Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ગુજરાત વિરોધી ઇતિહાસ ધરાવતાં મેધા પાટકર ‘આપ’નાં સીએમ ઉમેદવાર બનશે’: અટકળો વહેતી...

    ‘ગુજરાત વિરોધી ઇતિહાસ ધરાવતાં મેધા પાટકર ‘આપ’નાં સીએમ ઉમેદવાર બનશે’: અટકળો વહેતી થઇ, નેટિઝન્સમાં ચર્ચા

    સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મેધા પાટકરને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી શકે છે.

    - Advertisement -

    સરદાર સરોવર બંધ અને નર્મદા યોજનામાં વિઘ્ન નાંખવા માટે ગુજરાતમાં જાણીતાં બનેલા મેધા પાટકર હવે ફરીથી ચર્ચામાં છે. તેનું કારણ તેમના વિશે સોશિયલ મીડિયા ઉપર ચાલતી ચર્ચા છે. નેટિઝન્સમાં ચર્ચા ચાલે છે કે મેધા પાટકર આમ આદમી પાર્ટી તરફથી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બની શકે છે. 

    ટ્વિટર પર જાણીતા અંકિત જૈને આજે સવારે એક ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે મેધા પાટકર ગુજરાતમાં ‘આપ’ના મુખ્યમંત્રી દાવેદાર બનાવવામાં આવશે તેવું તેમને જાણવા મળ્યું છે. તેમણે ટ્વિટમાં એમ પણ જણાવ્યું કે મેધા પાટકરે તેમની ટીમને સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટ પર પડદો નાંખવા માટે રિપોર્ટ તૈયાર કરવા પણ જણાવ્યું છે. 

    આ ઉપરાંત ભાજપ નેતા સુરેશ નાખુઆએ પણ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, મેધા પાટકરને કેજરીવાલની પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરવામાં આવશે. 

    - Advertisement -

    જે બાદ આજે સવારથી આ બાબતની ચર્ચા ચાલી રહી છે કે શું ખરેખર આમ આદમી પાર્ટી મેધા પાટકરને ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવશે કે કેમ?

    ગુજરાતના ભાજપ આઇટી સેલના કન્વીનર નિખિલ પટેલે પણ ટ્વિટ કરીને મેધા પાટકરને આપ સીએમ ચહેરો જાહેર કરે તેવી આશંકાઓ વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે, શું એ સત્ય છે કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ ગુજરાત વિરોધી મેધા પાટકરને સીએમ ચહેરો ઘોષિત કરવા જઈ રહ્યા છે?

    તેમણે એ પણ પ્રશ્ન કર્યો કે શું ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાના કામથી નારાજ છે કે કેમ?

    ઋષિ બાગરી નામના યુઝરે લખ્યું કે, વિદેશી ભંડોળની મદદથી મેધા પાટકરે 30 વર્ષ સુધી નર્મદા ડેમના બાંધકામમાં વિલંબ કર્યો હતો. આજે આ ડેમ ગુજરાતની જીવાદોરી છે અને ત્રણ રાજ્યોના લાખો લોકોને પાણી પૂરું પાડે છે. તેમણે જણાવ્યું કે, મેધા પાટકર આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનશે.

    એવી ચર્ચા પણ ચાલી રહી છે કે આમ આદમી પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલ આગામી મહિને મેધા પાટકરને ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી શકે છે.

    એક યુઝરે લખ્યું કે, જે મેધા પાટકરે વર્ષો સુધી ગુજરાતના લોકોને પાણી મેળવવાથી વંચિત રાખવા માટેના તમામ પ્રયત્નો કરી જોયા તેઓ હવે ગુજરાતમાં ‘આપ’ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. 

    જોકે, આ અંગે હજુ સુધી આમ આદમી પાર્ટીએ કોઈ ફોડ પાડ્યો નથી. બીજી તરફ, વધુ સ્પષ્ટતા માટે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ થઇ શક્યો ન હતો. જો સંપર્ક થાય તો તેમની ટિપ્પણીઓ ઉમેરવામાં આવશે. 

    મુખ્યમંત્રીએ કહ્યું- મેધા પાટકર જેવા અર્બન નક્સલીઓએ ગુજરાતને વર્ષો સુધી તરસ્યું રાખ્યું 

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઈકાલે કચ્છમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતી વખતે મેધા પાટકરને અર્બન નક્સલ કહીને ઉમેર્યું હતું કે, તેમણે વર્ષો સુધી ગુજરાતને વિકાસથી વંચિત રાખવાના પ્રયત્નો કર્યા. તેમણે આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર કહ્યું હતું કે, તેમને કોણે સંસદની ચૂંટણી લડવાની ટિકિટ આપી હતી અને કઈ પાર્ટી સાથે જોડાયેલાં છે તે આપણે સૌ જણીએ છીએ. 

    ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં મેધા પાટકર આમ આદમી પાર્ટીની ટિકિટ પર મુંબઈથી લડ્યાં હતાં, જોકે તેઓ ભાજપના કિરીટ સોમૈયા સામે હારી ગયાં હતાં. જાન્યુઆરી 2014માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતાં. જોકે, 2015માં તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. હવે ફરી એકવાર તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી અટકળો વહેતી થઇ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં