Tuesday, April 16, 2024
More
  હોમપેજવિશેષપ્રેસ સેન્સરશિપ, ઉભરાતી જેલો, સત્તાનો અસીમિત ઉપયોગ..: વાત ભારતની લોકશાહીના સૌથી કાળા...

  પ્રેસ સેન્સરશિપ, ઉભરાતી જેલો, સત્તાનો અસીમિત ઉપયોગ..: વાત ભારતની લોકશાહીના સૌથી કાળા અધ્યાયની, જ્યારે ઇન્દિરા ગાંધીએ દેશ પર થોપી દીધી હતી કટોકટી

  આજે કટોકટીને 48 વર્ષ થઇ ગયાં છે, પરંતુ ભારતે એ સમય પણ યાદ રાખવો જરૂરી છે. ખાસ કરીને એ લોકોએ જેઓ સ્વતંત્ર વાતાવરણમાં પણ ‘લોકતંત્રની હત્યા’ની બૂમો પાડતા રહે છે. 

  - Advertisement -

  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હમણાં થોડા સમયથી એક શબ્દસમૂહ શોધી કાઢ્યો છે, જેનો ઉપયોગ તેઓ અવારનવાર કરતા રહે છે- મહોબ્બ્ત કી દુકાન. રાહુલ ગાંધીનું કહેવું છે કે મોદી સરકાર નફરત ફેલાવી રહી છે, તાનાશાહી આચરી રહી છે પણ તેઓ અને તેમની પાર્ટી પ્રેમ ફેલાવશે અને એટલે આ ‘નફરત’ના બજારમાં તેમણે ‘મહોબ્બ્તની દુકાન’ શરૂ કરી છે. આ બધી ચર્ચાઓમાં રાહુલ ગાંધી એ ભૂલી જાય છે કે તેમના પરિવારના જ એક સભ્યે માત્ર સત્તા ટકાવી રાખવા માટે દેશ પર કટોકટી ઠોકી બેસાડી હતી. 

  આજે 25મી જૂન. બરાબર 48 વર્ષ પહેલાં આજના દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભલામણથી રાષ્ટ્રપતિએ દેશમાં કટોકટી લાગુ કરી દીધી હતી અને ત્યારપછી શરૂ થયો અત્યાચાર, તાનાશાહી અને દહેશતનો સમય, જેને પચાસ વર્ષ થવા આવ્યાં છતાં એક ખરાબ સ્મૃતિ બનીને રહી ગયો છે. 

  25 જૂન, 1975ના દિવસે દેશમાં કોઈ અશાંતિનો માહોલ ન હતો કે ન કોઈ ગૃહયુદ્ધ જેવી સ્થિતિ હતી. કટોકટી લાગુ કરવા જેવું કોઈ કારણ ન હતું. પરંતુ તેમ છતાં કટોકટી લાગુ થઇ. તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની ભલામણ પર 25મીની રાત્રે જ તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે કટોકટી લાગુ કરવા માટેના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરી દીધા. બીજા દિવસે 26મીએ આખા દેશે રેડિયો પર આ અવાજ સાંભળ્યો– “ભાઈઓ અને બહેનો, રાષ્ટ્રપતિજીએ કટોકટીની ઘોષણા કરી છે. પરંતુ તેનાથી સામાન્ય લોકોએ ડરવાની કોઈ જરૂર નથી.” આ અવાજ ઇન્દિરા ગાંધીનો હતો. 

  - Advertisement -

  કટોકટી લાગુ કરવાનું શું કારણ હતું?

  કટોકટીના મૂળમાં 1971ની લોકસભા ચૂંટણી હતી. ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ઇન્દિરા ગાંધીએ પ્રતિસ્પર્ધી રાજનારાયણને હરાવ્યા હતા. પરંતુ ચૂંટણી પરિણામ આવ્યા બાદ રાજનારાયણે હાઇકોર્ટમાં તેને પડકાર્યુ હતું. તેમની દલીલ હતી કે ઇન્દિરાએ ચૂંટણીમાં સરકારી મશીનરીનો દુરૂપયોગ કર્યો હતો અને નક્કી કરેલ મર્યાદા કરતાં વધુ ખર્ચ કરીને મતદારોને પ્રભાવિત કરવા માટે પૈસા વાપરવામાં આવ્યા હતા. 

  12 જૂન, 1975ના રોજ એટલે કે કટોકટી લાગુ થવાના માત્ર 13 દિવસ પહેલાં અલાહાબાદ હાઇકોર્ટે ચુકાદો આપ્યો અને ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરીને તેમને 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જે મામલો પછીથી સુપ્રીમ કોર્ટ ગયો અને 24મીએ કોર્ટે ચુકાદો આપીને હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. જોકે, સુપ્રીમે ઇન્દિરા ગાંધીને વડાંપ્રધાન પદે યથાવત રહેવાની છૂટ આપી હતી પરંતુ શરત રાખી હતી કે તેઓ સંસદની કાર્યવાહીમાં ભાગ તો લઇ શકશે પણ મતદાન કરી શકશે નહીં. 

  સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જયપ્રકાશ નારાયણે એલાન કર્યું હતું કે જો ઇન્દિરા ગાંધી 25 જૂન પછી પણ વડાપ્રધાન પદે યથાવત રહેશે તો દેશમાં મોટાપાયે આંદોલન શરૂ કરવામાં આવશે. એક તરફ આ બધું ચાલી રહ્યું હતું ત્યાં બીજી તરફ દિલ્હીના 1, સફદરજંગ રોડ (ઇન્દિરા ગાંધીનું આવાસ) ખાતે ચાલી રહી હતી કટોકટી લાગુ કરવા માટેની વિચારણા. 

  ઇન્દિરા ગાંધીએ સલાહકારો સાથે મંત્રણા કરીને દેશમાં આંતરિક ઉપદ્રવ થઇ શકે તેવી આશંકાની આડમાં કટોકટી લાગુ કરવાનો નિર્ણય લઇ લીધો. આ અંગે મંત્રીમંડળને પણ જાણકારી અપાઈ ન હતી. સાંજે પાંચ વાગ્યે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં અને રાષ્ટ્રપતિને કટોકટી લાગુ કરવા અંગે જણાવ્યું. ત્યારબાદ દસ્તાવેજ તૈયાર થયા અને રાત્રે જ રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કરી દીધા. 

  નેતાઓની ધરપકડનો દૌર શરૂ થયો, જેલો ઉભરાઈ ગઈ હતી 

  બીજા દિવસે સવારે ઇન્દિરા ગાંધીએ કેબિનેટની બેઠક બોલાવી અને જેમાં આ બાબતની જાણકારી આપવામાં આવી. આ જ બેઠકમાં રેડિયો પર શું સંદેશ આપવો તેની રૂપરેખા તૈયાર કરવામાં આવી. વિપક્ષના નેતાઓની યાદી તૈયાર થઇ, જેમની ધરપકડ કરવામાં આવનાર હતી. ઘોષણા બાદ તરત જ નાગરિકોના મૌલિક અધિકારો છીનવાઈ ગયા તો બીજી તરફ રાત્રેથી જ વિપક્ષી નેતાઓની ધરપકડ શરૂ થઇ. જયપ્રકાશ નારાયણ, અટલ બિહાર બાજપાઈ, લાલકૃષ્ણ અડવાણી, જ્યોર્જ ફર્નાન્ડિઝ સહિતના અનેક નેતાઓને જેલમાં નાંખી દેવામાં આવ્યા. શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓને પણ છોડવામાં આવ્યા ન હતા. સ્વતંત્ર ભારતના વિવાદાસ્પદ કાયદા પૈકીના એક મીસા કાયદાનો આ દરમિયાન ખૂબ દુરૂપયોગ કરવામાં આવ્યો. કોંગ્રેસવિરોધીઓ, પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓને જેલમાં નાંખી દેવામાં આવતા અને દિવસો સુધી FIR વગર કે કાયદાકીય કાર્યવાહી કર્યા વગર બેસાડી રાખવામાં આવતા. 

  રિપોર્ટ્સ જણાવે છે કે, કટોકટી લાગુ કર્યા બાદ દેશમાં લગભગ 1 લાખથી વધુ લોકોને જેલમાં નાંખી દીધા હતા. દેશના જેટલા મોટા વિપક્ષી નેતાઓ હતા એ તમામ જેલમાં હતા. કેદીઓ પર બર્બરતાપૂર્ણ, અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યા. તેમની સાથે મારપીટ કરવામાં આવતી તો ભોજન ન આપવુંથી માંડીને હથેળીઓને બાંધીને હવામાં લટકાવવા સુધીના અત્યાચાર કરવામાં આવતા. કેટલાકને કલાકો સુધી Zની પોઝિશનમાં બેસાડી રાખવામાં આવતા. 

  છાપાં સરકાર વિરુદ્ધ લખી શકતાં ન હતાં 

  કટોકટી દરમિયાન જ પ્રેસ સેન્સરશિપ લાગુ કરવામાં આવી. તે રાત્રે જ દિલ્હીનાં ઘણાંખરાં અખબારોની ઓફિસની વીજળી કાપી દેવામાં આવી હતી, જેના કારણે છાપાં છપાયાં જ ન હતાં. ત્યારબાદ પણ તેઓ સરકાર વિરુદ્ધ કશું લખી શકતા નહીં અને દરેક અખબારની ઓફિસમાં સરકારના અધિકારીઓ મૂકવામાં આવતા, જેઓ મંજૂરી આપે ત્યારબાદ જ સમાચાર પ્રકાશિત થઇ શકતા. જો કોઈ સરકાર વિરુદ્ધ લખવાની ‘ગુસ્તાખી’ કરે તો તેણે કાર્યવાહીનો સામનો કરવો પડતો. કોઈ કાર્ટૂન કે અન્ય માધ્યમથી પણ સરકાર પર કટાક્ષ થઇ શકતો નહીં. રેડિયો બુલેટિન પ્રસારિત થાય તે પહેલાં સરકારની નજર હેઠળથી પસાર કરવું પડતું. 

  બંધારણમાં અનેક સુધારા કરવામાં આવ્યા 

  આ જ સમય દરમિયાન બંધારણમાં પ્રાપ્ત કટોકટીની શક્તિઓનો છેડેચોક દુરૂપયોગ કરવામાં આવ્યો અને સમયની જરૂરિયાત હોવાનું કહીને બંધારણમાં અનેક સુધારા કરવામાં આવ્યા. 38મા સંશોધન દ્વારા ન્યાયતંત્ર દ્વારા કટોકટીની ન્યાયિક સમીક્ષાનો અધિકારી છીનવી લેવામાં આવ્યો, અન્ય એક સંશોધનમાં બંધારણમાં ઘણા મૂળભૂત ફેરફારો કરવામાં આવ્યા. 42મુ સંશોધન અત્યંત વિવાદાસ્પદ હતું, જેની જોગવાઈઓ હેઠળ કોઈ પણ વ્યક્તિને તેના મૌલિક અધિકારોથી વંચિત રાખવામાં આવી શકતો અને જેના કારણે ન્યાયતંત્રની શક્તિઓ પણ સીમિત થઇ ગઈ હતી. અન્ય એક સંશોધનમાં એવી જોગવાઈ હતી કે કેન્દ્ર સરકારને અધિકાર મળતો કે તે કોઈ પણ રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાના નામે સૈન્ય કે પોલીસ મોકલી શકતી હતી. 42મા સંશોધનમાં એવી પણ જોગવાઈ કરવામાં આવી કે સંસદ દ્વારા કરવામાં આવેલ સુધારાને કોઈ પણ રીતે ન્યાયતંત્રમાં પડકારી શકાય નહીં. 

  ઇન્દિરા ગાંધીએ વિરોધ શાંત કરવા માટે કટોકટી લાગુ કરી હતી, પરંતુ 21 મહિનામાં દેશ અનેક રીતે પાછળ જતો રહ્યો. સુરક્ષાબળો અને બ્યુરોક્રેસી નિરંકુશ થઇ ચૂક્યાં હતાં. દેશને આર્થિક મોરચે પણ ઘણું નુકસાન થયું હતું. લોકોમાં પણ આક્રોશ હતો. આખરે જાન્યુઆરી, 1977માં માર્ચમાં લોકસભા ચૂંટણી કરાવવાની જાહેરાત થઇ. ઇન્દિરા ગાંધીને હતું કે લોકો તેમના નિર્ણય પર મહોર મારશે પણ તેમ ન થયું અને આક્રોશના પરિણામસ્વરૂપ તેમણે હાર ચાખવી પડી. 21 માર્ચ, 1977ના રોજ આખરે કટોકટી સમાપ્ત થઇ. 

  ભારતને લોકશાહીની માતા કહેવાય છે. અહીં લોકો વડે, લોકો દ્વારા, લોકો માટે શાસન ચલાવવામાં આવે છે. પરંતુ આવા લોકતાંત્રિક દેશમાં પણ જનતાએ ચૂંટેલી સરકારો નિરંકુશ થઇ જઈને બંધારણને બાજુ પર મૂકી દઈને નિર્ણયો લેવા માંડે ત્યારે શું થાય એ દેશે આ 21 મહિનામાં જોયું હતું. આજે કટોકટીને 48 વર્ષ થઇ ગયાં છે, પરંતુ ભારતે એ સમય પણ યાદ રાખવો જરૂરી છે. ખાસ કરીને એ લોકોએ જેઓ સ્વતંત્ર વાતાવરણમાં પણ ‘લોકતંત્રની હત્યા’ની બૂમો પાડતા રહે છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં