રાજપૂત આંદોલન સમયે સંકલન સમિતિથી જાણીતા બનેલા પીટી જાડેજા (PT Jadeja) હવે ફરી ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં જ રાજકોટ (Rajkot) ખાતે તેમના વિરુદ્ધ FIR નોંધાઈ છે. તેમના પર આરોપ છે કે, તેમણે ફરિયાદી પાસેથી વારંવાર ઉઘરાણી કરી અને ધમકી પણ આપી છે. જોકે, આ સમગ્ર વિવાદને લઈને હવે પીટી જાડેજાએ આગોતરા જામીનની અરજી (Anticipatory bail) કરી દીધી છે. કહેવાય રહ્યું છે કે, ધરપકડથી બચવા માટે જાડેજાએ આવું કર્યું છે. જોકે, હવે પછી શું કાર્યવાહી થશે તે તો કોર્ટ દ્વારા જ નક્કી કરવામાં આવશે, પરંતુ મીડિયામાં ફરી પીટી જાડેજાની ચર્ચાએ જોર પકડયું છે.
રાજકોટ પોલીસે પીટી જાડેજા વિરુદ્ધ IPCની કલમ 384, 504, 506 તેમજ મનીલેન્ડર્સ એક્ટ 40, 42 હેઠળ FIR નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. તેમના પર આરોપ છે કે, તેમણે જે વ્યક્તિને વ્યાજે પૈસા આપ્યા હતા, તેણે બધી જ રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં પીટી વારંવાર તેની પાસેથી વધુ પૈસાની ઉઘરાણી કરી રહ્યા હતા. માત્ર આટલું જ નહીં, પરંતુ તેઓ વારંવાર ફરિયાદીને ધમકી પણ આપી રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર, પીટી જાડેજાએ ફરિયાદીને ચોકમાં લાવીને મારવાની ધમકી આપી હતી.
તે સિવાય આરોપ છે કે, પીટી જાડેજાએ ફરિયાદીના જરૂરી દસ્તાવેજો પણ જપ્ત કરી લીધા છે. જે બાદ ફરિયાદીએ કંટાળીને પીટી જાડેજા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, હવે પીટી જાડેજાએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન માટેની અરજી કરી દીધી છે. પીટી જાડેજાએ તેમના વકીલ સુરેશ ફળદુ દ્વારા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી હતી. આ સાથે જ પોલીસે પણ આગોતરા જામીનની અરજીને રદ કરવા માટે વિવિધ મુદ્દા સાથે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું.
આ ઉપરાંત ફરિયાદીએ પણ પીટી જાડેજાની આગોતરા જામીનની અરજી સામે વાંધો રજૂ કરવા માટે કોર્ટ પાસે સમયની માંગણી કરી હતી. જેના કારણે આગોતરા જામીન અરજીમાં મુદત પડી હતી. હવે 6 ડિસેમ્બરના રોજ કોર્ટમાં આ અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કામમાં સરકારી વકીલ તરીકે કમલેશ ડોડીયા દલીલ આપી રહ્યા છે.
વધુ વિગતો મેળવવા માટે ઑપઇન્ડિયાએ પી. ટી જાડેજાનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા, પરંતુ તેમનો ફોન સ્વિચ ઑફ આવી રહ્યો છે. બીજી તરફ, ક્ષત્રિય સંકલન સમિતિના આંદોલન વખતે તેમની સાથે રહેલા ક્ષત્રિય નેતાઓના પણ સંપર્ક કરવાના પ્રયાસ કર્યા, જેમાંથી એકમાત્ર પદ્મિનીબા વાળાનો સંપર્ક થઈ શક્યો હતો.
‘ભૂલ ફરિયાદીની, મામા આવું ન કરે’- પદ્મિનીબા વાળા
આ સમગ્ર ઘટનાને લઈને ઑપઇન્ડિયાએ રાજપૂત સંકલન સમિતિની વિવિધ આગેવાનોના સંપર્ક કર્યા હતા. જોકે, મોટાભાગના લોકો સાથે વાત થઈ શકી ના હતી. એક આગેવાને કોલ રિસીવ પણ કર્યો હતો, પરંતુ ‘ઑપઇન્ડિયા’નું નામ સાંભળતા જ તેમણે કોલ કટ કરી દીધો હતો. જે બાદ આખરે પદ્મિનીબા વાળા સાથે પીટી જાડેનાના કેસને લઈને ચર્ચા કરવામાં આવી હતી. પદ્મિનીબા વાળાએ આ આખા કેસને એક ષડ્યંત્ર ગણાવી દીધું હતું. તેમણે પીટી જાડેજાને નિર્દોષ ગણવવાના પ્રયાસો પણ કર્યા હતા.
પદ્મિનીબા વાળાએ કહ્યું કે, “મને લાગે છે ભૂલ પેલા ફરિયાદીની છે. પીટીમામા આવું કઈ કરે નહીં. વ્યાજે પૈસા જોઈતા હોય ત્યારે લોકો સારા લાગે અને પછી ઉઘરાણી કરીએ તો ખરાબ લાગવા લાગીએ છીએ.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ આખું કારસ્તાન માત્ર પીટી જાડેજાને બદનામ કરવા માટે કરવામાં આવ્યું છે. તેમના મતે ક્ષત્રિય આંદોલનના કારણે જાડેજાને બદનામ કરવામાં આવી રહ્યા છે.
તેમણે વધુમાં શંકા સેવતા કહ્યું કે, “મને લાગે છે કે, ફરિયાદીની પાછળ પણ કોઈ ઉભું છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, પીટી જાડેજા ખોટા નથી, તેઓ આવું ન કરે. તેમણે જાડેજાના પત્ની સાથે વાત થઈ હોવાનો પણ દાવો કર્યો હતો. આગોતરા જામીનની અરજીને લઈને તેમણે કહ્યું કે, “આગોતરા જામીનની અરજી તો કાયદાકીય રીતે કરી છે. કાયદા દ્વારા અધિકાર આપવામાં આવ્યો છે અને ધરપકડથી બચવાનો તો કોઈ સવાલ જ પેદા નથી થતો. માણસ સાચો છે એટલે તો આગોતરા જમીનની અરજી કરી છે.”
નોંધવા જેવું છે કે, FIR અનુસાર, ફરિયાદીએ પીટી જાડેજા પાસેથી ₹60 લાખ 3% વ્યાજે લીધા હતા. જેના બદલામાં પીટી જાડેજાએ ફરિયાદીના જરૂરી દસ્તાવેજો પોતાની પાસે રાખ્યા હતા. જે બાદ ફરિયાદીએ ₹70.80 લાખ વ્યાજ સહિત પીટી જાડેજાને ચૂકવી દીધા હતા. તેમ છતાં જાડેજાના માણસે ફરિયાદીને ધમકી આપી હતી અને કહ્યું હતું કે, “તમે પીટી જાડેજા બાપુને રૂપિયા મોડા આપ્યા છે, આથી તમારે ₹60,00,000નું 10% લેખે વ્યાજ ચૂકવવું પડશે, નહીં તો તમારા ચેક અને અન્ય દસ્તાવેજો પાછા નહીં મળે.” આ ઘટના બાદ ફરિયાદીએ રાજકોટ માલવિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.