હોમપેજગુજરાતવિસાવદરવાળી કરવામાં સુરતવાળી થઈ ગઈ: અબ ‘આપ’ કા ક્યા હોગા?

વિસાવદરવાળી કરવામાં સુરતવાળી થઈ ગઈ: અબ ‘આપ’ કા ક્યા હોગા?

મુદ્દા વગર લડતી આમ આદમી પાર્ટીને વધુ નુકસાન કર્યું ગોપાલ અને તેમના જેવા અન્ય અમુક નેતાઓએ, જેમણે જમીની હકીકત જાણ્યા વગર ભાજપને ઉખાડી ફેંકવાના અને ક્રાંતિ લાવી દેવાના બણગા ફૂંકવાના ચાલુ રાખ્યા.

- Advertisement -

બહુ જૂની વાત નથી. દસ મહિના પહેલાં જૂન 2025માં જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાનો વિજય થયો તે પછી આમ આદમી પાર્ટીના નેતાઓ, સમર્થકો અને AAPના જ સમાચારોથી ચાલતી અમુક યુટ્યુબ ચેનલોએ આયોજનપૂર્વક એવો નરેટિવ પ્રસરાવ્યો હતો કે આ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નવા ઉદયનો સંકેત છે અને હવે ગુજરાતભરમાં ‘વિસાવદરવાળી’ થશે. એટલે કે વિસાવદરમાં જેવાં પરિણામો આવ્યાં એવાં જ પરિણામો ગુજરાતમાં બધે આવશે.

દસ મહિના પછી ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીઓનાં પરિણામો મંગળવારે (28 એપ્રિલ) આવ્યાં અને આ નરેટિવ એક ઝાટકે ધ્વસ્ત થઈ ગયો. એ જોકે પહેલેથી નબળો પડી ગયો હતો તેની વાત આગળ. પણ વિસાવદરવાળી કરવાની વાત તો દૂર, જે સુરતમાં આમ આદમી પાર્ટીને 2021માં 27 જેટલી બેઠકો મળી ગઈ હતી એ આંકડો સીધો 4 પર આવી ગયો.

વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની જીત પાછળ કારણો જે હોય એ, પરંતુ આ જીતને બહુ ચાલાકીપૂર્વક પ્રોજેક્ટ કરવામાં આવી હતી. તે સમયે નેશનલ મીડિયામાં જઈને ગુજરાતના અમુક ‘પત્રકારો’ કહેતા હતા કે આ જીત કઈ રીતે ગુજરાતનું રાજકારણ બદલી શકે છે. હકીકતે એ એક સામાન્ય જીત હતી. તેમાં ભાજપને પોતાની જ ઘણી ભૂલ નડી ગઈ હતી. આ એ બેઠક હતી જ્યાં આમ આદમી પાર્ટી 2022માં પણ જીતી હતી, પણ તેના ધારાસભ્ય ભૂપત ભાયાણી પછી પાર્ટી છોડીને ભાજપમાં આવી ગયા એટલે બેઠક ખાલી પડી હતી.

- Advertisement -

એક બેઠક પર આમ આદમી પાર્ટીને મળેલી જીતને ‘ભાજપનાં વળતાં પાણી’ તરીકે રજૂ કરવામાં આવી. સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના અને ગોપાલ ઈટાલિયાના સમર્થકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો. પણ તે જ ચૂંટણી સાથે કડી વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી, પણ તેની વાત કોઈ કરતું ન હતું કારણ કે એ એજન્ડામાં ફિટ બેસતું ન હતું.

‘વિસાવદરવાળી’ માત્ર વાતોમાં નહીં, કામમાં પણ દેખાવી જોઈએ, પણ ગોપાલથી એ ન થયું

ગોપાલની જીત પછી ‘વિસાવદરવાળી’ કરવાની વાતો શરૂ થઈ. ગોપાલ ઈટાલિયાએ ગામેગામ જઈને સભાઓ કરવા માંડી. પરંતુ થોડા સમયમાં આ દાવ ઉલટો પડવા માંડ્યો. ગોપાલ ઈટાલિયા પોતાના મતક્ષેત્રમાં રહેતા ન હતા. ત્યાં તેમનાથી નક્કર કામો થયાં નહીં એટલે લોકો સવાલો કરવા માંડ્યા. ત્યારબાદ તેઓ બીજે જ્યાં સભા કરવા જતા ત્યાં પણ લોકોએ ગોપાલને પ્રશ્નો કરવાના ચાલુ કર્યા.

ગોપાલ ઈટાલિયાનું રાજકારણ છીછરું રહ્યું છે. તેમની પાસે વાણીવિલાસ કરવા માટે, ભાજપ નેતાઓને એને સરકારના મંત્રીઓને ભાંડવા માટે શબ્દો ઘણા છે પણ તર્ક સાથે ઉત્તર આપવાની વાત આવે ત્યારે શબ્દો ખૂટી પડે છે. કામનો હિસાબ આપવાની વાત આવે તો અપાતો નથી, કારણ કે એવું ખાસ કશું ઉકાળ્યું હોતું નથી. સભાઓમાં ગોપાલને લોકો પ્રશ્નો કરતા હતા અને તેઓ ક્યારેક પ્રશ્ન કરનારને ‘ભાજપનો માણસ’ ગણાવી દેતા તો ક્યારેક વાતને અવળે પાટે ચડાવી દેતા હતા.

ગોપાલ ઈટાલિયાએ પીઆર અને સોશિયલ મીડિયા, મીડિયા થકી પોતાની જે છબી ઘડી હતી તેની હકીકત ખુલવાની શરૂ થઈ. લોકોએ જોયું કે વિસાવદરના ધારાસભ્ય મોટેભાગે સોશિયલ મીડિયા પર ફાંકા ફોજદારી કરવામાં વધારે વ્યસ્ત રહે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે એવો કોઈ મોટો ચહેરો પણ નથી અને ગોપાલ અને ઈસુદાન જ મીડિયામાં છવાયેલા રહે છે. જેઓ વધુ છવાઈ જાય તેઓ પછીથી પાર્ટી છોડી કેમ જાય છે એ રહસ્ય પણ ગોપાલ અને ઈસુદાન જ જાણે, પણ આ વધુ છવાઈ જવાની લ્હાયમાં ગોપાલ ઘણી વખત બેફામ વાણીવિલાસ કરી નાખે છે. આ વાણીવિલાસ AAPની પ્રચારક યુટ્યુબ ચેનલોને ભલે ગમતો હોય, પણ સામાન્ય મતદાર બધું જુએ છે.

એ જ કારણ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતાં સુધીમાં વિસાવદરનો મુદ્દો આમ આદમી પાર્ટીના હાથમાંથી સરકી ગયો હતો. ગોપાલ કે બીજા કોઈ AAP નેતાએ વિસાવદરનો બહુ ઉલ્લેખ કરવાનું ટાળ્યું. કારણ કે વિસાવદરવાળી કરવાની વાત કરે તો સામા દસ સવાલ થાય એવી પરિસ્થિતિ હતી.

બીજી તરફ આમ આદમી પાર્ટી પાસે આ વખતે શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પણ રહ્યા નહીં અને તથાકથિત દિલ્હી મોડેલ પણ ચર્ચામાંથી ગાયબ રહ્યું. કારણ સીધું અને સ્પષ્ટ છે– આ મોડેલને દિલ્હીની જનતા ફેબ્રુઆરી 2025માં યોજાયેલી ચૂંટણીમાં જ નકારી ચૂકી છે. નકારી એટલા માટે ચૂકી છે કારણ કે પાર્ટીએ નકરી વાતો જ કરી હતી, કામ નહીં. ચૂંટણી હાર્યા પછી કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની છબીને પણ ખાસ્સું નુકસાન થયું એટલે તે યાદ કરવામાં સવાલો ઝાઝા થાય એની શક્યતા જોતાં આમ આદમી પાર્ટીના નેતાઓ દિલ્હી મોડલનો ઉલ્લેખ કરવાથી દૂર જ રહ્યા.

મુદ્દા વગર લડતી આમ આદમી પાર્ટીને વધુ નુકસાન કર્યું ગોપાલ અને તેમના જેવા અન્ય અમુક નેતાઓએ, જેમણે જમીની હકીકત જાણ્યા વગર ભાજપને ઉખાડી ફેંકવાના અને ક્રાંતિ લાવી દેવાના બણગા ફૂંકવાના ચાલુ રાખ્યા.

વાણીવિલાસ કરવાથી અમુક ટોળાંની વાહવાહી મળે, મત નહીં

AAPના નેતાઓએ એ સમજવું પડશે કે ભાજપના નેતાઓને પર્સનલી ટાર્ગેટ કરવાથી, ટોળાં બનાવીને સમર્થકોને સોશિયલ મીડિયા પર ઉતારી પાડવાથી કે રાતોરાત સિસ્ટમમાં બદલાવ લાવી દેવાની ક્રાંતિ કરવાથી ચૂંટણીઓ જીતાતી નથી. આ બધાથી સોશિયલ મીડિયા પરના પાંચ-પચીસ સમર્થકોની વાહવાહી મળી રહેશે, સામાન્ય મતદારનું સમર્થન નહીં. સામાન્ય મતદાર સુધી પહોંચવા માટે નક્કર કામો કરવાં પડે, ધીરજ રાખીને બેસવું પડે. ત્યાં માત્ર વાતો ચાલતી નથી.

સુરત મહાનગરપાલિકાની 2021ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 27 બેઠકો લાવી હતી. આ વખતે પણ સૌથી વધુ ફોકસ સુરત પર જ રાખવામાં આવ્યું. પાર્ટીના સંગઠન મહામંત્રી જેવા નેતાને ઉતારવામાં આવ્યા અને સમર્થકોએ તેમને ‘મેયર’ બનાવવાની વાતો પણ શરૂ કરી દીધી. પરંતુ આખરે પાર્ટી 27 બેઠકો પણ ન બચાવી શકી અને એક વૉર્ડ પૂરતી સીમિત થઈ ગઈ. કથિત મેયર પણ હાર્યા અને વિપક્ષ નેતા પણ.

15 મહાનગરપાલિકાની 1044 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને માત્ર 06 બેઠકો મળી. કુલ 9986માંથી માત્ર 489 બેઠકો. છતાં પાર્ટી સોશિયલ મીડિયા પર ‘પ્રચંડ જીત’ના દાવા કરી રહી છે એ હાસ્યાસ્પદ છે. હકીકત એ છે કે આટલા ધમપછાડા પછી પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી કશું ઉકાળી શકી નથી.

હવે આગળ AAPનું શું?

આમ આદમી પાર્ટી 2021માં સુરતમાં જીતી હતી ત્યારે નેતાઓના ટોળામાં ઝાઝા માણસો હતા. 2022માં સ્થિતિ એનાથી થોડી નબળી પરંતુ ઠીકઠાક હતી, છતાં પાંચ બેઠકો આવી એ પાર્ટીના બેનર પર નહીં પણ ઉમેદવારોના કારણે આવી હતી. આજની તારીખે સ્થિતિ એ જ છે. પૂર્વ પટ્ટામાં જાતિના જોરે રાજકારણ કરતા ચૈતર વસાવાના વિસ્તારની આસપાસ અમુક તાલુકા પંચાયત-જિલ્લા પંચાયત બેઠકો આવી છે તેમાં પાર્ટીનો, તેના બેનરનો ફાળો નહિવત છે એ પાર્ટીના નેતાઓ પણ જાણે છે અને ચૈતર વસાવા પણ.

2026માં હવે એક પછી એક નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે. 2025ના અંતમાં સૌરાષ્ટ્રના ખેડૂતોને એકઠા કરવામાં અને પાર્ટીને થોડું મોમેન્ટમ આપવામાં જે રાજુ કરપડાએ ભૂમિકા ભજવી તેઓ પછી ભાજપમાં સામેલ થઈ ગયા અને મુળી-2 જિલ્લા પંચાયત બેઠક પરથી જીત્યા પણ ખરા. પાર્ટીના સંગઠન મહામંત્રી સાગર રબારીએ પરિણામોના એક દિવસ પહેલાં પાર્ટી છોડી દીધી.

આ પરિણામો પછી પાર્ટી વધુ તૂટશે. આમ આદમી પાર્ટી પાસે આજની તારીખે સંગઠનનો અભાવ છે. ચૂંટણી ટાણે ટિકિટ માટે અને અન્ય લાભો માટે ટોળું એકઠું થાય છે અને ચૂંટણી પછી વિખેરાઈ જાય છે. હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પાસે સૌથી મોટો પડકાર એ હશે કે પાર્ટીને વધુ તૂટતી બચાવે અને અસ્તિત્વ ભૂંસાતું અટકાવે, પણ જે રીતે તેઓ હજુ ‘પ્રચંડ જીત’ના દાવા કરીને દિવાસ્વપ્નમાં રાચી રહ્યા છે તેને જોતાં આમાંનું કશું થાય એમ નથી. 2027 આવતાં સુધીમાં આમ આદમી પાર્ટીની હાલત વધુ ખરાબ થશે અને આખરે ફરી એક વખત ગુજરાતનું રાજકારણ ભાજપ અને કોંગ્રેસની ફરતે રમતું થઈ જશે.

વિખ્યાત કવિ-તંત્રી ભગવતીકુમાર શર્માએ લખ્યું છે કે ઊગવાની જેને ઉતાવળ હોય એ મોટેભાગે બાવળ હોય છે. આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં આ બાવળ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં