કોંગ્રેસ જેમને ‘આયરન લેડી’ ગણાવીને મહિમામંડન કરવામાં કોઈ કસર બાકી રાખતી નથી અને જેમણે આપેલા નારા આજ સુધી તેમના પૌત્રોની રાજકીય કારકિર્દીનો સહારો બની રહ્યા છે એવાં ઇન્દિરા ગાંધીએ (Indira Gandhi) 1975માં લાદેલી કટોકટીને (Emergency) આજના દિવસે બરાબર પાંચ દાયકા પૂરા થયા. કટોકટીની આ પચાસમી વર્ષગાંઠે આમ જોવા જઈએ તો કોંગ્રેસે મોં પર આંગળી મૂકીને ચૂપચાપ બેસી રહેવું જોઈએ અને પોતાની પાર્ટીની કરતૂતો બહુ બહાર ન આવે તે માટે પ્રયાસો કરવા જોઈએ પણ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી ઇમરજન્સીના નામે મોદી સરકારને જ ‘તાનાશાહ’ સાબિત કરવામાં મંડી પડી છે.
આમાં સહકાર એ સમાન વિચારધારાવાળી પાર્ટીઓનો પણ મળી રહ્યો છે, જે પાર્ટી કે તેના નેતાઓનાં મૂળ કોંગ્રેસી વિચારધારામાં જ છે. ઉદાહરણ છે તૃણમૂલ કોંગ્રેસનાં રાજ્યસભા સાંસદ અને પૂર્વ ‘પત્રકાર’ સાગરિકા ઘોષ. આ બેનની બીજી એક ઓળખ એ છે કે તેઓ ‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈનાં પત્ની છે. પોતે પણ અગાઉ પત્રકાર હતાં. એક દિવસે રાજ્યસભા પહોંચી ગયાં. હવે ફૂલટાઈમ નેતા બની ગયાં છે.
ઇમરજન્સી પર સાગરિકાએ એક પોસ્ટ કરી છે. તેઓ લખે છે, ‘ઇન્દિરા ગાંધીએ 1975ની ઇમરજન્સી લાદી હતી, કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતને અરાજકતા તરફ ધકેલી દીધું હતું.’
Indira Gandhi imposed #Emergency1975 because @RSSorg was pushing India towards total anarchy. YES, the Emergency was a BLOT, BUT the same #IndiraGandhi called elections, resigned and took questions in public. Why doesn’t @narendramodi hold a press conference like this 👇🏽first… pic.twitter.com/NP5nlx2J7s
— Sagarika Ghose (@sagarikaghose) June 25, 2025
આટલેથી તેઓ અટકતાં નથી. આગળ લખે છે, “હા ઇમરજન્સી એક કલંક હતી, પરંતુ એ જ ઇન્દિરા ગાંધીએ ચૂંટણી પણ કરાવી, રાજીનામું આપ્યું અને લોકો સમક્ષ ગયાં.” ત્યારબાદ તેઓ પૂછે છે કે નરેન્દ્ર મોદી આ રીતે પ્રેસ કૉન્ફરન્સ કેમ કરતા નથી?”
સદંતર હાસ્યાસ્પદ લાગે એવી અને અતિશય વાહિયાત વાતને પણ પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે રજૂ કરવાની કળા વામપંથીઓએ બહુ સરસ રીતે હસ્તગત કરી લીધી છે, તેનું આ સરસ ઉદાહરણ છે. અહીં સાગરિકાએ એક નહીં પણ અનેક તથ્યોને બહુ ચાલાકીપૂર્વક પડદા પાછળ ધકેલી દઈને RSS અને મોદી ઉપર દોષનો ટોપલો ઢોળી દીધો છે.
સાગરિકા અહીં RSSને ઇમરજન્સી માટે દોષ આપે છે અને એક રીતે ઈન્દિરાનો બચાવ કરતાં કહે છે કે સંઘ અને હિન્દુત્વવાદીઓએ દેશને અરાજકતા તરફ ધકેલી દીધો હતો એટલે નછૂટકે તત્કાલીન વડાંપ્રધાને આ નિર્ણય લેવો પડ્યો. જ્યારે હકીકત એ હતી કે અલ્હાબાદ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના કારણે ઇન્દિરાની સત્તા પર જોખમ સર્જાયું હતું અને તેમણે રાતોરાત કટોકટી લાગુ કરી દીધી હતી.
દલીલ ખાતર માની પણ લેવામાં આવે કે સંઘે અરાજક સ્થિતિ સર્જી દીધી હતી (જે બિલકુલ હકીકત નથી) તોપણ તેનાથી આટલું મોટું અને કઠોર પગલું ક્યારેય જસ્ટિફાય કરી શકાતું નથી. એક તરફ આ જ ઈન્દિરાનાં ગુણગાન કરનારાઓ તેમને ‘આયરન લેડી’ કહેતા ફરે છે, તો શું તેઓ એ સ્થિતિ પર કાબૂ ન મેળવી શક્યાં કે સીધી ઇમરજન્સી લાગુ કરી દેવી પડી? હકીકત જ્યારે એ છે કે RSSને માત્ર અહીં દોષનો ટોપલો ઢોળવાનું સાધન બનાવવામાં આવી રહ્યું છે.
આ જ દલીલને વર્તમાન મોદી સરકાર સાથે સરખાવીને જોઈએ તો તેમના સમયમાં ખરેખર અનેક તબક્કે એવી સ્થિતિ સર્જાઈ છે કે વિપક્ષે કોઈને કોઈ સમુદાય કે કોઈ વર્ગને હાથો બનાવીને, ક્યારેક વિદેશી શક્તિની મદદથી કે ક્યારેક સંસ્થાઓનો ઉપયોગ કરીને સરકારવિરોધી વાતાવરણ સર્જવા માટે અને તેમને અસ્થિર કરવા માટે સંખ્યાબંધ પ્રયત્નો કર્યા છે. ખેડૂત આંદોલન, CAA આંદોલનની આડમાં થયેલી હિંસા, પૂર્વાયોજિત હિંદુવિરોધી રમખાણો સહિત અનેક ઉદાહરણો છે. પરંતુ સરકારે ક્યારેય આવી પરિસ્થિતિઓને આડ લઈને આવું કોઈ પગલું ભર્યું નથી. છતાં મજાની વાત એ છે કે મોદીને તાનાશાહ અને અઘોષિત ઇમરજન્સી લાગુ કરનાર શાસક ગણાવવામાં આવે છે અને ઈન્દિરાનું આટલું કર્યા છતાં પણ બચાવ કરીને મહિમામંડન કરવામાં આવે છે.
આગળ સાગરિકા ઘોષ ઇમરજન્સીને કલંકિત પ્રકરણ તો ગણાવે છે, પરંતુ ત્યારબાદ ‘પણ’ આવી જાય છે. ‘પણ’ કહીને તેઓ ઉમેરે છે કે આ જ ઈન્દિરા ગાંધીએ પછીથી ચૂંટણી કરાવીને, રાજીનામું આપીને જનતાના પ્રશ્નોનો સામનો કર્યો હતો.
અહીં પ્રશ્ન એ છે કે તો શું ઇન્દિરા ગાંધીએ આપણી ઉપર ઉપકાર કર્યો હતો કે આજે પાંચ દાયકા પછી એક પૂર્વ પત્રકાર અને સાંસદ આપણને એ ઉપલબ્ધિની જેમ ગણાવે છે? પહેલી વાત એ છે કે કટોકટી લાગુ થવી જોઈતી ન હતી અને લાગુ કરી દીધા પછી એક સમયે તો પીછેહઠ કરવાની હતી જ. ઇન્દિરા ગાંધી પાસે ત્યારે અન્ય કોઈ વિકલ્પ જ ન હતા. ચૂંટણીઓ યોજાવી એ નક્કી હતી, વાત માત્ર સમયની હતી. છતાં નોંધવા જેવી બાબત એ છે કે છેક 1977 સુધી ઇમરજન્સી રહી.
આ બધી વાતો કરીને વાસ્તવમાં આ ટોળકી ઇમરજન્સી દરમિયાન જે કરતૂતોને અંજામ આપવામાં આવ્યો તેની ઉપર પડદો નાખવાનું કામ કરે છે. RSS અને મોદીની ચર્ચાઓ કરનારા પછી એ ભૂલી જાય છે કે કઈ રીતે વિપક્ષી નેતાઓને મહિનાઓ સુધી કોઈ કારણ વગર પકડીને જેલમાં નાખવામાં આવ્યા, અખબારો પર પ્રેસ સેન્સરશિપ લાગુ કરી દેવામાં આવી, હજારો અને લાખો લોકોએ યાતનાઓ ભોગવવી પડી.
અત્યારે જેઓ બંધારણની રક્ષાની અને સુરક્ષાની વાતો કરે છે તેઓ એ ચર્ચા કરતા નથી કે કઈ રીતે ઇમરજન્સી દરમિયાન આડેધડ બંધારણીય સુધારાઓ કરવામાં આવ્યા હતા. 38મા સંશોધન દ્વારા ન્યાયતંત્ર દ્વારા કટોકટીની ન્યાયિક સમીક્ષાનો અધિકારી છીનવી લેવામાં આવ્યો, અન્ય એક સંશોધનમાં બંધારણમાં ઘણા મૂળભૂત ફેરફારો કરવામાં આવ્યા. 42મુ સંશોધન અત્યંત વિવાદાસ્પદ હતું, જેની જોગવાઈઓ હેઠળ કોઈ પણ વ્યક્તિને તેના મૌલિક અધિકારોથી વંચિત રાખવામાં આવી શકતો અને જેના કારણે ન્યાયતંત્રની શક્તિઓ પણ સીમિત થઇ ગઈ હતી. અન્ય એક સંશોધનમાં એવી જોગવાઈ હતી કે કેન્દ્ર સરકારને અધિકાર મળતો કે તે કોઈ પણ રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાના નામે સૈન્ય કે પોલીસ મોકલી શકતી હતી.
આ બધી ચર્ચાઓ ન થાય એટલે વચ્ચે RSS અને મોદીને લાવવામાં આવે છે. પરંતુ જનતા હૈ, સબ જાનતી હૈ!