાં બેસી પડે તો ચૂંટણી સુધીમાં પાર્ટી માટે વધુ મુશ્કેલીઓ સર્જાય શકે તેમ માનવામાં આવી રહ્યું છે.

    મેધા પાટકર આમ તો મહારાષ્ટ્રનાં રહેવાસી છે, પરંતુ ગુજરાતના લોકો તેમને સારી રીતે ઓળખે છે. સરદાર સરોવર ડૅમ અને નર્મદા યોજનામાં વર્ષો સુધી વિલંબ કરવામાં મેધા પાટકરના ‘નર્મદા બચાવો આંદોલન’નો મોટો ફાળો રહ્યો છે. આ આંદોલનના કારણે જ વર્લ્ડ બેંકે પ્રોજેક્ટ માટેની લૉન પણ રદ કરી દીધી હતી. 

    જે પ્રકારની ચર્ચા ચાલી રહી છે એ અહેવાલો મળી રહ્યા છે તેની ઉપરથી લાગી રહ્યું છે કે ગુજરાતવિરોધી છબી ધરાવતાં મેધા પાટકર આમ આદમી પાર્ટીનાં મુખ્યમંત્રી ઉમેદવાર બને તે બાબતે પાર્ટીમાં જ વિખવાદ સર્જાયો છે. જોકે, આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીએ મૌન સેવ્યું છે અને હજુ સુધી કોઈ અધિકારીક નિવેદન આપવામાં આવ્યું નથી. 

    મેધા પાટકર આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર જાહેર થશે તેવી અટકળોને એટલા માટે બળ મળી રહ્યું છે, કારણ કે મેધા પાટકર અગાઉ ‘આપ’ની ટિકિટ પરથી ચૂંટણી લડી ચૂક્યાં છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મેધા પાટકર મુંબઈની એક બેઠક પરથી લડ્યાં હતાં, જોકે, ત્યાંથી હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્રીજા નંબરે રહ્યાં હતાં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં